ગુજરાત વિધાનસભા ઉપનેતા અને કૉંગ્રેસનાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર
“હિન્દુ ગીતા દ્વારા, મુસ્લિમ કુરાન દ્વારા, ખ્રિસ્તી બાઇબલ દ્વારા જ્યારે સમગ્ર ભારત ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા સંચાલિત થાય છે
નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યુરોના આધારે વર્ષ ૨૦૨૧ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૨માં દલિત સમાજો ઉપર અત્યાચાર વધ્યો:ગુજરાત રાજ્યમાં પણ એસ.સી./એસ.ટી.ના સબપ્લાન માટેનો કાયદો બનાવવામાં આવે,આવનારા દિવસોમાં રાજ્યમાં અનુસૂચિત જાતિ આયોગની સ્થાપના થાય.
દલિત સમાજના અનુસૂચિત જાતિના તમામ લોકોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૬ લાખની આવકમર્યાદાનો લાભ મળવો જોઇએ અને સાઇકલનો કેસરી કલર પણ બદલવો જોઇએ એવી શૈલેષ પરમારની માંગણી
ગાંધીનગર
કૉંગ્રેસનાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે મંત્રી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માગણીઓનાં જવાબમાં જણાવ્યું હતું કે ડૉ.બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને ચોક્કસ કહીશ કે”હિન્દુ ગીતા દ્વારા સંચાલિત થાય છે, મુસ્લિમ કુરાન દ્વારા સંચાલિત થાય છે, ખ્રિસ્તી બાઇબલ દ્વારા સંચાલિત થાય છે, સમગ્ર ભારત ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા સંચાલિત થાય છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ૧૫૬ સીટ આપ્યા પછી સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક થયો છે ખરો? ગુજરાતના ૧૫૬ ગામમાં અનુસૂચિત જાતિના લોકો સાથે પણ આજે પણ અસ્પૃશ્યતા રાખવામાં આવે છે. આ તમારું ૧૫૬ સીટનું પરિણામ છે. આ લઇને ચાલવાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી દરેક સમાજને સાથે અભિમાની સરકાર છે. આજે દલિત સમાજનો વ્યક્તિ મૂછ ના રાખી શકે, દલિત સમાજનો વ્યક્તિ ઘોડા પર ના બેસી શકે.
નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યુરોના આધારે કહેવું છે કે, વર્ષ ૨૦૨૧ના પ્રમાણમાં વર્ષ ૨૦૨૨માં દલિત સમાજો ઉપર અત્યાચાર વધ્યો છે. સુરેન્દ્રનગરમાં દલિતના દીકરા પોતાના ખેતરમાં ખેડવા જાય અને સરેઆમ તેની હત્યા કરી દેવામાં આવે, તેણે પોલીસ રક્ષણની માંગણી કરી હતી, તેને પોલીસ રક્ષણ આપવામાં ન આવે અને બે જણની હત્યા થઇ જાય. દલિત સમાજનો દીકરો ઘોડા ઉપર બેસીને પરણવા નીકળે તો તેને ઘોડા પરથી ઉતારી દેવામાં આવે અને ઉતાર્યા પછી કોઇ તેનો અવાજ ન ઉપાડે. જે રીતે અન્ય સમાજના લોકોને રૂ.૬ લાખની આવકમર્યાદા કરવામાં આવી છે તે જ રીતે દલિત સમાજના લોકોની આવકમર્યાદા પણ રૂ.૬ લાખ કરવામાં આવે 14 મી એપ્રિલ 2022 ના રોજ ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે જાહેરાત કરી કે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક યોજનાઓના મળતાં લાભમાં રૂ.અઢી લાખની આવકમર્યાદા વર્ધારીને રૂ.૬ લાખ કરવામાં આવશે. રાજ્ય સરકારના છ મહિના પછી બહાર પડેલા પરિપત્રમાં કોઈ એવી ખામી રહેલી છે કે જેના કારણસર મૅડિકલ, એન્જિનીયર અને પોલીટેક્નિકના વિદ્યાર્થીઓને આનો લાભ મળતો નથી. આથી આ પરિપત્રમાં સુધારો કરીને દલિત સમાજના અનુસૂચિત જાતિના તમામ લોકોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ.૬ લાખની આવકમર્યાદાનો લાભ મળવો જોઇએ તેવી સરકાર પાસે માંગણી કરું છું.
