ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ‘ગોંડલ ગણેશ’ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે. ગત તારીખ 12 જૂનના રોજ જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દલિત સમાજનું ફરી મહાસંમેલન આગામી 8 તારીખે મોણપરી ખાતે યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આ વખતે દલિત સમાજના પ્રમુખે ન્યાય નહીં મળે તો 150 પરિવાર સાથે ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આંબેડકરની પ્રતિમાના અનાવરણ બાદ મહાસંમેલન
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દલિત સમાજ પર
અત્યાચારો થતા આવ્યા છે. ત્યારે થોડા સમય પહેલા
જુનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર અને
NSUI શહેર પ્રમુખ સંજય સોલંકી પર ગોંડલના પૂર્વ
ધારાસભ્ય અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર
ગણેશ દ્વારા હુમલો કરી અપહરણ કરવામાં આવ્યું હતું.
જે મામલે ફરી દલિત સમાજ દ્વારા વિસાવદરના મોણપરી
ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ
કર્યા બાદ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં પૂર્વ
ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની 120 (બી) મુજબની
અટકાયત થાય અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા
રાજીનામું આપે તેવી માગ સાથે દલિત સમાજ તેમજ SC,
ST સમાજના 5 લાખથી વધુ લોકો ગાંધીનગર જશે તેવું
આયોજન કરવામાં આવ્યું છે.
જુનાગઢ દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ જણાવ્યું
હતું કે, આગામી 8 તારીખે વિસાવદરના મોણપરી ખાતે
મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જુનાગઢ
કાળવા ચોક ખાતેથી ડો. બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર
કરી એક રેલી યોજાશે. જે રેલી જુનાગઢ બાયપાસ પરથી
મેંદરડા, મોટી ખોડીયાર દાદર બરડીયા, નાની મોણપરી.
મોણીયાથી વિસાવદર પસાર થઈ રેલી મોણપરી ખાતે જશે.
આ રેલીમાં મેંદરડાથી 1000થી વધુ યુવાનો જોડાશે. જ્યાં
ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યા
બાદ બહોળી સંખ્યામાં દલિત સમાજનું સંમેલન યોજાશે.
જેમાં ગણેશ ગોંડલ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે
તેના વિરુદ્ધમાં આ સંમેલન યોજવામાં આવ્યું છે. જુનાગઢથી
ગાંધીનગર સુધી આગામી રેલીમાં 2 લાખ બાઈકચાલકો મળી
5 લાખ જેટલા અનુ.જાતિના લોકો ગાંધીનગર જશે.
છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 5000
SC, ST સમાજ પર અત્યાચારો થઈ રહ્યા છે તે 5,000
પીડિત પરિવાર ગાંધીનગર જશે. ઉના કાંડ બાદ સૌથી મોટું
કોઈ કાંડ હોય તો તે ગણેશ ગોંડલ કાંડ છે. પૂર્વ ધારાસભ્ય
અને હાલના ધારાસભ્યના દીકરાએ મારા દીકરા પર જે
અત્યાચાર કર્યો છે તેના અનુસંધાને અનુસુચિત સમાજ
મોટી સંખ્યામાં ગાંધીનગર જશે. ગણેશ ગોંડલ અને તેના
મળતીયાઓ દ્વારા વાપરવામાં આવેલી છ બંદૂક અને અને
જે નગ્ન વીડિયો બનાવવામાં આવ્યો હતો તે મોબાઈલ કબજે
કરવામાં આવ્યા નથી. ત્યારે તેના વિરુદ્ધમાં દલિત સમાજ
દ્વારા જુનાગઢથી ગાંધીનગર સુધીની આ આક્રોશ રેલીનું
આયોજન કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. આવેદનપત્ર આપ્યા બાદ આ રેલી કમલમ ખાતે જશે, જ્યાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું રાજીનામું અને જયરાજસિંહ જાડેજાની 120 (બી) મુજબની અટકાયત કરવામાં આવે તે માગ કરવામાં આવશે. જો માગ સંતોષવામાં નહીં આવે તો 150થી વધુ સોલંકી પરિવારના સભ્યો મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે તેવી દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ચીમકી ઉચ્ચારી હતી.
ગત તારીખ 12 જૂનના રોજ જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યાર બાદ દલિત સમાજ દ્વારા ડૉ.આંબેડકર ચોક ખાતે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ, અને વડીલો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. દલિત સમાજના સંમેલનમાં દેવેન્દ્ર મૂછળીયા નામના વ્યક્તિએ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા કોઈને અપશબ્દો આપતા હોય તેવો ઓડિયો જાહેરમાં સંભળાવ્યો હતો.