ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ – સહકાર મંત્રી અમિત શાહના ‘ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા‘ અભિયાનને વેગ આપવા તેમજ ગાંધીનગરમાં યોગ્ય જતન સાથેના વૃક્ષારોપણનો વ્યાપ વધારવા 8થી 10 હજાર વૃક્ષોના ઉછેરના લક્ષ્યાંક સાથે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા આજરોજ ધારાસભ્યનાં કાર્યાલય પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરી “આપણું ગાંધીનગર હરિયાળું ગાંધીનગર વૃક્ષારોપણ અભિયાન -2024″નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અંગે ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, આપણા અને આપણી ભવિષ્યની પેઢીઓ માટે વૃક્ષોનું મહત્વ કેટલું છે તે આપણે સૌ જાણીએ જ છીએ. આપણા લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગરમાં મોટા પાયે વૃક્ષારોપણ કાર્ય અંગે સંવેદનશીલ છે અને વધુને વધુ જતન સાથે વૃક્ષારોપણ થાય તેવા અવિરત પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે ફોરેસ્ટ વિભાગ, ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ અન્ય વહીવટી તંત્ર વૃક્ષારોપણ સંદર્ભે સતત કાર્યરત છે.
ત્યારે ગાંધીનગરની જાહેર જનતા પણ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણના ઉમદા કાર્યમાં સહભાગી થઈ યોગદાન આપી શકે તે માટે સહાય ફાઉન્ડેશન સહાય ફાઉન્ડેશન ‘હરિયાળું ગાંધીનગર વૃક્ષારોપણ અભિયાન-2024’ લઈને આવ્યું છે. સહાય ફાઉન્ડેશન દ્વારા ડિજીટલ માધ્યમના ઉપયોગ થકી પોતાના નિવાસસ્થાન કે કાર્યક્ષેત્રની આસપાસ વૃક્ષારોપણ કરવા અને તેના જતન કરવા માટ ઇચ્છુક નાગરિકોની નોંધણી કરી તેમને વૃક્ષો પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી સુનિયોજિત વ્યવસ્થા સાથે આ વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સહાય ફાઉન્ડેશન દ્વારા QR કોડને સ્કેન કરી માહિતી ભરી વૃક્ષારોપણ માટે રજિસ્ટ્રેશન કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ તકે ધારાસભ્ય રીટાબેન પટેલે નાગરિકોને મહત્તમ રજિસ્ટ્રેશન કરાવી યોગ્ય જતનની નેમ સાથે વૃક્ષારોપણ કરી ઓછામાં ઓછા એક વૃક્ષને દત્તક લઈ તેના ઉછેરની જવાબદારી લેવા નમ્ર અપીલ કરી છે.