કેન્દ્રની મોદી સરકાર વકફ બોર્ડને નિયંત્રિત કરનારા 1995ના કાયદામાં સુધારો કરવા માટે સંસદમાં એક બિલ રજૂ કરવાની છે. વકફ બોર્ડની કામગીરીમાં વધુ જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો મોદી સરકારનો હેતુ છે. આ સાથે બોર્ડમાં મહિલાઓની ફરજિયાત ભાગીદારી પણ સુનિશ્ચિત કરવાનો પણ છે. સંસદમાં આ બિલ રજૂ થાય તે પહેલા જ વિરોધના અવાજો ઉઠવા લાગ્યા હતા.
ઘણા વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપની આગેવાની હેઠળની સરકાર સમાજમાં વિભાજન પેદા કરવા વકફ કાયદામાં સુધારો કરવા બિલ લાવવા માંગે છે. જો કે, સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બિલ રજૂ કરતા પહેલા ઘણા મુસ્લિમ બૌદ્ધિકો સાથે ચર્ચા કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજી નગરમાં વક્ફ બોર્ડની માલિકીના મેદાનને આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની યોજના છે. આ બાબતથી વાકેફ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, સંભાજીનગરના આમખાસ મેદાનને આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ મેદાન વકફ બોર્ડની માલિકી હેઠળ આવે છે.
આ અંગેનો નિર્ણય લઘુમતિ રાજ્યમંત્રી અબ્દુલ સત્તારની અધ્યક્ષતામાં અને રમતગમત મંત્રી સંજય બનસોડેની હાજરીમાં લેવામાં આવ્યો હતો. નિવેદન મુજબ મંત્રી સત્તારે નિર્દેશ આપ્યો હતો કે, જિલ્લા કલેકટરે ફૂટબોલ સ્ટેડિયમ માટેની દરખાસ્ત રમતગમત વિભાગને તાત્કાલિક સુપરત કરે.
એક પ્રશ્નના જવાબમાં રાજ્યના લઘુમતી પ્રધાન અબ્દુલ સત્તારે જણાવ્યું હતું કે સ્ટેડિયમના નિર્માણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી ભંડોળ ઉપલબ્ધ થશે. લગભગ 150 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટેડિયમ બનાવવામાં આવશે. સ્ટેડિયમના નિર્માણ માટે કમિટી બનાવવામાં આવશે. જેના અધ્યક્ષ કલેક્ટર આસ્તિક કુમાર પાંડે રહેશે. મ્યુનિસિપલ કમિશનર, વસ્તી વિભાગના કમિશનર અને વકફ બોર્ડના સીઈઓ સભ્યો હશે. સત્તારે જણાવ્યું હતું કે સ્ટેડિયમના નિર્માણ દરમિયાન, જમીનની કેટલીક નોંધણીમાં કંઈક આઘુંપાછું થયું છે. તેની તમામ ક્લિયરન્સ લઈને આગામી 10 દિવસમાં કલેક્ટર દ્વારા દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
જણાવી દઈએ કે, વકફ અધિનિયમ, 1995માં સુધારો કરવા માટેનું બિલ વકફ બોર્ડ માટે તેની મિલકતોનું વાસ્તવિક મૂલ્યાંકન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે નોંધણી કરાવવી ફરજિયાત બનાવશે. દેશમાં 30 વક્ફ બોર્ડ છે. સૂત્રોનું કહેવું છે કે વક્ફની તમામ મિલકતો થકી દર વર્ષે રૂ. 200 કરોડની આવક થવાની ધારણા છે. આ વક્ફની પાસે હાલની મિલકતોની સંખ્યાને અનુરૂપ નથી. દેશભરમાં વક્ફ બોર્ડ પાસે લગભગ 52,000 પ્રોપર્ટી છે. 2009 સુધીમાં ચાર લાખ એકર જમીન પર 3,00,000 નોંધાયેલી વકફ મિલકતો હતી. આજની તારીખે આઠ લાખ એકરથી વધુ જમીન પર આવી 8,72,292 મિલકતો છે.