અમદાવાદમાં ૧૫ વર્ષ પહેલાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું અને ૧૫-૧૫ વર્ષ થયા પછી પણ રાણીપ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. દુઃખની બાબત તો એ છે કે રાણીપ ખાતે આવેલાં આ ફાઉન્ડેશનના બરાબર ૧૦૦ મીટરના એરિયામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહે છે પણ તે સાંસદની નજરમાં પણ ન આવ્યું કે ૧૫ વર્ષથી આ કામ કેમ પૂર્ણ થયું નથી. આ કામ પૂર્ણ કરવા માંગણી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉપર જે અસ્પૃશ્યતા થઇ, તેમની સામે જે વાત થઇ તેના અનુસંધાને વર્ષ ૨૦૧૫માં ભારતીય જનતા પાર્ટીની સરકાર વડોદરા ખાતે સંકલ્પ ભૂમિ બનાવવાનો સંકલ્પ લઇને આવી હતી. આજે ૮ વર્ષ થયા બાદ પણ તે સંકલ્પભૂમિનું કામ પૂર્ણ થયું નથી. આથી મારી માગણી છે કે રાજકીય મુદ્દા કરતાં પણ સરકારે જે ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે જોડાયેલા નામની સંકલ્પ ભૂમિનેવિકસાવવાનું કામ કર્યું છે તેને સંપર્ણપણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી. રાજ્ય સરકાર બજેટ તો આપે જ છે પણ બજેટ આપ્યા પછી તે બજેટનો હિસ્સો અલગ અલગ રીતે વહેંચાયેલો હોય છે.વર્ષોથી ગુજરાતમાં એસ.સી./એસ.ટી. સમાજના આર્થિક વિકાસ માટે સબપ્લાન યોજના એટલે કે, ખાસ અંગભૂત યોજના આપવામાં આવે છે. આ ખાસ અંગભૂત યોજનાના અનુસંધાનમાં એસ.સી./એસ.ટી.ના લોકોને આનો સંપૂર્ણ લાભ થાય છે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં સમરસ છાત્રાલયો બન્યા છે અને આ છાત્રાલયો બન્યા પછી દરેક સમાજના લોકોને આનો લાભ મળે છે. એનો કોઈ વાંધો નથી પરંતુ, સમરસ છાત્રાલયોમાં જે બજેટ વાપરવામાં આવ્યું હતું એ બજેટ ફક્ત અને ફક્ત અનુસૂચિત જાતિ વિભાગમાંથી વાપરવામાં આવ્યું હતું. બધી જ જાતિના લોકો આ બજેટ વાપરે છે એનો વાંધો નથી. પણ જે બજેટ હતું એ એક જ જગ્યાએ વાપરવામાં આવ્યું છે. જેના કારણે બીજા સમાજના લોકોને જે લાભ મળવો જોઈએ એ મળી શક્યો નથી ત્યારે સરકારને માંગણી છે કે, અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યમાં પણ એસ.સી./એસ.ટી.ના સબપ્લાન માટેનો કાયદો બનાવવામાં આવે. આ રાજ્યમાં આભડછેટ, પીવાનું પાણી, ખૂન, બળાત્કાર જેવા અત્યાચારો વધી રહ્યા છે, એના નિરાકરણ માટે અનુસૂચિત જાતિ પર થતા અત્યાચારો માટેની કમિટી મળવી જોઇએ. તમારી દલિતો અને અનુસૂચિત જાતિના લોકોની સમસ્યા માટેની જે લાગણી છે એ દેખાઈ આવે છે કે, બે-બે વર્ષ સુધી તમે મિટિંગો કરતા નથી. આ મિટિંગો ન