આધારકાર્ડનો ઉપયોગ કરી PAN અને GSTIN મેળવી કૌભાંડ આચરેલ છે.આ બાબતની તપાસના પરિણામે સમગ્ર દેશમાં ૧૩૩૪૫ બોગસ GST નંબરની ઓળખ કરવામાં આવી
અમદાવાદ
સ્ટેટ GST વિભાગ દ્વારા આધાર 1.0 (ફેબ્રુઆરી-૨૦૨૩) અને આધાર 2.0 (ફેબ્રુઆરી- ૨૦૨૪) એમ બે મોટા કૌભાંડો ઉજાગર કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે કે કૌભાંડકારીઓ દ્વારા ગરીબ અને જરુરીયાતમંદ લોકોને નાણાકીય પ્રલોભન આપી પ્રથમ નજીકનાં આધાર કેંદ્ર ખાતે લઈ જવામાં આવતા હતા, આધારકેંદ્ર ખાતે તેઓનાં બાયોમેટ્રિકના આધારે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર બદલી નાખવામાં આવતા હતા. આવા ચેડાં કરેલ આધારકાર્ડનો ઉપયોગ કરી PAN અને GSTIN મેળવી કૌભાંડ આચરેલ છે.આ બાબતની તપાસના પરિણામે સમગ્ર દેશમાં ૧૩૩૪૫ બોગસ GST નંબરની ઓળખ કરવામાં આવી છે. જેમાં ગુજરાત ખાતે ૪૩૦૮ જીએસટી નંબર નોંધાયેલ છે તથા ૯૦૩૭ દેશના અન્ય રાજ્યોમાં નોંધાયેલા છે. આવા બોગસ જીએસટી નંબર પૈકી ગુજરાતમાં નોંધાયેલ જીએસટી નંબરો રદ્દ કરવાની તેમજ તેમના થકી બોગસ આઈટીસી મેળવનાર બેનીફીશીયરીઓ પાસેથી વસુલાતની કાર્યવાહી પ્રગતિમાં છે. દેશના અન્ય રાજ્યોને તેઓના કાર્યક્ષેત્રમાં નોંધાયેલ બોગસ જીએસટી નંબરની માહિતી આગળની કાર્યવાહી કરવા માટે પુરી પાડવામાં આવેલ છે.કૌભાંડ સંદર્ભે અત્યાર સુધીમાં ૧૪૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પાંચ FIR નોંધવામાં આવેલ છે. જરૂરી તપાસ કર્યા બાદ અને કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની અન્ય ગુનાહિત પ્રવ્રુતિનાં આધારે ભાવનગર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ભાવનગર સમક્ષ અમીન યુનુસ કિટાવાલા અને અન્ય 19 લોકો વિરુધ્ધ મૂળ FIRમાં GUJCTOC એક્ટ-2015 ની કલમ-3(1), 3(2), 3(3), 3(4) અને 3(5)નો ઉમેરો કરવા અને તેને લાગુ કરવાની અરજી કરેલ હતી. સદર અરજી તા.17/02/2024ના રોજ સ્વીકારવામાં આવેલ છે.