કલોલના દોઢ માસના બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા ચાર ટીમો બનાવીને આસપાસના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરી સર્વેલંસની કામગીરી હાથ ધરી છે. જ્યારે મહાનગરપાલિકા વિસ્તારના સેક્ટર -13 માં આવેલા આઠ છાપરામાં રહેતા એક પરિવારની 10 માસની બાળકીની બીમારીના લક્ષણો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ જેવા જાણતા ગાંધીનગર હોસ્પિટલમાં દાખલ કરી છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ પાંચ કેસ જ્યારે પોઝિટિવ એક કેસ નોંધાયો છે.
ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસનો પોઝિટિવ પ્રથમ કેસ કલોલ નગરપાલિકાના રેલવે પૂર્વ વિસ્તારમાં નોંધાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અશોક વૈષ્ણવે જણાવ્યું છે કે કલોલના રેલવે પૂર્વ વિસ્તારની મજુર મહાજનની ગલીમાં રહેતા પરિવારનો દોઢ વર્ષીય બાળક ગત તારીખ 12મી જુલાઈના રોજ તાવની બીમારીના કારણે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બાળકની બીમારીના લક્ષણો શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના જેવા જણાતા તેના લોહી અને મગજના પાણીના સેમ્પલને પુનાની લેબોરેટરી ખાતે મોકલ્યા હતા. બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ તારીખ 19મી, જુલાઈ શુક્રવારના રોજ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ચાર ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત ડીડીઓની સૂચના મુજબ સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો.
જોકે હાલમાં બાળક ગાંધીનગર સિવિલ હોસ્પિટલના એનઆઇયુમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી છે. પરંતુ તેની તબિયત સુધારા ઉપર હોવાથી આરોગ્યતંત્રે રાહત મેળવી છે. બાળક જે વિસ્તારમાં રહેશે તેની આસપાસના 14 વર્ષથી નાના 30 બાળકોના આરોગ્યની ચકાસણી કરતા એક પણ બાળકમાં કોઈપણ પ્રકારની બીમારી જોવા મળી નહીં.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ વધુ એક કેસ મળી આવ્યો છે મનપાના આરોગ્યતંત્રના જણાવ્યા મુજબ સેક્ટર 13ના છાપરા વિસ્તારમાં રહેતી 10 માસની બાળકીને તાવ તેમજ ખેંચની બીમારી થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલના દાખલ કરી હતી. બાળકીની બીમારીના લક્ષણો ચાંદીપુરા વાઇરસના જેવા હોવાથી તેના સેમ્પલ જીબીઆરસી ગાંધીનગર ખાતે મોકલી આપ્યા છે. ઉપરાંત મનપાના આરોગ્યની ચાર ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. આ વિસ્તારના આઠ છાપરામાં રહેતા ચાર બાળકોના આરોગ્યની ચકાસણી કરતા તેમાંથી એક પણ બાળકમાં કોઈપણ પ્રકારની બીમારી જોવા મળી નહીં.
જિલ્લાના દહેગામ તાલુકાના અમરાજીના મુવાડાનો આઠ વર્ષે
બાળકની બીમારીના લક્ષણો શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ
જેવા જોવા મળતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં
દાખલ કરીને લોહી તેમજ મગજના પાણીના સેમ્પલને પુનાની
લેબોરેટરી ખાતે મોકલી આપ્યા હતા. જોકે લેબોરેટરીનો
રિપોર્ટ આવે તે પહેલા જ સારવાર દરમિયાન બાળકનું મોત
નીપજયું હતું. તેજ રીતે ભાટ ટોલટેક્સ પાસેના છાપરામાં
રહેતા એક પરિવારનો ચાર વર્ષે બાળકની બીમારીના લક્ષણો
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જેવા હોવાથી ગાંધીનગરની
સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે બાળકના લોહી
તેમજ મગજના પાણીના સેમ્પલને પુના લેબોરેટરી ખાતે
મોકલી આપ્યા હતા. જોકે પૂનામાંથી રિપોર્ટ આવે તે પહેલા
બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. દહેગામના
અમરાજીના મુવાડા અને ભાટના બાળકોના ચાંદીપુરા
વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય
તંત્રે જણાવ્યું છે.
જિલ્લાના કલોલ નગરપાલિકા અને તાલુકામાંથી પોઝિટિવ અને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જ્યારે દહેગામ તાલુકામાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. ત્યારે જિલ્લાના દહેગામ તેમજ કલોલ તાલુકાના તમામ ગામોમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો કરતી માખીના નિયંત્રણ માટે મેલેથીયોન દવાનો છંટકાવ કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ કર્યો છે. જેને પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ અશોક વૈષ્ણવ દ્વારા 5000 કિલો મેલેથીયોન 5% પાવડરની ખરીદી કરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને મળેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં જણાવ્યું હતું.કલોલના જે વિસ્તારમાંથી કેસ મળી આવ્યો છે ત્યા આરોગ્યની ચાર ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત ડીડીઓની સૂચના મુજબ સમગ્ર વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો.