સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવી મુખ્યમંત્રીશ્રીએ ભગવાન જગન્નાથજીનો રથ ખેંચ્યોગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ થયા સહભાગી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી નવાવર્ષની સૌ કચ્છી માડુંઓને પાઠવી શુભેચ્છાઓ
અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૭મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થાના પ્રતિક સમાન રથયાત્રાના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સાથે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજાવિધિમાં સામેલ થયા હતા.ભગવાન જગન્નાથ પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે, ઉલ્લેખનીય છે કે દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૭મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે પણ ભગવાનના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે સૌ કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રીશ્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧૪૭મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે.મુખ્યમંત્રીશ્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત તથા સમગ્ર દેશમાં કાયમ સદભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે. રથયાત્રાના અવસરે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા નીકળે છે. જેનાથી સહુને સુખ અને શાંતિનો અહેસાસ થાય છે. તેમણે રથયાત્રાને સાચા અર્થમાં લોકઉત્સવ ગણાવી હતી. પુનઃ શુભકામનાઓ પાઠવી હતી.
આ અવસરે મહંતશ્રી દિલિપદાસજી, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ પ્રતિભાબેન જૈન તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા ના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથ યાત્રા ના સંચાલન નું રિયલ ટાઈમ મોનીટરીંગ મુખ્ય મંત્રી નિવાસસ્થાનના સી.એમ .ડેશ બોર્ડ ની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.તેમણે સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યાર બાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચી વિડિયો વોલ પરથી આ રથયાત્રા રૂટ નું નિરીક્ષણ, રથ ના લોકેશન , પોલીસ દ્વારા ટેકનોલોજી ના ઉપયોગ થી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવશ્રી રાજકુમાર, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ મુખ્યમંત્રીશ્રી ના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને પોલીસ, મહાનગર પાલિકા તેમજ આઈ સી ટી ટીમ ના અધિકારીઓ જોડાયા હતા.