સુરતમાં ફૂડ સેફટી ઓફિસર અને ફૂડ વિભાગના વહીવટી ક્લાર્કને 45 હજારની લાંચ લેતા ACBની ટીમે ઝડપી પાડ્યા છે. ફુડ લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે 45 હજારની લાંચ માંગવામાં આવી હતી. જો કે, ACBએ છટકું ગોઠવી ફૂડ સેફ્ટી ઓફિસર હેમેનકુમાર ગુણવંતરાય ગોહિલ અને ફૂડ વિભાગના વહિવટી કલાર્ક ગુલામ યાસીન નીસાર હુસૈન શેખને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ, શાકભાજીના એક વેપારીએ ભાડેથી દુકાનો રાખી હતી. જે દુકાનોમાં શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી હતી. ફુડ લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે હેમેનકુમાર ગુણવંતરાય ગોહિલ [ફુડ સેફ્ટી ઓફિસર, ફુડ ઇન્સ્પેકશન બ્રાંચ, સેન્ટ્રલ હેલ્થ, રાંદેર ઝોન, સુરત મહાનગરપાલિકા]એ 45 હજારની માંગણી કરી હતી અને તે રકમ ગુલામ યાસીન નીસાર હુસૈન શેખ [વહિવટી કલાર્ક ફુડ વિભાગ, વહિવટી ઓફિસ,]ને આપી દેવા જણાવ્યું હતું.
જો કે, આ મામલે ACBમાં ફરિયાદ થતા ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું. બંનેને ફુડ ઇન્સ્પેકશન બ્રાંચ પહેલો માળ વહિવટી કચેરી, સુરત મહાનગરપાલિકા હોમીયોપેથીક દવાખાનાની ઉપર રંગઉપવનની બાજુમાં, નાનપુરા, સુરત. ખાતેથી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
મદદનીશ નિયામક આર.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે એક ફરિયાદ મળી હતી કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય એક ઓનલાઈન અરજી કરી હતી અને લાયસન્સ આપવા માટે ફૂડ સેફટી ઓફિસર હેમેન ગોહિલ અને વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામશેખએ ૪૫ હજારની લાંચની માંગણી કરી હતી અને તે લાંચ લેતા બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.