સચિનના પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતો થયો છે. પાલીગામ વિસ્તારમાં આવેલી 5 માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતાં આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. ઇમારત ધરાશાયી થવાની ઘટના બનતાં ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 2017માં બનેલું બિલ્ડિંગ 2024માં તૂટી પડ્યું. રેસ્ક્યૂ માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, 8 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. જ્યારે કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા છે. સુરત જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર ફાયરની ટીમ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા.
સચિન ડીએમનગરની 5 માળની ઇમારત ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ છે. આજુબાજુ પણ લોકો એકત્રિત થઈ ગયા છે, ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં કેટલા લોકો હતા. તે હજી જાણવા મળ્યું નથી. કાટમાળ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોને ઈજા થયો હોવાનું સામે આવ્યું છે. બિલ્ડિંગ ધરાશાયી થતાં એક મહિલા રડી પડી હતી. તેણે સગાસંબંધીઓને ફોન કરીને રડવા સ્વરે ઘટનાની જાણ કરી હતી. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું કે, બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ કલેક્ટર, મહાનગર પાલિકાની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગયા છે. એક મહિલાને 108માં લઈ ગયા છે. ફાયર વિભાગનું કહેવું છે કે બિલ્ડિંગના કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આજે સચિન GIDC વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. જેની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ તુરત PI અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ફાઈટર અને રેસ્ક્યૂ ટીમોને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ટીમો પણ અહીં પહોંચી ગઈ હતી. જે તે સમયે લગભગ બે લોકોના આવજા આવતા હતા. ત્યારે એક મહિલાને કાઢીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે મહિલાના કહેવા પ્રમાણે બે ત્રણ લોકો અંદર હતા. અને અંદરથી એક પુરુષનો અવાજ આવી રહ્યો છે, જેના વાઈફ અહીં બહાર છે. સાથે સાથે ચોકીદાર પાસેથી જાણવા મળી રહ્યું છે કે, 30 ફ્લેટમાંથી ચાર-પાંચ ફ્લેટમાં લોકો રહેતા હતા. અને અંદર એક જ પરિવાર હતો બાકી બધા કામ માટે બહાર ગયા હતા. અંદર કામ ચાલી રહ્યું છે. તમામ ટીમો કામ કરી રહી છે. આશા છે કે બે કલાકમાં લગભગ ક્લિયર થઈ જશે કે અંદર કેટલા લોકો હતા અને કેટલા લોકો હજુ પણ અંદર છે. આ સાથે પોલીસની કામગીરી પણ ચાલું છે કે, કોઈના સગા-સંબંધી કે કોઈના યાર-મિત્ર અંદર ફાસાયા હોય તો અમને જાણ કરે.