રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવાર, 20 જૂને દિલ્હી લિકર પોલિસી કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. તેઓ શુક્રવારે જેલમાંથી બહાર આવી શકે છે.
બીજી તરફ, EDએ જામીન સામે અપીલ કરવા માટે 48 કલાકનો સમય માગ્યો છે. કોર્ટે કહ્યું હતું કે આવતીકાલે ડ્યૂટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે. અગાઉ EDએ કોર્ટમાં કહ્યું હતું કે જામીન પર 48 કલાકનો સ્ટે લાદવો જોઈએ, પરંતુ વેકેશન બેન્ચે એનો ઇનકાર કર્યો હતો. દિલ્હીના મંત્રી આતિષીએ કહ્યું, ‘સત્યમેવ જયતે.’
કોર્ટે તેમને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ ભરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણી માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. કેજરીવાલને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા.
રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સતત બીજા દિવસે જામીન અરજીની સુનાવણી સવારે થઈ હતી. ન્યાયાધીશ ન્યાયબિંદુની વેકેશન બેન્ચે ઇડી અને કેજરીવાલની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
1. તેઓ તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.
2. જરૂર પડ્યે કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.
કાયદાકીય નિષ્ણાતોના મતે ટ્રાયલ કોર્ટ હાલ વેકેશન પર છે. ડ્યૂટી મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન બોન્ડ ભરવામાં આવશે. આવતીકાલે ED ઉપલી કોર્ટમાં સૌથી મોટો પડકાર રજૂ કરશે અને નીચલી કોર્ટના જામીનના નિર્ણયને પડકારશે.
• એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એસવી રાજુએ ED તરફથી હાજર થઈને કહ્યું હતું કે EDએ હવામાં તપાસ હાથ ધરી નથી. કેજરીવાલ વિરુદ્ધ મજબૂત પુરાવા છે. તેમને જામીન ન મળવા જોઈએ.
• કેજરીવાલ વતી વકીલ વિક્રમ ચૌધરીએ દલીલ કરી હતી કે કેજરીવાલ સામેનો સમગ્ર કેસ માત્ર કલ્પના પર આધારિત છે.
• ASG એસવી રાજુએ કોર્ટને એક્સાઇઝ પોલિસીની કલમ 45 ભૂલી જવાની વિનંતી કરી હતી. જામીન નામંજૂર કરવાનો મજબૂત આધાર એ છે કે કેજરીવાલે હજુ સુધી પોતાના મોબાઈલનો પાસવર્ડ આપ્યો નથી. જોકે કોર્ટે EDની દલીલોને ફગાવી દીધી હતી અને કેજરીવાલને જામીન આપ્યા હતા.
કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. 1 એપ્રિલે તેમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ તેમને વચગાળાના જામીન આપ્યા હતા. 21 દિવસ સુધી જામીન પર બહાર રહ્યા બાદ કેજરીવાલે 2 જૂને સાંજે 5 વાગ્યે તિહારમાં આત્મસમર્પણ કર્યું. કેજરીવાલની ન્યાયિક કસ્ટડી બુધવારે સમાપ્ત થઈ હતી, જેને કોર્ટે 3 જુલાઈ સુધી લંબાવી હતી.