તવાનાને ખ્યાલ ન હતો કે તેઓ ગર્ભવતી છે. તેમની દીકરી રિવર હવે એક વર્ષની છે.21 વર્ષની વયે પોતાના સંતાનને જન્મ આપવાની તવાનાની કોઈ યોજના ન હતી.તેમના પોતાના શબ્દોમાં તેઓ “બિન્દાસ, મસ્તીભર્યું જીવન જીવતાં હતાં,” દોસ્તો સાથે પાર્ટી કરતાં હતાં અને મોજમજા કરતાં હતાં.ફસડાઈ પડ્યાં પછી હૉસ્પિટલમાં દાખલ થયાં ત્યાં સુધી એવું ચાલતું હતું.
પોતે કેવી રીતે ગર્ભવતી થયાં એ તેમને સમજાતું ન હતું. પછી તવાનાને કહેવામાં આવ્યું હતું કે તેઓ ચાર સપ્તાહમાં એક બાળકને જન્મ આપશે.તવાનાએ કહ્યું હતું, “મને પેનિક ઍટેક આવવા લાગ્યા હતા.”પ્રેગ્નન્સીના સમાચારથી તેઓ દિગ્મૂઢ થઈ ગયાં હતાં.”કારણ કે કોઈ કહેતું હતું, તમારા જીવન ગોઠવવા માટે તમારી પાસે ચાર સપ્તાહનો સમય છે.”
હૉસ્પિટલમાં દાખલ થયાં બાદ ડૉક્ટર્સે તવાનાને એમઆરઆઈ સ્કેન પહેલાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાનું સૂચન કર્યું હતું.તવાનાએ તે સૂચનને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. તેમણે હાથમાં કૉન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું અને તેઓ ગર્ભવતી હોવાનાં કોઈ લક્ષણ દેખાતાં ન હતાં.ટેસ્ટનું પરિણામ નૅગેટિવ આવ્યું ત્યારે તવાનાને વધુ ખાતરી થઈ હતી કે તેઓ સાચાં છે.
જોકે, એક નર્સે તવાનાને અલ્ટ્રાસાઉન્ડનું સૂચન કરવા ડૉક્ટરને સમજાવ્યા હતા, કારણ કે નર્સને લાગતું હતું કે તવાના ગર્ભવતી હોઈ શકે છે.રિવરના પિતા ઇમેન્યુઅલ જણાવે છે કે પોતે એક બાળકને જન્મ આપવાની છે એવું તવાનાએ તેમને જણાવ્યું ત્યારે તેમણે તેના પર જરાય વિશ્વાસ કર્યો ન હતો.
ઇમેન્યુઅલ કહે છે, “એ તદ્દન અર્થહીન હતું. એ ચમત્કાર જેવું લાગતું હતું.”ઊલટી કે પેટના ઉભાર જેવાં કોઈ સામાન્ય લક્ષણ વિનાની ગર્ભાવસ્થાને ક્રિપ્ટિક પ્રેગ્નન્સી કહેવામાં આવે છે.તે દુર્લભ હોય છે, પરંતુ તવાનાના જણાવ્યા મુજબ, ડૉક્ટર્સે તેમને કહ્યું હતું, “અશ્વેત સમુદાયમાં આવું થવું સામાન્ય બાબત છે.”
“મને કહેવામાં આવ્યું હતું કે તે મારી કમર અને હાડકાના બંધારણને કારણે છે. બાળક બહારની તરફ નહીં, પરંતુ અંદરની તરફ વિકસે છે અને અમારામાં બાળકના જન્મસમયે પાછળનો ભાગ મોટો થવાની શક્યતા વધારે હોય છે.””તેથી બાળકને જન્મ આપવાનો સમય આવ્યો ત્યારે મને સૌથી મોટી ચિંતા એ હતી કે બાળક ઊંઘું તો નહીં અવતરે ને.”
ક્રિપ્ટિક પ્રેગ્નન્સીના ડેટા આસાનીથી ઉપલબ્ધ નથી ત્યારે લંડન સાઉથ બૅન્ક યુનિવર્સિટીમાં હેલ્થકેરના પ્રોફેસર એલિસન લેરી જણાવે છે કે વંશીય લઘુમતીની મહિલાઓની પ્રસૂતિ સંભાળમાં અસમાનતા હોવાનું સૂચવતા વ્યાપક ડેટા ઉપલબ્ધ છે.
