ગાંધીનગરના અમિયાપુરની સોસાયટીના બિલ્ડીંગ ઉપર લાગેલો તાંબાનો કુદરતી વિજળીનો અર્થીગનો વાયર કાપી ચોરી કરીને ભાગી રહેલા બે ઈસમોને રંગેહાથ ઝડપી પાડી અડાલજ પોલીસનાં હવાલે કરવામાં આવ્યા છે. આ બંને ચોર પાસેથી 2 લાખની કિંમતનો વાયર પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના અમિયાપુર ગામ સીમમાં માધવ આવાસમાં રહેતાં દિનેશભાઈ પરમાર નારાયણી હાઇટ્સ હોટલમા સિક્યુરીટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. અને અત્રેની સોસાયટીમા ચેરમેન તરીકે છેલ્લા એક વર્ષથી હોદ્દો ધરાવે છે. ગઈકાલે બપોરના સમયે તેઓ નોકરી ઉપર હાજર હતા. એ વખતે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે ફોન કરીને કહેલ કે, બે છોકરાઓ જી.ટી.પી.એલનુ નામ આપી ડી-બ્લોકની બિલ્ડીંગ ઉપર લાગેલો તાંબાનો કુદરતી વિજળીનો લીલા રંગના કવર વાળો અર્થીગનો વાયર કાપી ગોળ બંડલ વાળી ચોરી કરીને લઈ જતા પકડયા છે.
આથી દિનેશભાઈ તાત્કાલિક સોસાયટીએ પહોંચી ગયા હતા. અને બંને પકડાયેલા ઈસમોની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ દેવાંગ જયંતીભાઇ ઠાકોર (ઉ.વ-22 રહેવાસી ચાંદખેડા) તેમજ દિલીપ મણાભાઇ હરીજન (ઉ.વ-20 રહેવાસી કબીરચોક સાબરમતી) હોવાનું જણાવ્યું હતું. બાદમાં સોસાયટીમાં બંને ઈસમોનાં માતાપિતાને બોલાવવામા આવ્યા હતા.
બાદમાં બધા અડાલજ પોલીસ સ્ટેશને ગયા હતા. જ્યાં બંને ઈસમો પાસેથી બે લાખની કિંમતનો વીજ વાયર ચોરી અંગેની ફરિયાદ આપતા અડાલજ પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે થોડા વખત અગાઉ પણ આજ પ્રકારે સોસાયટીના બિલ્ડીંગ ઉપરથી વીજ વાયરોની ચોરી થવા મામલે પણ પોલીસે બંનેની ઘનિષ્ઠ પુછતાછ હાથ ધરી છે.