લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલએ કરેલા ઉચ્ચારણોથી નારાજ બનેલા ક્ષત્રિય સમાજે રૂપાલીની ટિકિટ રદ કરવાની માગણી કરી હતી. પણ ભાજપે ટિકિટ રદ નહીં કરીને મક્કમ રહેતા હવે ભાજપ સામે પડ્યો છે. ગામેગામ ભાજપને નો અન્ટ્રીના બોર્ડ લાગી રહ્યા છે. ક્ષત્રિય સમાજની બહેનોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
ત્યારે ભાજપે ક્ષત્રિય આગેવાનોને મનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશના પ્રભારી રત્નાકર દ્વારા ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને ડેમેજ કન્ટ્રોલના પ્રયાસો કર્યા છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ હવે ભાજપ સામે વિરોધની તલવાર ખેંચી લીધી છે. ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા આંદોલનના પાર્ટ 2ની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલનને ક્ષત્રિય આગેવાનો દ્વારા ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે.જે અંતર્ગત ક્ષત્રિય મહિલાઓએ સોમવારથી પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોના કાર્યાલય ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. આગામી તા. 24મી એપ્રિલથી ધર્મરથ કાઢવામાં આવશે. ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવશે. તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપએ ડેમેજ કન્ટ્રોલ શરૂ કર્યુ છે.
ક્ષત્રિયોના વિરોધને શાંત કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકર સૌરાષ્ટ્રમાં ધામા નાખીને બેઠા છે. રાજકોટની ખાનગી હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી હતી ત્યારબાદ સોમવારે ભાવનગરમાં ખાનગી હોટલમાં બેઠક કરી હતી. ઉપરાંત સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓને મળવા માટે દોડી ગયા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઇ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.