દંતાલી નર્મદા કેનાલ પાસે ગઇકાલે મોડી સાંજે એક કપલને છરી બતાવી બાઇક પર આવેલા બે શખસોએ 7.40 લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
કપલ કેનાલ પાસે ફરવા આવ્યું હતું. તેઓ ફોટોશૂટ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. લૂંટારું શખસોની ઓળખ પ્રસ્થાપિત થઇ નથી. તેઓ 20થી 25 વર્ષની વયના હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પોલીસે આસપાસના CCTV અને લૂંટારૂના વર્ણનના આધારે તેઓને પકડવા માટે તજવીજ હાથધરી છે.
અમદાવાદ સિંધુભવન રોડ પર આવેલ શાંતિનિકેતન બંગલોમાં રહેતો સુજલ મનસુખભાઈ દેવાણી તેની વાગ્દત્તા સાથે ગઈકાલે ગાડી લઈને ફરવા નિકળ્યો હતો. બંને અદાણી શાંતિગ્રામથી દંતાલી નર્મદા કેનાલ એપ્રોચ રોડ પર આવ્યા હતા. જ્યાં તેઓએ કાર ઉભી રાખી કેનાલ પાસે ફોટોશૂટ કરી રહ્યા હતા.
ત્યારે સાંજે સાતેક કલાકની આસપાસ બાઇક પર બે અજાણ્યા શખસો આવ્યા હતા. તેઓએ સુજલ પાસે બાઇક ઊભું રાખી ક્યાંથી આવો છો કહી પ્રશ્ન કર્યો હતો. જેથી સુજલે તમારે શું કામ છે, તેમ કહેતા બાઇક પર પાછળ બેઠેલો શખસ છરી સાથે નીચે ઉતર્યો હતો.
આ દરમિયાન તેણે સુજલને છરી બતાવી મોબાઇલ ખિસ્સામાં મુકાવી તેણે પહેરેલો સોનાનો ચેઈન, 5 લાખની કિંમતનુ સોનાનું રિયલ ડાયમંડનું કડુ તેમજ ગાડીમાં બેસી ગયેલી સુજલની વાગ્દત્તા પાસેથી પણ સોનાનો ચેઇન લૂંટી લીધો હતો. ડરથી બંનેએ પ્રતિકાર કર્યા વગર તેઓને સોનાના દાગીના ધરી દીધા હતા.
ત્યારબાદ આ શખસોએ સુજલ પાસેથી ગાડીની ચાવી લઇ બાઇક પર ફરાર થઇ ગયા હતા. રસ્તામાં ગાડીની ચાવી ફેંકી દીધી હતી. સુજલે આ મામલે પરિવારજનોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.