ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,દેશના પશ્રિમી રાજયો એકબીજા સાથે અરસ પરસ સંકલન કરીને ઉત્તમ પ્રેકટીસીસનો અભ્યાસ કરીને “એક ભારત શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે ઉચ્ચ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનુ નિર્માણ કરીશુ તો ગુનાનું પ્રમાણ ઘટાડવા અને ઇન્ટરનલ સીકયુરિટી તથા બોર્ડરની સમસ્યાઓને વધુ સુરક્ષિત કરી શકાશે. આજે ગાંધીનગર ખાતે વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમ દ્વારા યોજાયેલી ૭મી વેસ્ટર્ન રીજીયન પોલીસ કોઓર્ડિનેશન કમિટીને સંબોધતાં મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સપનાને સાકાર કરવા માટે ક્રાઇમ ડીટેકશન, ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન અને ક્રાઇમ કન્વીકશન રેટ વધારવો અત્યંત અનિવાર્ય છે. આ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને આપણે સૌએ અલાયદી નીતિ અપનાવવી પડશે. આપણે સૌ શ્રેષ્ઠ કામગીરી કરીએ છીએ એમાં બેસ્ટ પ્રેકટીસીઝ જે કરીએ છીએ એનું આદાન-પ્રદાન કરવા માટે આ કમિટીની રચના કરાઇ છે એ ચોક્કસ મહત્વનું પરિબળ પુરવાર થશે એવો મને દૃઢ વિશ્વાસ છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા અને દીવ, દાદરાનગર હવેલી સાથે ગુજરાતની સીમાઓ જોડાયેલી છે ત્યારે ગુજરાત સહિતની તમામ સરકારોએ જે નીતિ બનાવી છે અને વિવિધ રાજ્યોના પ્રશ્નો અને સમસ્યાઓ પણ અલગ અલગ છે એવા સંજોગોમાં નીતિથી ઉપર ઉઠીને રાજ્યોની પોલીસ નેશન ફર્સ્ટની થીયરીને આધિન અસરકારક રીતે કામ કરશું તો ચોક્કસ આપણે આપણી આંતરિક સુરક્ષા અને સીમાઓ વધુ સુરક્ષિત બનાવી શકીશું. તેમણે ઉમેર્યું કે, લોકોનો કાયદા પર અને ન્યાય તંત્ર ઉપર વિશ્વાસ વધે એ માટે જસ્ટીસ ડિલીવરી સીસ્ટમને વધુ ઝડપી અને અસરકારક બનાવવાની દિશામાં અથાક પ્રયાસો કરવા પડશે. જરૂર જણાય તો કાયદાઓમાં સુધારા થાય, નવા કાયદા બને અને કન્વીકશન રેટ સુધરે એની સાથે પોલીસ સહિત અન્ય ર્લા એન્ફોર્સમેન્ટ એજન્સીને અસરકારક રીતે કામ કરવા માટે જરૂરી કાયદાકીય પીઠબળ આપી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે નાગરિકોને વધુ સુરક્ષા પૂરી પાડવા માટે અનેકવિધ આયામો હાથ ધર્યા હતા. જેના પરિણામે ગુજરાત આજે દેશનું રોલમોડલ પુરવાર થઇ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ ત્યારે જ શકય બને જયારે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ હોય એ અમે આજે પૂરી પાડી રહ્યા છીએ. તત્કાલીન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સૌ પ્રથમવાર પોલીસ વિભાગને કુશળ માનબવબળ મળે તે માટે ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી જે આજે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થઇ છે અને આ બંને યુનિવર્સિટીને તાજેતરમાં જ કેન્દ્રીય દરજ્જો પણ તેમણે અપાવ્યો છે. એ જ દર્શાવે છે કે, ગુજરાતમાં શાંતિ અને સલામતી સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ ગુજરાત સરકાર કરી રહી છે. મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ દેશની સામે રહેલા પ્રશ્નોનું નિરાકરણ કર્યું પછી એ પાકિસ્તાન, ચીનના રાષ્ટ્રીય સુરક્ષાના પ્રશ્નો હોય કે પછી કાશ્મીરના પ્રશ્નો હોય. પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિના પરિણામે આ શકય બની રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં જે આયામે દ્રષ્ટિવંત નેતૃત્વ અને દુરોગામી અસરો જાણીને અપનાવ્યા એ આજે સાચા પુરવાર થઇ રહ્યા છે. રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આજે એ જ દિશામાં કામ કરીને નાગરિકોને સઘન સુરક્ષા પુરી પાડી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, આજના ટેકનોલોજીના યુગમાં ગુનેગારો પણ હાઇ ફ્રાઇ બનીને વાયફાઇથી ક્રાઇમ કરે છે. સાયબર ક્રાઇમનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એવા સંજોગોમાં ગુજરાત પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે રાજ્યમાં પોલીસ માનવબળની ભરતી પણ ૩૭ હજાર લોકોની કરી છે. એમને ટ્રેનીંગ સહિત અદ્યતન ઇકવીપમેન્ટસ પણ પુરા પાડવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભું કરીને વિશ્વાસ પ્રોજેકટ દ્વારા રક્ષણ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. નાગરિકોને રંજાડતા તત્વોને નાથવા માટે સીસીટીવી ફૂટેજ થકી ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે. જયારે સાયબર ક્રાઇમને નાથવા માટે પણ આશ્વસ્ત પ્રોજેકટનો નવતર અભિગમ ગુજરાતે દેશમાં પ્રથમ અમલી બનાવ્યો છે જેના ખૂબ જ સુંદર પરિણામો સાંપડી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે ત્યારે રાજ્યમાં આતંકવાદ સહિતની પ્રવૃત્તિઓ અટકાવવા માટે પણ અમે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. એ જ રીતે રાજ્યનું યુવાધન નશાખોરી તરફ ન વળે એ માટે નશાબંધી કાયદાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે અને કાયદામાં પણ સુધારાઓ કરીને કડકમાં કડક સજા કરી રહ્યા છીએ. સામાન્ય નાગરિકોને અસામાજિક તત્વો રંજાડે નહીં એ માટે ગુજરાતે તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો અને ગુંડા ધારો વિધાનસભા ખાતે પસાર કરીને નવીન કાયદો બનાવ્યો છે એટલુંજ નહીં, રાજ્યમાં આજે સર્વાંગી વિકાસના પરિણામે જમીનોના ભાવો પણ ઉચકાયા છે એવા સંજોગોમાં ગરીબ નાગરિકોને ખેડૂતોની જમીન ખોટી રીતે પચાવી પાડતા ભૂમાફિયાઓને નાથવા માટે અમે લેન્ડ ગ્રેબિંગનો નવો કાયદો પણ અમલી બનાવ્યો છે.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, કોરોનાના કપરાકાળમાં લોકડાઉનથી અનલોક સુધી તમામ રાજ્યોની પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે. ગુજરાત પોલીસે માનવતાનું ઉમદા કાર્ય કર્યું છે. જેના થકી પોલીસની સામાજિક દ્રષ્ટિએ અલાયદી છાપ ઉભરી આવી છે. તેમણે ઉમેર્યું કે, મહિલા સશક્તિકરણને પણ અમે પ્રાથમિકતા આપી છે. બહેન-દીકરીઓ પર થતા દુષ્કર્મો સંદર્ભે પણ ફાંસીની સજાની જોગવાઇ કરી છે તેના પણ ચુસ્ત અમલ માટે અમે કાયદાકીય સગવડો પણ આપી રહ્યા છીએ. મંત્રી જાડેજાએ વડાપ્રધાનશ્રીનું વિઝન અને ઇચ્છા મુજબ રાજ્યોના વિવિધ જિલ્લાની વિવિધ સમસ્યાઓ એ જ રીતે વિવિધ રાજ્યોની વિવિધ સમસ્યાઓ અને આ સમસ્યાઓ એ દેશની સમસ્યા છે ત્યારે તેમનો મૂળ હેતું ગુનાનું પ્રમાણ ઘટે એ માટે ઇન્ટરનલ સીકયુરિટી અને બોર્ડરની સમસ્યાઓ જોડીને સુરક્ષા વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનો છે. આ કોન્ફરન્સમાં થયેલ આદાન-પ્રદાન ચોક્કસ નવા દિશા નિર્દેશો આપશે એવો મને વિશ્વાસ છે, તેમ તેમણે જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ સ્વાગત પ્રવચન કરીને પાંચેય રાજ્યોના ડી.જી.પી, ડી.આઇ.જી.નું સ્વાગત કરીને આ બેઠક બીજીવાર ગુજરાતમાં યોજાઇ રહી છે એ બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે ઉમેર્યું કે, ર૦૧૬થી આ રીજીનલ કોન્ફરન્સની શરૂઆત થઇ છે. રાષ્ટ્રીયકક્ષાએ યોગ્ય સંકલન સધાય એ આશયથી યોજાતી આ કોન્ફરન્સમાં તમામ રાજ્યોના પોલીસ વડાઓનો અત્યંત સહકાર મળી રહ્યો છે જે અભિનંદનને પાત્ર છે. તેમણે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરી અંગેની વિસ્તૃત વિગતો આપી હતી અને પાંચ રાજ્યો દ્વારા થયેલ બેસ્ટ પ્રેકટીસીસના આદાન-પ્રદાન કરવા માટે સૌને અનુરોધ પણ કર્યો હતો. આ કોન્ફરન્સમાં મહારાષ્ટ્રના ડી.જી.પી. સુબોધકુમાર જયસ્વાલ, મધ્યપ્રદેશના ડી.જી.પી. વિવેક જોહરી, રાજસ્થાનના ડી.જી.પી. ભૂપેન્દ્રસિંઘ, ગોવાના ડી.જી.પી. મુકેશકુમાર મીના અને દાદરાનગર હવેલીના ડી.આઇ.જી. રીષી પાલ તથા જોઇન્ટ ડાયરેકટર આઇ. બી.ઓ. એન. ભાસ્કર વગેરેએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાઇને પોતાના વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. આ વેળાએ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી.