રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો વિરોધ કરવા માટે ગત 14 એપ્રિલના રોજ રાજકોટના રતનપરમાં 3 લાખથી વધુ ક્ષત્રિયો ભેગા થયા હતા. આ મહાસંમેલનમાં તમામ ક્ષત્રિયોએ એક જ સૂરમાં કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ. જો કે 24 દિવસથી ચાલતા આ રાજકીય ડ્રામા વચ્ચે સોમવારે રાત્રે એક નવો જ ટ્વિસ્ટ આવ્યો હતો અને રાજ્ય સરકારે મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને બેઠક યોજી હતી. જો કે રાતના 2 વાગ્યા સુધી ચાલેલી આ બેઠક પણ નિષ્ફળ રહી હતી.
આ બેઠક પૂર્ણ થયા બાદ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, રૂપાલા બાબતે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. આજે સર્વાનુમતે ઠરાવ થયો છે કે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આ બેઠક નિષ્ફળ ગયા બાદ સવારે રૂપાલાએ શુભ ચોઘડિયામાં રાજકોટ સીટ પરથી ઉમેદવારી નોંધાવી દીધી હતી. ઉમેદવારી નોંધાવતા પહેલાં તેમણે ક્ષત્રિયો પાસે સાથ અને સહકાર આપવા માગ કરી હતી.
ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પી.ટી.જાડેજાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, ક્ષત્રિયોનો ગુણધર્મ છે, જયપુરમાં એક વર્ષ પહેલાં 9 લાખ ક્ષત્રિયો ભેગા થયા હતા અને એક પોલીસનો બંદોબસ્ત નહોતો માગ્યો. અહીં પણ પાંચ લાખની મેદની હતી છતાં નાનો એવો બનાવ બન્યો નથી. ટ્રાફિક જામ હતો છતાં રસ્તામાં કોઈ ઉશ્કેરાટ જોવા મળ્યો નહોતો. કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ લોકો પહોંચી શક્યા નહોતો. લોકો સ્વયંભૂ આવ્યા હતા. લોકો ફૂડ પેકેટ લઈને આવ્યા હતા.બધાની એક જ વાત હતી કે જોજો વિશ્વાસઘાત ન થાય.
તેમણે આગળ જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે સરકાર સાથે બેઠક થઈ હતી. જેમાં સરકારે કહ્યું કે, સમાધાન છે અને બે ત્રણવાર માફી માગી છે તો તમે માફ ના કરી શકો? સમાજનું સંમેલન બોલાવો અને તેમાં માફી માગી લે. પરંતુ અમે સમાજ સાથે ગદ્દારી ન કરી શકીએ. સંકલન સમિતિએ સરકારને એક જ વાત કરી કે ઉમેદવારી રદ કરો. સરકારે ક્ષત્રિય સમાજના આગેવાનોને બોલાવ્યા બાદમાં સરકારના મંત્રીઓ પણ મળ્યા હતા. સમાજમાં સ્વયંભૂ ઉશ્કેરાટ છે, સમાજ મારો ભગવાન છે, હું મહાદેવના સોગંધ ખાઈને કહું છું કે હું ગદ્દારી કરીશ નહીં. 75 લાખ ક્ષત્રિયોએ અમારા પર ભરોસો મૂક્યો છે. જેનો બાપ એક તેની વાત એક, વાત ન ફરે એ સમાજનો સૂર છે મારો નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે,આજે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરી રહ્યા હતા એટલે કોઈ કાર્યક્રમ રાખ્યો નથી. અમે કાયદો અને વ્યવસ્થા બગડે તેવું કંઈ કરવા માગતા નથી. ક્ષત્રિયોના આંદોલનની પાછળ કોઈ નથી, આગળ અને પાછળ માત્ર સમાજ છે. ઉપર ભગવાન છે અને નીચે ધરતી છે. અમે કોઈના હાથા નથી બન્યા. સરકારે પણ અમને મદદ કરી છે, અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ. અમને ભાજપ કે પાટીદાર સામે વાંધો નથી. રૂપાલા 19 તારીખ સુધીમાં ફોર્મ પાછું નહિ ખેંચે તો પાર્ટ-2 શરૂ થશે.
રૂપાલાએ ક્ષત્રિયો પાસે માગેલા સાથ સહકાર અંગે પી.ટી.જાડેજાએ જણાવ્યું કે, સમાજને માફી મંજૂર નથી. હું સમાજ સાથે છું. માફી સ્વીકારવાની સમાજની ઇચ્છા નથી. તેની ટિકિટ જ રદ થવી જોઇએ, ગુજરાતમાં ક્યાંય પણ ચૂંટણી ન લડવા જોઇએ. પછી તેમને રાજ્યપાલ બનાવે કે રાષ્ટ્રપતિ અમને કોઈ વાંધો નથી. તેમનાં દીકરી, પત્ની કે કોઈપણને ટિકિટ આપે તો પણ વાંધો નથી. કોઈપણ પાટીદાર બેન-દીકરીને ટિકિટ આપે તો પણ વાંધો નથી. તેને ચૂંટી કાઢવાની જવાબદારી અમારી છે. જો કોઈપણ પાટીદાર બેન-દીકરી ચૂંટણી લડશે તો અમારી રાજપૂતાણીઓ ખોબે ખોબે મત આપી કલ્પના ન કરી હોય એવી બહુમતીથી ચૂંટી કાઢશે.
આગામી કાર્યક્રમ અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે, 20 એપ્રિલે અમદાવાદના ગોતાના રાજપૂત ભવન ખાતે બેઠક મળશે. સંકલન સમિતિ અને 92 સભ્યોની બેઠકમાં આગળની રણનીતિ ઘડવામાં આવશે. પુરુષોત્તમભાઈમાં ખેલદિલી હોય તો ફોર્મ પાછું ખેચી લેવું જોઈએ. રૂપાલા ભાજપને નુકસાન પહોંચાડવા ન માગતા હોય તો ફોર્મ પાછું ખેચી લે. હાલ 19મી એપ્રિલ સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી. ક્ષત્રિય સમાજ કાયદાની મર્યાદામાં રહીને ખૂબ શાંતિથી આંદોલન કરશે.
જ્યારે ક્ષત્રિય આગેવાનોના ઓડિયો વાઇરલ થયા તેના મુદ્દે પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, સંકલન સમિતિ ભાજપની A, B, કે C ટીમ નથી. કોઈ રાજકારણ થયું નથી, એવું હોત તો ક્યારનું સમાધાન કરી લેવામાં આવ્યું હોત. હાલ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે છતાં આટલી જીદ કેમ થાય છે? રૂપાલાની માફી ક્ષત્રિય સમાજને મંજૂર નથી. રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય કોઈને પણ ટિકિટ આપવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે.