સરકારના ચરણ ચૂમી રહેલ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે સત્તાધીશો સામે ઝઝૂમી રહેલા સાહિત્યકારશ્રીઓને ગુજરાત કોંગ્રેસનું જાહેર સમર્થન : વિશ્વ માતૃભાષા દિવસની સાચી ઉજવણી માટે ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરો : હેમાંગ રાવલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર , કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આવતીકાલે તા. ૨૧ ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિવસની ઉજવણી થનાર છે. ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ ૪.૫ ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૭ કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે. પરંતુ આજે ગુજરાતમાં ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારની જવાબદારી જેની છે તે ગુજરાત સાહિત્ય અકાદમીનું નવનિર્મિત પરિસરનું આજે ઉદ્ઘાટન થનાર છે, તે રાજકીય જંજીરોમાં જકડાયેલી છે અને તેને સ્વાયત્ત કરવા માટે ગુજરાતના સાહિત્યકારો સ્વાયત્તતાની લડત લડી રહ્યા છે.ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ લોકતાંત્રિક રીતે સંગીત નાટ્ય એકેડમી અને કેન્દ્રીય સાહિત્ય એકેડેમીની સ્થાપના કરેલી અને એ મુજબની એક ગુજરાતી સાહિત્યની પણ એકેડમી હોવી જોઈએ એ મુજબની માંગ ઉમાશંકર જોશી એ કરેલી જેના કારણે એક સમિતિ બની અને સર્વશ્રી યશવંત શુક્લ, શ્રી ચીમનલાલ ત્રિવેદી, શ્રી ધીરુભાઈ પરીખ વગેરેએ ભેગા મળીને બંધારણ બનાવ્યું હતું જેના અનુસાર લોકતાંત્રિક અને લોકશાહી ઢબે ગુજરાતમાં સાહિત્ય સાથે સંકળાયેલા દિગ્ગજો, યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, સાહિત્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, જ્ઞાનપીઠ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવેલા પ્રતિનિધિઓ વગેરે ઉપરોક્ત એકેડમીના સદસ્ય તરીકે નીમવામાં આવતા અને તેઓ લોકશાહી ઢબે સાહિત્ય અકાડમીના પ્રમુખ ચુંટતા હતા. પરંતુ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાહિત્ય અકાદમીમાં ચૂંટણી પ્રક્રિયાને બંધ કરી દીધી હતી અને સઘળો વહીવટ મહામાત્રશ્રી (રજીસ્ટારને) સોંપી દેવામાં આવ્યો. ત્યારબાદ શ્રી આનંદીબેન પટેલના મુખ્યમંત્રી શાસનમાં ઉપરોક્ત બંધારણને રદ કરીને એ પ્રમાણે કલમ લખવામાં આવી કે “ગુજરાત રાજ્યના જે પણ મુખ્યમંત્રી હશે તેમને કારોબારી અને સાહિત્ય અકાદમીના પ્રમુખ નીમવાની સત્તા આપવામાં આવે છે” અને રૂ. ૧૫ કરોડના વાર્ષિક બજેટ વાળી ગુજરાત સાહિત્ય અકાદમીમાં સાહિત્ય સાથે સ્નાનસ્તુતકનોય સંબંધ ના હોય તેવા લોકોને કારોબારીમાં સ્થાન આપવાની શરૂઆત થઈ.
