ભાયાવદર પંથકમાં રહેતી એક યુવતીને સગા માસિયાઈ ભાઈએ ન્હાતી વેળાએ વિડીયો કોલ કરાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી 2.46 લાખનું સોનું પડાવી લેવાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.બનાવ અંગે ભાયાવદર પંથકમાં રહેતાં 40 વર્ષીય યુવાને નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના સગા સાઢું ભાઈના પુત્રનું નામ આપતાં ભાયાવદર પોલીસે આઇપીસી કલમ 384,504,હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જુના કપડાનો વેપાર ધંધો કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં બે પુત્રી-એક પુત્રી છે. ગઇ તા.20/05 ના રોજ તેઓ વેપાર માટે ખરીદી કરવા મુંબઈ હતાં ત્યારે પૈસાની જરૂરત પડતા તેમને પત્નીને ફોન કરી કહેલ કે, મારે ખરીદીમા પૈસાની જરૂર છે. જેથી આપણા ઘરે સોનુ પડેલ છે. તે છોકરાઓને આપ અને તે સોની પાસે જઈ ગોલ્ડ લોન કરાવી પૈસા લઇ આવી અને તે પૈસા મોકલાવવાનું કહ્યું હતું.
જે બાદ તેમની પત્નીએ ઘરમાં સોનાના દાગીનાની તપાસ કરતા તેણીનું અને માતાનું મંગળસુત્ર મળેલ ન હતું. જે બાદ ફરિયાદી મુંબઇથી ઘરે આવી ઘરમા સોનાના દાગીના બાબતે તપાસ કરેલ પરંતુ ઘરેણા મળેલ ન હોય જેથી સંતાનોને તેમજ પત્નીને ઘરેણા બાબતે પુછપરછ કરતા મારી મોટી પુત્રીએ વાત કરેલ કે, મેં ઘરેણા માસીના પુત્ર મયુર મકવાણાને ગઇ તા.17/05 ના ઘરમાથી તુલસી, સોનાના મોતી વાળી માળા તથા મંગળસુત્ર લઈ ઉપલેટા બસ સ્ટેન્ડમા જઈ આપેલ છે.
જે બાબતે પુત્રીને પૂછતાં તેણીએ જણાવેલ કે, માસીનો પુત્ર વર્ષ 2022 થી ટેલીગ્રામ તથા વાયબરથી ફોન દ્રારા વાતો કરતી હતી. ત્યારપછી આરોપી ફોનમા કહેતો હતો કે, તું બાથરૂમમાં નાહવા જા ત્યારે મને ફોન કરજે જેથી હું ના પાડતી પણ તે કહેતો કે, તું મને વિડીયો કોલ નહી કરે તો આપણા વચ્ચેના ફોન કોન્ટેક અને જે સબંધો છે, તેની જાહેરાત હું કરી દઇશ તેવી ધમકી આપતા હું નાહવા જતી ત્યારે આરોપીને વિડીયો કોલ કરતી હતી અને તે મારા નાહવાના ફોટાઓ વાયરલ કરવા બાબતે ધમકીઓ આપી મારી પાસેથી ઘરેણા તથા રોકડ રૂપીયા છેલ્લા એક વર્ષ દરમ્યાનમાં મહીને રૂપીયા 4 થી 6 હજાર તેના એકાઉન્ટમાં જમા કરાવતી હતી.
તેમજ એક વર્ષ પહેલા બોર્ડની પરીક્ષાના સમયે સોનાનો ચેઇન તથા વેકેશનમાં ભાયાવદરમાં સોનાના મોતીની માળા આરોપીને આપેલ હતી. જે વાત ફરિયાદીને તેમની પુત્રીએ રડતા રડતા કરેલ બાદમાં તે વાતની તેઓએ તપાસ કરતા તેમજ દિકરીએ કરેલ વાત વાળો બનાવ સાચો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આરોપી તેઓના સગા સાઢુભાઇનો દિકરો થતો હોય જેથી તેના ઘરે જઈ અરોપીની માતાને બનાવ અંગે વાત કરેલ તો આરોપીએ બનાવ ખોટો હોવાનું જણાવ્યું હતું.
જેથી આરોપીએ માસીયાર ભાઇ-બહેનના નાતે ફોન કોન્ટેકથી વાતો કરી તેઓની દિકરીને ફોસલાવી ફોન કોન્ટેકની વાતચીત બાબત જાહેર કરવાની ધમકી આપી તેણી નાહવા જાય ત્યારે વિડીયો કોલથી વાત કરી ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી ઘરમાં રહેલ સોનાના દાગીના તુલસી,સોનાનો ચેઇન, સોનાનો મંગળસૂત્ર મળી કુલ રૂ.2,46,600 નો મુદ્દામાલ પડાવી લીધેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી આરોપીની તપાસ હાથ ધરી હતી.