થવાના કારણે રાજ્યના દલિતો પર થતા અત્યાચારોના નિરાકરણની વાત થતી નથી. વાઇબ્રન્ટ ગુજરાત થાય છે. ભારતીય લોકો માટે તમે લાલજાજમ પાથરો છો પણ જે લોકો એના સાચા અધિકારી છે, જેમનો હક્ક છે અને એમની જે સમસ્યાઓ છે રાજ્યમાં જે બનાવો બને છે એ બનાવોને આધીન એક આયોગ હોવું જોઇએ. રાજ્યમાં અનુસૂચિત જાતિનું આયોગ ન હોવાના કારણે આ સમસ્યાઓનું નિરાકરણ થતું નથી ત્યારે સરકાર સમક્ષ માંગણી છે કે, આવનારા દિવસોમાં રાજ્યમાં અનુસૂચિત જાતિ આયોગની સ્થાપના થાય. આપણે ત્યાં કાયદો છે કે, સફાઈ કામદારને ગટરમાં ઊતારવા નહીં. નામ. સુપ્રીમ કોર્ટ, નામ. હાઈકોર્ટ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કહેવા છતાં પણ આ રાજ્યમાં દર વર્ષે ૫, ૬, ૭ કે ૧૧ સફાઈ કામદારોના ગટરમાં ઊતરવાથી મૃત્યુ થાય છે. મૃત્યુ થાય એટલે સરકાર સહાય આપે છે. દસ લાખ આપે, પંદર લાખ આપે કે વીસ લાખ આપે. દલિતની હત્યા થાય એટલે પંદર લાખ રૂપિયા આપી દે, બળાત્કાર થાય એટલે દીકરીને એના પૈસા આપી દેવામાં આવે. શું કોઇની જાનની કિંમત, કોઈની બળાત્કારની કિંમત, કોઈને હડધૂત કરવાની કિંમત પૈસા હોઇ શકે? સરકાર એમ માનતી હોય કે બળાત્કાર કરવાથી પૈસા લઈ લો, હત્યા કરવાથી પૈસા લઇ લો. અસ્પૃશ્યતા કરીને પૈસા લઇ લો, ગટરમાં ઊતરવાથી માણસનું મૃત્યુ થાય તો પૈસા લઈ લો અને જો એની કિંમત પૈસા સાથે કરતી હોય તો તમને ૧૫૬ને મુબારક છે. સરકાર ભલે આ સફાઈ કામદારને વળતર આપે પરંતુ, કોઇપણ સફાઇ કામદારને ગટરમાં ઊતરવા મજબૂર કરનાર એજન્સી કે કોન્ટ્રાક્ટર માટે પાંસા જેવો મજબૂત કાયદો કરીને એને જેલ ભેગો કરશો તો જ આ રાજ્યમાં સફાઇ કામદારોના બચાવ થઇ શકશે.રાજ્ય સરકાર સાઇકલ એસ.ટી. અને એસ.સી. બંને સમાજના વિદ્યાર્થીઓને આપે છે. સાઇકલ આપવાનું કામ સારું છે, ખોટું નથી. સાઇકલ આપ્યા પછી સાઇકલનો કલર કેસરી રાખવામાં આવેલ છે. આપણી દીકરી જયારે કેસરી કલરની સાઇકલ લઇને નીકળતી હોય છે ત્યારે બીજો સમાજ જોતો હોય છે અને કહે છે કે, દલિત અને આદિવાસીની દીકરી આ સાઇકલ ઉપર જઈ રહી છે. તમને એનું ગૌરવ હોય તો તમને સૅલ્યુટ છે. આ લોકો નહીં સમજે. ઋષિકેશભાઇ,સરકાર સાઇકલ આપે છે એ માટે હું આપને અભિનંદન આપું છું.ભગવાન શ્રી રામની વાત કરતા હોય તો ભગવાન શ્રી રામ મર્યાદાપુરષોત્તમ હતા. એમની આ સાઇકલનો કલર પણ બદલવો જોઇએ એવી મારી માગણી છે. ડૉ.બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન જે રાણીપ ખાતે આવેલું છે.ફેઝ-૩નું કામકાજ સંપૂર્ણ રીતે બાકી છે પણ આઠ વર્ષથી એનું કામ પૂર્ણ થયું નથી.