તેઓ કહે છે, “ઘણા બધા અભ્યાસ થયા છે, જે દર્શાવે છે કે ગર્ભાવસ્થા તથા બાળજન્મના સંદર્ભમાં સ્ત્રીઓનું, ખાસ કરીને અશ્વેત સ્ત્રીઓનું પરિણામ નબળું હોય છે.”તેઓ માને છે કે ક્રિપ્ટિક પ્રેગ્નન્સીના મુદ્દે વધુ સંશોધન કરવાની અને તેનાં તારણ ઉપલબ્ધ થાય તે જરૂરી છે.
“તેની અસર પામતા લોકોની સંખ્યા બહુ ઓછી હોવા છતાં તે મહત્ત્વપૂર્ણ મુદ્દો છે, કારણ કે તમને પ્રસૂતિ પૂર્વેની, પ્રસૂતિની સારી સારવાર ન મળે તો તમારે નબળાં પરિણામનો સામનો કરવો પડે તે શક્ય છે.”ગર્ભવતી હોવાનું જણાવવામાં આવ્યાના ચાર સપ્તાહ અને ચાર દિવસ પછી સીમંત બાદ તવાનાએ રિવરને જન્મ આપ્યો હતો.
તવાના જણાવે છે કે તેમણે બાળકના જન્મ બાદ ડિપ્રેશનનો સામનો કરવો પડ્યો હતો અને આટલા ટૂંકા ગાળામાં યુવા વયે માતા બનવા સંબંધી સલાહ માટે ટિક ટૉકનો સહારો લીધો હતો.
તવાનાના કહેવા મુજબ, તેમને અમેરિકાની એક અન્ય મહિલા સિવાય કોઈ મળ્યું ન હતું. એ મહિલા પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ હતી.”મેં ખરેખર ઊંડા ડિપ્રેશનનો અનુભવ કર્યો હતો, કારણ કે કોઈ મને કશી સલાહ આપતું ન હતું.”
“કોઈ આ બાબતે કશું બોલતું નથી. જેમ કે, તે શું હોય છે? પછી મેં એક વીડિયો જોયો હતો. તેમાં એક અમેરિકન છોકરી તેના વિશે વાત કરતી હતી. તેને 100 લાઇક મળી હતી.””અને સાચે જ એકમાત્ર એ છોકરીએ જ મને સલાહ આપી હતી.”
બાદમાં તવાનાએ આ અનોખા અનુભવને એક વીડિયો મારફત ઑનલાઇન શૅર કરવાનું નક્કી કર્યું હતું. એ વીડિયોને લગભગ ચાર લાખ લાઇક્સ મળી છે.તવાનાએ અન્ય માતાઓ સાથે મળીને એક પોડકાસ્ટ પણ શરૂ કર્યું છે.
તવાના કહે છે કે તેમણે પોતાની કથા શૅર કરી છે અને પોતે ગર્ભવતી હોવાની ખબર જેમને છેલ્લી ઘડીએ પડે છે એવી યુવા માતાઓ માટે વધુ સમર્થન સર્જાશે એવી તેમને આશા છે.
તવાના માને છે કે તેઓ નસીબદાર છે કે તેમને તેમનાં માતા પાસેથી આર્થિક મદદ મળી, પરંતુ અન્ય લોકો આટલા સદભાગી ન હોય તે શક્ય છે.તેથી તવાના એક સખાવતી સંસ્થા રચવા ઇચ્છે છે.”કોઈ મદદ મળતી નથી. તેથી, તમારી સાથે એવું થાય તો તમે તેનો સામનો કેવી રીતે કરી શકો?”
ક્રિપ્ટિક પ્રેગ્રનન્સી શું છે?
- પોતે ગર્ભવતી છે તેનો સ્ત્રીને કોઈ જ ખ્યાલ ન હોય તેને વર્ણવવા માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓને પ્રસૂતિની પીડા ઊપડે ત્યાં સુધી તેની ખબર હોતી નથી.
- પ્રત્યેક 2,500માંથી એક જન્મ ક્રિપ્ટિક પ્રેગ્રનન્સી હોય છે.
- એ સંખ્યા બ્રિટનમાં દર વર્ષે આવા આશરે 300ની સમાન છે.
- કેટલાક કિસ્સા માસિકના તણાવ સાથે સંકળાયેલા હોય છે, જેમાં સ્ત્રીને ગર્ભાવસ્થાના સામાન્ય ચિહ્નો દેખાતાં કે અનુભવાતાં નથી.
- જે સ્ત્રીઓને અનિયમિત માસિક આવતું હોય કે ન આવતું હોય તેઓ પણ ગર્ભાવસ્થાનાં અન્ય ચિહ્નોનો અનુભવ કરતી હોય છે.