શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસમાં પોલીસે ડોગની મદદથી માતાને શોધી કાઢી હતી. હાલ માતા અને બાળક સારવાર હેઠળ છે. ત્યારે પોલીસે પ્રાથમિક તપાસ કરતા બાળકની માતા રાજસ્થાનથી થોડા દિવસો પહેલા જ માસીને ત્યાં આવીને રોકાઇ હતી. અહીં આવ્યા બાદ કોઇને ગર્ભની જાણ ન થાય તે માટે ખૂલતા કપડાં પહેરતી હતી. સાથે જ તે મકાનના ઉપરના માળે એકલી જ એક રૂમમાં રહેતી હતી.ત્યારે હવે પોલીસે બાળકની માતા પર બળાત્કાર ગુજારનાર પ્રેમી સામે ગુનો નોંધવા રાજસ્થાન પોલીસને રિપોર્ટ કર્યો છે.
શીલજ નજીક ઝાડી ઝાંખરાવાળા અવાવરુ સ્થળે ત્યજી દીધેલી હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યુ હતું. ગ્રામ્ય પોલીસે બેલ્જિયમ મેલેનિયસ જાતિના ચેસર નામના ડોગની મદદ લીધી હતી. ચેસર નામનું ડોગ સ્મેલ કરીને 150 મીટરના અંતરે એક મકાન આગળ આવીને ઊભું રહી ગયું હતું. બોપલ પોલીસની ટીમે તે મકાનમાં તપાસ કરતા બીમાર અવસ્થામાં પડેલી બાળકની માતાને શોધી કાઢી હતી. આ કેસમાં પોલીસે પ્રાથમિક તપાસ કરતા બાળકની માતાને રાજસ્થાનના એક યુવક સાથે ચારેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ યુવકના લગ્ન થઇ જતા બાળકની માતા શીલજ ખાતે તેના માસીને ઘરે આવીને રહેતી હતી. તેને ગર્ભ હોવાની કોઇને જાણ ન થાય તે માટે ખૂલતા કપડાં પહેરતી હતી. સાથે જ તે મકાનના ઉપરના માળે એકલી રૂમમાં પુરાઇને બેસી રહેતી હતી. બનાવના દિવસે વહેલી સવારે તેને નોર્મલ ડિલીવરી થઇ જતા તેણે બાળકને ત્યજી દીધું હતું અને બાદમાં ગંભીર હાલતમાં તે તેના ઘરે પહોંચી હતી.
આ કેસમાં જ્યારે પોલીસે ત્યજી દીધેલા બાળકની માતાને શોધી ત્યારે તે ગંભીર અવસ્થામાં હતી. જેથી પોલીસે તેને સારવાર માટે ખસેડી હતી. પ્રથમ પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાઇ ત્યારે આ પરિવારની આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાથી બોપલ પોલીસે દવાખાનાનો ખર્ચ આપીને પરિવારને મદદ કરી હતી.