ભાજપે ભગવાનશ્રી રામ નામ પર માત્ર રાજકારણ કર્યું,અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ખેડૂતોની જમીન લેવામાં આવી,પરંતુ ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી
અમદાવાદ
પૂજ્ય મહાત્મા ગાંધીજીની ભૂમિ ગુજરાતના અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસની ઓફિસ તોડી તે રીતે અમે તેમની સરકાર તોડીશું’ ભાજપને અમે નફરતથી નહીં પ્રેમથી હરાવીશું. ભાજપનો તમારો ફુગ્ગો ફૂટી ગયો છે. અમે ૨૦૧૭માં પણ દમખમથી ચૂંટણી લડ્યા હતા અને આગળ પણ લડીશું. પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના તમામ દિગ્ગજો કોંગ્રેસના દરેક કાર્યકરની સાથે છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની તૈયારી કરી લેવામાં આવી છે. ભાજપે ભગવાનશ્રી રામ નામ પર માત્ર રાજકારણ કર્યું છે, ભાજપ દ્વારા અયોધ્યામાં નાગરિકો સાથે મોટો અન્યાય કર્યો હતો. અયોધ્યા ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ખેડૂતોની જમીન લેવામાં આવી છે. પરંતુ ખેડૂતોને આજ સુધી વળતર મળ્યું નથી. અયોધ્યાની જનતામાં ભારે આક્રોસ છે. ભગવાનશ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યાનું કોઇ ન હતું. ભગવાનશ્રી રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં કોઇ ગરીબ જોવા મળ્યું નહી. વિકાસના નામે જેમના ઘર અને દુકાનો તોડવામાં આવી તેમને આજ દિન સુધી વળતર મળ્યું નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અયોધ્યાથી ચુંટણી લડવા માંગતા હતા તેના માટે ત્રણ વખત સર્વે કરાવવામાં આવ્યો હતો પરંતુ આ સર્વે નેગેટિવ આવતાં તેઓ વારાણસી ચૂંટણી લડ્યા અને ત્યાંથી માંડમાંડ જીત્યા. જો શ્રી નરેન્દ્ર મોદીની અયોધ્યામાંથી ચૂંટણી લડ્યાં હોત તો તેમની ચોક્કસ હાર થાત. તેમણે ફરી એકવાર ગુજરાતમાં ભાજપને હરાવવા પર ભાર મૂકતાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે અને તેઓ ચોક્કસ આ વખતે ગુજરાતમાં ભાજપને હરાવશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, દેશમાં આઝાદીની લડાઈની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. કોંગ્રેસ પાર્ટીનો સૌથી મોટા નેતા પૂજ્ય મહાત્મા ગાંધી જેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું અને સમગ્ર દેશને પણ માર્ગદર્શીત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ડરો નહી ડરાવો નહી’. કોંગ્રેસ પાર્ટીના આ વિચાર ગુજરાતથી આવ્યા છે. ભાજપ દ્વારા કોંગ્રેસની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આપણે ડરવાની જરૂર નથી તેમના પડકારને આપણે સાથે મળીને ગુજરાતમાં ભાજપને હરાવીશું. હવે કોંગ્રેસ અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે. તેમણે અમારી ઓફિસ તોડી એ રીતે જ અમે તેમની સરકાર તોડીશું. ગુજરાતમાં એ લોકોને હરાવીને જ ઝંપીશું. ‘ગુજરાતથી જ નવી કોંગ્રેસની શરૂઆત થશે અને અમે અહીં જીતીશું. ગુજરાતની જનતા ડર્યા વિના લડશે તો અમે જીતી જઈશું. ભાજપના એકપણ નેતા શ્રી નરેન્દ્ર મોદીને ઈચ્છતા નથી જો કે ભાજપના નેતાઓ મોદીજીથી ડરે છે, ભાજપના કાર્યકર્તાઓ કે આર.એસ.એસ.ના નેતાઓમાં મોદીજીનો વિરોધ કરવાની હિંમત નથી. તેઓ મોદીજીથી ડરે છે. અંગ્રેજોને પણ કોંગ્રેસ પક્ષે કહ્યું હતું કે, અમે ડરતા નથી ભાજપે તો અંગ્રેજોને કહ્યું હતું કે અમે ડરી ગયા.
