ગુજરાત એટીએસના પીઆઈ જે.એમ.પટેલ સરકારી કામે સરકારી ગાડીમાં ડ્રાઈવર સાથે જામખંભાળીયા ગયા હતા. ત્યાં કામ પૂર્ણ કરીને તે અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે બાવળા પાસે એક ટ્રકમાં સરકારી ગાડી ઘુસી જતા એરબેગ ખુલી જતા સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ ડ્રાઈવર અને પીઆઈ પટેલને સામાન્ય ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગાંધીનગરમાં સરકારી કવાર્ટર્સમાં રહેતા અરૂણભાઈ ચૌધરી સાબરકાંઠા એસઆરપી ગ્રુપ-6માં વર્ષ 2008થી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વર્ષ 2022થી કોન્સ્ટેબલ અરૂણભાઈ ગુજરાત એટીએસમાં પોલીસ ઈન્સ્પેકટર જે.એમ.પટેલની ગાડીમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં સવારે પીઆઈ પટેલ સાથે સરકારી ગાડી લઈને તે સરકારી કામ અર્થે દ્વારકા જામખંભાળીયા ખાતે જવા નીકળ્યા હતા. ત્યારે શનિવારે વહેલી સવારે બાવળા નજીક રામનગર પહોંચ્યા ત્યારે રોડ પર એક ટ્રક ઉભી હતી. અચાનક જયારે ટ્રકની નજીક પહોંચ્યા ત્યારે અરૂણભાઈએ શોર્ટ બ્રેક મારતા પીઆઈ જે.એમ.પટેલ પાછળની સીટ પરથી ગબડી પડયા હતા.
ગાડીની એરબેગ ખુલી જતા અરૂણભાઈને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. જેથી તાત્કાલિક બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે બાવળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.