ગાંધીનગરના સેકટર – 2માં આજે આજે ઢળતી સાંજે માતા પુત્રનું ગાડીમાં આવેલા શખ્સોએ જબરજસ્તીથી અપહરણ કરી લેવામાં આવતા પોલીસે ચારે તરફ નાકાબંધી કરી દીધી હતી. બાદમાં બંનેનો હેમખેમ છુટકારો થયો હતો. આ અંગે હાલમાં સેકટર – 7 પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકોને રાઉંડઅપ કરી તપાસ હાથ ધરતાં લગ્નતેર સંબંધોમાં અપહરણનાં ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
ગાંધીનગરના સેકટર – 2માં ગાડીમાં આવેલા કેટલાક શખ્સોએ પરિણીતા અને તેના પુત્રનું જબરજસ્તીથી અપહરણ કરી લેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ અંગે સેકટર – 7 પોલીસ મથકના પીઆઈ બી.બી. ગોયલે પ્રાથમિક વાતચીતમાં જણાવ્યું કે, સેકટર – 2 ચંદ્ર મોલેશ્વર વિસ્તારમાં પરિણીતા તેના પુત્ર સાથે રહે છે. પરિણીતાની સાસરી આણંદ જિલ્લામાં છે. પરંતુ પતિ સાથે મનમેળ નહીં આવતાં પરિણીતા છેલ્લા ત્રણેક વર્ષથી રિસાઈને અહીં સેકટર – 2 ખાતે પિયરમાં રહે છે. પરિણીતાને સેકટર – 6 ખાતે રહેતા પરણિત યુવાન સાથે લગ્નતેર સંબંધો બંધાયા હતા. યુવાનને પણ બે સંતાનો છે. પાંચેક મહિના અગાઉ બંનેના લગ્નતેર સંબંધોનો ભાંડો ફૂટી ગયો હતો.જેથી યુવકના પરિવારજનો બંનેને અવૈધ સંબંધોનો અંત લાવવા ઘણા સમજાવ્યા હતા. પરંતુ બંનેએ એકબીજાને મળવાનું ચાલુ જ રાખ્યું હતું.
આજે પુત્રના સ્કૂલના કપડાં લેવાના હોવાથી પરિણીતાને લઈને પ્રેમી ગયો હતો. ખરીદી કર્યા પછી પ્રેમી બન્નેને મંદિરે ઉતારી ત્યાંથી નીકળી ગયો હતો. એજ વખતે યુવકના પરિવારજનો માતા પુત્રનું ગાડીમાં અપહરણ કરી લીધું હતું અને પરિણીતાને માર મારી પાછી છોડી દીધી હતી. હાલમાં આ અપહરણ મામલે બે મહિલા સહિત ત્રણ જણાને રાઉન્ડ અપ કરી પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.