ગાંધીનગરની ખોરજ અને ઝૂંડાલ નર્મદા કેનાલમાં 19 વર્ષીય શ્રમજીવી યુવાન અને 12 વર્ષીય સગીરાની લાશ ગાંધીનગર ફાયર બ્રિગેડ ધ્વારા બહાર કાઢવામાં આવી છે. આ મામલે અડાલજ પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે માનસિક સંતુલન ગુમાવીને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સગીરા લાકડા વીણતાં વીણતાં કેનાલ વિસ્તાર પહોંચી હતી. અને હાથ પગ ધોવા કેનાલમાં ઉતરતા જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીનગરનાં અડાલજ માણેકબા સ્કૂલ પાસે છાપરાંમાં રહેતા 19 વર્ષીય વિકી નરેશભાઈ પટણી ટેમ્પો રિક્ષામાં ફેબ્રિકેશનનાં સામાનની હેરફેરનું કામકાજ કરતો હતો. આજે સવારે પણ વિકી રીક્ષા લઈને ઘરેથી નિકળ્યો હતો. અને બે ત્રણ ફેરા પણ માર્યા હતા. બાદમાં બપોર પછી વિકી ખોરજ નર્મદા કેનાલ પહોંચ્યો હતો. બાદમાં કોઈ કારણસર કેનાલમાં પડતું મુક્યું હતું.
બીજી તરફ પુત્રને શોધવા માટે તેના પિતા નરેશભાઈ એક્ટિવા લઈને કેનાલ તરફ આવ્યા હતા. અને રિક્ષા પડેલી જોઈને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી જઈ શોધખોળ આદરી હતી. અને ભારે જહેમત પછી વિકી લાશને કેનાલમાંથી શોધી કાઢી હતી.
બીજી તરફ ઝૂંડાલ નર્મદા કેનાલમાં પણ 12 વર્ષની સગીરા ડૂબી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ ધ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સગીરાની લાશને પણ કેનાલમાંથી બહાર કાઢી હતી. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેંદ્રભાઈ સહિતનો સ્ટાફ કેનાલે દોડી ગયો હતો. અને બંને લાશોનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે હેડ કોન્સ્ટેબલ મહેંદ્રભાઈએ જણાવ્યું હતું કે, વિકી તેના મામાનાં ઘરે રહીને ફેબ્રિકેશનનાં સામનાનાં ફેરા મારવાનું કામ કરતો હતો. આજે પણ વિકી ઘરેથી કામ અર્થે નિકળ્યો હતો. બાદમાં બપોર પછી ખોરજ કેનાલ આવ્યો હતો. અને તેના પિતાને ફોન કર્યો હતો. જેનાં પગલે નરેશભાઈ એક્ટિવા લઈને કેનાલ આવી પહોંચ્યા હતા. પરંતુ એ પહેલાં વિકીએ કેનાલમાં પડતું મુકી દીધુ હતું. પ્રાથમિક તપાસમાં વિકી આર્થિક ભીંસનાં કારણે ટેન્શનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. જે બાબતે વધુ તપાસ ચાલી રહી છે.