ગુજરાત કોંગ્રેસમાં કેટલીક કમીઓ રહેલી છે. રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો એમ અલગ અલગ હોય છે. કોંગ્રેસ ક્યાંરેક ભૂલ કરી લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે. હવે કોંગ્રેસ ગુજરાતમાં યોગ્ય વ્યક્તિની ઓળખ કરી ચૂંટણીમાં ઉતારશે. આ કામ હવે ખુબ જ ગંભીરતાથી લેવામાં આવશે. કોંગ્રેસના સિનિયર નેતાઓએ વર્ષ ૨૦૧૭માં કહ્યું હતું કે, ૪૦ જેટલી સીટો મળશે. મેં કહ્યું હતું કે ૪૦ નહીં પરંતુ આપણે ચૂંટણી જીતીશું. કોંગ્રેસ પક્ષ માત્ર ૧૬ સીટથી આપણે હાર્યાં, કોંગ્રેસના કાર્યકર્તાઓએ લાઠી ખાધી, માર ખાધો, હવે બહુ થયું નફરતથી નહીં પરંતુ પ્રેમથી આપણે જીતીશું. શ્રી નરેન્દ્ર મોદીના વિઝનનો ગુબ્બારો ફુટી ગયો છે. આખો દેશ બાયોલોજીકલ છે જ્યારે મોદીજી નોનબાયોલોજીકલ છે. જો મોદીજીનું સીધુ કનેક્શન ભગવાન સાથે હોય તો અયોધ્યા કેમ હારી ગયા. ખેડૂતો, શ્રમિકો, વર્કરોના દર્દ સમજી શકતા નથી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકારોને સંબોધન કર્યા બાદ અટકાયત થયેલા કોંગ્રેસ આગેવાનોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને એમને જણાવ્યું હતું કે, સમગ્ર કોંગ્રેસ પરિવાર આપની સાથે છે. શ્રી રાહુલ ગાંધીએ રાજકોટ ટી.આર.પી. ગેમીંગ ઝોન કાંડ, મોરબી બ્રીજ કાંડ, વડોદરા હરણી બોટ કાંડ, સુરત તક્ષશીલા ફાયરકાંડ સહિતના જુદા જુદા ભાજપના ભ્રષ્ટાચારના કારણે જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી તેમજ પરિવારજનોને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ તેમનો અવાજ ઉઠાવતી રહેશે તેવી ખાતરી પૂર્વક કહ્યું હતું.
રાજીવ ગાંધી ભવન ખાતે સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનનાયક અને લોકસભા વિરોધપક્ષના નેતાશ્રી રાહુલ ગાંધીજીને સાંભળવા અને માર્ગદર્શન મેળવવા ઉમટી પડ્યાં હતાં.
પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર સાહેબની પાવન ભૂમિ પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા, જનનાયક અને લોકસભા વિરોધપક્ષના નેતાશ્રી રાહુલ ગાંધીજીના કાર્યક્રમનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન કર્યું હતું. રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ગુજરાત સંગઠન પ્રભારી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી. મહામંત્રીશ્રી દિપક બાબરીયા, સી.ડબ્લ્યુ.સી. મેમ્બરશ્રી જગદીશ ઠાકોર, સાંસદ સભ્યશ્રી ગેનીબેન ઠાકોર, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાતના સહપ્રભારી શ્રી ઉષા નાયડુ, શ્રી રામકિશન ઓઝા, શ્રી બી.એમ. સંદિપ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, કાર્યકારી અધ્યક્ષ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, શ્રી જીજ્ઞેશ મેવાણી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી નિલેષ પટેલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાડા, પૂર્વ સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, સેવાદળ, મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસના ચેરમેનશ્રીઓ, વરિષ્ઠ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.