ગાંધીનગરમાં વરસેલા સામાન્ય વરસાદમાં ગટર – પાણીની પાઈપલાઈનનાં ખોદાણ પછી યોગ્ય રીતે માટીનું પુરાણ નહીં કરવાનાં કારણે સ્થિતિ નર્કાગાર થઈ જતાં નિવૃત નાયબ સચિવ જે.બી. વાઘેલાએ જાહેર હિતમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હાઇકોર્ટમાં રિટ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ગાંધીનગરમાં સોમવારે વરસેલા સામાન્ય વરસાદમાં જ ડ્રેનેજ
અને પાણીની પાઈપ લાઈનની કામગીરીની પોલ બહાર
આવી ગઈ છે. સેકટર – 4/એ વિસ્તારમાં પણ ભૂવા પડવાની
સાથે કાદવ કીચડનું સામ્રાજ્ય ઉભું થયું છે. સામાન્ય
વરસાદમાં ખોદેલા ખાડા યોગ્ય માટી પુરાણનાં અભાવે
જોખમી બની ગયા છે. અને ગાડીઓ ખાડામાં ઉતરી જવાની
ઘટનાઓ પણ સામે આવી છે. આ મામલે સેકટર – 4 માં
રહેતા નિવૃત નાયબ સચિવ જે બી વાઘેલાએ છેક મુખ્યમંત્રી
સુધી ફરિયાદ કરી છે.
તેઓએ ત્રણ માસ પહેલા ઉપરોક્ત બાબતે કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી. અને સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરી હતી. તેમ છતાં સમસ્યાના નિરાકરણ માટે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. આ અંગે તેમણે પત્રમાં રજૂઆત કરી છે કે, સોમવારે રાત્રે વરસાદ પડ્યા પછી અત્રેના વિસ્તારના નાગરીકોની હાલત કફોડી દયનીય બની ગઇ છે.ચાલતા કે દ્વિચક્રી વાહન લઇને બહાર નીકળવું ખુબ જોખમી થઇ ગયું છે.
સિનિયર સિટિજનોએ તો ઘરમાથી બહાર નીકળવાનું લગભગ અશક્ય થઈ ગયું છે. હવે પછી વધુ વરસાદ થતાં હાલત વધુ કપરી બનવાની જ છે. ગટરલાઇન માટેના ખોદકામ પછી યોગ્ય રીતે પુરાણ નહીં થવાથી પડી રહેલી મુશ્કેલીઓ અંગે સમાચાર માધ્યમોમાં લગભગ દરરોજ સમાચારો આવતા રહે જ છે.પરંતુ કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓને પ્રજાની મુશ્કેલીઓના નિવારણમાં કોઇ રસ નથી.ત્રણ માસ દરમ્યાન કોઇ અધિકારીએ અત્રેના વિસ્તારની લીધી નથી. કોર્પોરેશનના પોર્ટલ ઉપર મેં તા.22 માર્ચે નોંધાવેલ ફરિયાદનો કોઇ કાર્યવાહી કર્યા વિનાજ તેનો નિકાલ કર્યાની મને 8 મી એપ્રિલે જાણ કરી દેવાઈ છે. જે કોર્પોરેશનના અધિકારીઓની કાર્યપધ્ધતિ અને ઇરાદા વિશે શંકા ઉભી કરે છે.નવી ગટરલાઇન માટે ઠેકેદાર દ્વારા ખોદકામ અને પુરાણની કામગીરી અને પાઇપો નાખવાની કામગીરી નિયમાનુસાર યોગ્ય રીતે અને ગુણવત્તાવાળી થઇ રહી છે કે કેમ? તેની ચકાસણી, કોર્પોરેશનના અધિકારી/કર્મચારીઓ દ્વારા થતી હોય તેવું પણ જણાતું નથી.
ઠેકેદારને તેની પોતાની અનુકુળતા અને આર્થિક લાભ મુજબ આ કામગીરી કરવા દેવા છુટ્ટો દોર આપવામાં આવ્યો હોય તેવું જણાય છે. ઠેકેદારની બેદરકારી કે ઇરાદાપુર્વકની ત્રુટીઓના કારણે નાગરીકોને પડી રહેલી પારાવાર તકલીફો અને ઉભા થયેલા જોખમોની કોર્પોરેશનના અધિકારી/ કર્મચારીઓને કોઇ ચિંતા જણાતી નથી. તેઓ મોરબી પુલ તૂટવા જેવી, રાજકોટની ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુ:ઘટનાઓ બને થોડા માણસોના જીવ જાય,ઇજાગ્રસ્ત થાય, નામ. હાઇકોર્ટ તરફથી કડક આદેશો આવે તેની રાહ જોઇ રહ્યા હોય તેવુ જણાય છે. આ વલણ સંવેદનશીલતા વિનાનું અને માનવતા વિહોણું જણાતું હોવાની પત્રમાં રજૂઆત કરી છે.
ઉપરોક્ત બાબતે ઉચ્ચ કક્ષાએથી ગંભીરતાથી ધ્યાન આપીને આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે તે જરુરી છે. નવી ગટરલાઇન માટે ખોદકામથી આ વિસ્તારમાં પડેલા તમામ ખાડાનું સારી ટકાઉ રીતે પુરાણ કરી, રોલર ફેરવીને લેવલીંગ હવે વિના વિલંબે તાત્કાલિક કરાવવા ભાર પુર્વક વિનંતી છે. અન્યથા, આ ખાડા ટેકરાના કારણે કોઇના જીવ જશે કે કોઈ ઈજાગ્રસ્ત થશે, વાહન ફસાવાથી નુકશાન થશે તો તે માટે કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓનીની સીધી અને અંગત જવાબદારી ઉભી થઇ શકે છે. શહેરમાં આ કામગીરી લગભગ છ માસથી વધુ સમયથી ચાલી રહી છે અને કોઇ નાના સરખા વિસ્તારમાં પણ આ કામગીરી પુર્ણ કરી રોડ પુનઃસ્થાપિત થયા હોય તેવું નથી જણાયું . લગભગ બધે જ આ કામગીરી અધુરી છે અને બધા નાગરિકો, ઠેકેદાર અને કોર્પોરેશનના અધિકારીઓના વાંકે હેરાન થઇ જોખમ સાથે જીવી રહયા છે અને હવે ચોમાસું શરુ થઇ જતાં આ મુસીબતોનો અંત ક્યારે આવશે ? તે નક્કી નથી, તેથી આ બાબતે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી(પીઆઇએલ) પણ થઇ શકે છે જેનાથી વિદિત થવા વિનંતી છે.