આ બાબતનો આખી જિંદગી, મૃત્યુપર્યંત વિરોધ કરનાર સ્વર્ગસ્થ શ્રી નિરંજન ભગત, શ્રી ધીરુભાઈ પરીખ, શ્રી ચંદ્રકાંત ટોપીવાલા, શ્રી શિરીષ પંચાલ, શ્રી ગુલાબ મહંમદ શેખ, પદ્મશ્રી સિતાંશુ યશચંદ્ર, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા અને પદ્મશ્રી રઘુવીર ચૌધરી, શ્રી પ્રકાશ ન. શાહ, શ્રી સતીશ વ્યાસ, શ્રી હર્ષદ ત્રિવેદી, શ્રી પ્રફુલ રાવલ, શ્રી ભરત મહેતા સહિત અગ્રણી સાહિત્યકારો સાહિત્ય અકાદમીને સ્વાયત્ત કરવા લડત લડી રહ્યા છે. ૪૫૦૦થી વધુ સાહિત્યકારો અને સાહિત્ય સંસ્થાઓ જેના સભ્ય છે તે ૧૧૮ વર્ષ જૂની ગુજરાતી સાહિત્ય પરિષદની સામાન્ય સભાએ પણ સરકારી અકાદમીના કાર્યક્રમોનો બહિષ્કાર કરીને વિરોધ કરેલ છે.
બીજી તરફ સરકાર માત્ર જાહેરાતો કરીને ગુજરાતી ભાષા પોતાની ફરજ અદા કરવામાં ચૂપ કરી રહી છે ગયા વર્ષે ગુજરાત વિધાનસભામાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનું સર્વાનુમતે બિલ પસાર થયા બાદ પણ ઇન્ટરનેશનલ બોર્ડ સી.બી.એસ.સી બોર્ડની મોટાભાગની શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવાતો નથી. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં બે લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા હતા. તાજેતરમાં આવેલા સર્વે મુજબ ૧૪ થી ૧૮ વર્ષના ૨૫ ટકા બાળકો માતૃભાષા વાંચી શકતા નથી. અધૂરામાં પૂરું ગત વર્ષે ૧૦ ગુજરાતી માધ્યમની શાળાઓને તાળા વાગી ગયા અને સરકારે ઘણી મોટી સંખ્યામાં નવી અંગ્રેજી માધ્યમની શાળાઓને મંજૂરી આપી. ગુજરાતની કોલેજોમાં ગુજરાતી વિષયના અધ્યાપકો અને શાળાઓમાં ગુજરાતી વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી રહી અને લાખો વિદ્યાર્થીઓ ગુજરાતીના શિક્ષણથી વંચિત રહેલ છે.માતૃભાષાથી બાળકો કેળવાય તેના માટે ભારતના અનેક રાજ્યોમાં ગ્રંથાલય ધારો પસાર કરેલ છે અને તેના મુજબ રાજ્યમાં જેટલા ગામ હોય તેટલા ગામમાં લાઈબ્રેરી ફરજિયાત હોવી જોઈએ ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાના વિકાસ માટે આવા પ્રકારનો ધારો અસ્તિત્વમાં લાવી ગુજરાતના દરેક ગામે ગામ પુસ્તકાલય બનાવવાની તાકીદે જરૂર છે.થોડાક સમય પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં જાહેર સ્થળોના બોર્ડ, યુનિવર્સિટી, સંસ્થાઓ, દુકાનોના બોર્ડ ગુજરાતીમાં જ લખાય એ મુજબનો એક આદેશ પસાર કર્યો હતો. પરંતુ આ આદેશને કોઈએ ગંભીરતાથી લીધો નથી. તે બાબતે ગંભીરતાથી લઈને અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શોપ્સ એન્ડ એસ્ટાબ્લીઝ એક્ટમાં ફરજિયાત માતૃભાષાને સામેલ કરવામાં આવે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાહિત્યકારોની માગણીને સમર્થન જાહેર કરે છે કે ગુજરાત સાહિત્ય અકાદમીને સ્વાયત્તતા આપવામાં આવે અને અસલ બંધારણને વિધાનસભામાં પસાર કરીને પુનઃસ્થાપિત કરવામાં આવે તોજ માતૃભાષા દિવસ હકીકતમાં સાર્થક થયેલ ગણાશે.રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા પેનાલિસ્ટ શ્રી રમેશ વોરા ઉપસ્થિત રહ્યા હતા.