છત્તીસગઢના બેમતારામાં એક અકસ્માત થયો છે. માર્ગ અકસ્માતમાં 9 લોકોનાં મોત થઇ ગયા છે, લગભગ 23 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ત્રણ માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ લોકો ફેમિલી ફંક્શનમાં હાજરી આપીને પરત ફરી રહ્યાં હોવાનો ખુલાસો થયો છે.આ અકસ્માત બેમતારા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો.
આ લોકો એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી પરત ફરી રહ્યાં હતા ત્યારે પીકઅપને ટ્રકે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તરત જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
રાહત અને બચાવ કામગીરી શરૂ કરીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. ઘાયલ 23 લોકોમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બેમતારા કલેક્ટર રણવીર શર્મા, એસપી રામકૃષ્ણ સાહુ સહિતના અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે.