કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો અપાયા બાદ સૌ પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે. ડૉ. વ્યાસે આજરોજ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીશ્રી જાડેજાએ તેમને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા અને કેન્દ્રીય દરજ્જાની આ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવા દીર્ઘદૃષ્ટિપૂર્વક ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્યસ્તરની આ યુનિવર્સિટીએ દેશવિદેશમાં તેની કામગીરી થકી નામના મેળવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં આ યુનિવર્સિટીને રાષ્ટ્રીયકક્ષાનો દરજ્જો એનાયત કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સૌ પ્રથમ કુલપતિ તરીકે ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.
આજરોજ યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ ડૉ. જે.એમ વ્યાસે ગૃહ રાજ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકારે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા અને ત્વરિત ન્યાય મળે તે માટે અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે, ત્યારે આ યુનિવર્સિટી દેશ અને દુનિયા માટે મહત્વની પૂરવાર થશે. તેમણે ઉમેર્યું કે, આજના ડિજિટલ યુગના સમયગાળામાં ફોરેન્સિક સાયન્સ જેવા વિષય અંગેની નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતી સંસ્થા રાજ્યમાં છે. જેનું મુખ્ય કાર્યક્ષેત્ર શિક્ષણની સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ, ઝડપી ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને મજબૂત બનાવવા અંગેનાં રીસર્ચ અને ટ્રેનીંગનું છે જેને કેન્દ્રીય વિઝનરી ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ વિશેષ ભાર આપી રહ્યા છે. આ હેતુને પાર પાડવા ગૃહ રાજ્યમંત્રીશ્રી જાડેજાએ ડૉ. વ્યાસને શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી જાડેજાએ જણાવ્યું કે, જે-તે સમયે ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોની અપૂરતી સંખ્યા અને તેની ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન અને જસ્ટીસ ડીલીવરી સીસ્ટમ પરની અસરોને ધ્યાને લેતા એક અલાયદી સંસ્થાની જરૂરિયાતના વિચાર સાથે ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી-જીએફએસયુની સ્થાપના કરવામાં આવી હતી. જેનો મૂળ હેતુ ફોરેન્સિક સાયન્સ અને તેના સ્પર્શતા અન્ય વિષયો જેવા કે સાયબર ક્રાઈમ, ડીજીટલ ફોરેન્સિક, બીહેવીરલ સાયન્સ વગેરેમાં શિક્ષણ, ટ્રેનીંગ, રીસર્ચ અને કન્સલ્ટન્સી પૂરી પાડવાનો છે. ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના બાદ તેના સૌ પ્રથમ ડાયરેક્ટર જનરલ તરીકે વર્ષ ૨૦૦૯માં ડૉ. જે.એમ. વ્યાસની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના માર્ગદર્શન હેઠળ માત્ર ૧૦ વર્ષના ટૂંકાગાળામાં આ સંસ્થાએ દેશ-વિદેશનાં ૧૦,૦૦૦થી વધુ પોલીસ ઓફિસર્સ, ફોરેન્સિક સાયન્સનાં એક્સપર્ટસ, જ્યુડીશરીનાં સભ્યોને ગુના સંશોધન અને સિક્યુરીટીને લગતા વિવિધ વિષયોમાં તાલીમ આપી છે. એટલું જ નહીં, GSFUએ ૫૮ દેશો સાથે MOU કર્યા છે, જે અંતર્ગત તાલીમ ઉપરાંત ફોરેન્સિક લેબોરેટરી સ્થાપવામાં પણ આ યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી રહી છે. એ જ રીતે દેશનાં વિવિધ રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ મ્યાનમાર, માલદિવ, ઝિમ્બાબ્વે, રવાન્ડા, યુગાન્ડા, ત્રિનિદાદ અને ટોબેગો જેવા દેશમાં off-shore કેમ્પસ સ્થાપવાની અનેક દરખાસ્તો આ યુનિવર્સિટી પાસે આવે છે. ઉલ્લેખનીય છે કે, ડૉ. જે.એમ. વ્યાસે તેમની ૪૭ વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં ૨૬ વર્ષ સુધી વિવિધ સંસ્થાઓમાં ડાયરેક્ટરપદે સેવા આપી છે. આજરોજ ગૃહ રાજ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત વખતે મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેન્દ્રીય દરજ્જાની આ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવવા માટે ડૉ.વ્યાસને શુભેચ્છાઓ પાઠવી હતી.