આજરોજ રાજકોટ ખાતે આવેલ ગેમ ઝોનમાં આગ લાગવાની દુ:ખદ ઘટના બનવા પામી. આ ઘટનાના થોડા જ કલાકોમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી દ્વારા તેમની અધ્યક્ષતામાં રાત્રે 9:00 કલાકે ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી. આ મિટિંગમાં કમિશનરશ્રી ઉપરાંત નાયબ મ્યુ. કમિશનરશ્રી, ટાઉન પ્લાનિંગ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ ઈજનેરી, ફાયર, સંકલન શાખાના અધિકારીશ્રીઓ, રેવન્યુ ડીપાર્ટમેન્ટના અધિકારીશ્રીઑ, જિલ્લા પોલીસના પ્રતિનિધિશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળ ચાલતા તમામ ૧૭ જેટલા ગેમિંગ ઝોનમાં પરમીશન ન ધરાવતા હોય તેવા ગેમિંગ ઝોન પર કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી. ફાયર N.O.C તેમજ અન્ય જરૂરી મંજૂરી ન ધરાવતા તમામ ગેમિંગ ઝોન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ સેફ્ટી બાબતે ચૂસ્ત ચકાસણી કરવામાં આવશે અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
મ્યુનિ. કમિશનરશ્રીની સૂચના મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા, રેવન્યુ વિભાગ પોલિસ અને ફાયર વિભાગના અધિકારીઓની ચાર ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ દ્વારા ત્રણ અલગ અલગ ચેકલિસ્ટ મુજબ તપાસ કરવામાં આવશે. જેમાં ટાઉનપ્લાનિંગની મંજૂરીનું ચેકલિસ્ટ, ફાયર વિભાગની મંજૂરીનું ચેકલિસ્ટ તથા ઇલેક્ટ્રિકલ વિભાગનું ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ ચેકલિસ્ટ મુજબની મંજૂરી લેવામાં નહી આવી હોય તેવા ગેમ ઝોનને ઓન ધ સ્પોટ સીલ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.