ગાંધીનગર જિલ્લાના અડાલજમાંથી અમદાવાદ-મહેસાણા ધોરીમાર્ગ પસાર થાય છે. અડાલજ ટોલ પ્લાઝા ખાતે ટુ વ્હીલર ચાલકોને પસાર થવા માટે એક સાંકડી પટ્ટી રાખવામાં આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને અહીંથી પસાર થતી વખતે અકસ્માતનો ખતરો પણ રહેલ છે. વાહન ચાલકો દ્વારા ટોલ ટેક્સ કંપનીને આ અંગે ઘણી ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર કામગીરી થઇ નથી.
અડાલજથી કલોલ તરફ હાઇવે પર ટોલ ટેક્સ પ્લાઝા આવેલ છે. અહીં નાના મોટા વાહનોને પસાર થવા માટે વિવિધ લેન બનાવામાં આવી છે જોકે દ્વિચક્રીય વાહનો માટે કોઈ અલગ લેન તૈયાર કરવામાં આવી નથી. આ ટોલ ટેક્સ પરથી રોજના સેંકડો દ્વિચક્રીય વાહનો પસાર થાય છે. આ તમામ વાહનો યોગ્ય લેન નહીં હોવાને કારણે છેલ્લે આવેલ ગટર લાઈન પરથી પસાર થવા મજબુર બન્યા છે. એકદમ સાંકડી પટ્ટીમાંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ખતરો રહે છે. ટોલ ટેક્સ કંપનીના ધ્યાનમાં આ વાત હોવા છતાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે.
ટોલટેક્સની પટ્ટી એટલી સાંકડી છે કે માંડ એક બાઈક કે મોપેડ નીકળી શકે તેમ છે. ઘણી વખત અહીં વાહન ચાલક પોતાના વાહન પરનો કાબુ પણ ગુમાવી બેસતા હોય છે જેથી અકસ્માત સર્જાય છે. વધુમાં ગટર લાઈન પરથી આ તમામ વાહનો પસાર થતા હોવાથી કોઈ દિવસ દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે. ગટર લાઈન તૂટે તો અહીંથી પસાર થતા તમામ દ્વિચક્રીય વાહન ચાલકો અંદર ખાબકે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. આ સંજોગોમાં ટુ વ્હીલર માટે અલગથી લેન બનાવવામાં આવે તેવી માંગણી પણ વાહન ચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. સરકાર અને ટોલ ટેક્સ કંપની લોકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસુલતા હોવા છતાં યોગ્ય સુવિધા ન આપી શકતા અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે.