• ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમના દાવા પછી શિક્ષણ વિભાગના ધ્યાને કેમ ન આવ્યું ?
• વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રીયલ ટાઈમ ડેટા માટે ખાસ ડેશબોર્ડસ તૈયાર કરવામાં આવેલા છે આ ડેશબોર્ડસ દ્વારા મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે. તો પછી સતત ગેરહાજર શિક્ષકો અંગે શિક્ષણ વિભાગ કેમ અજાણ ?
અમદાવાદ
ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમના દાવા પછી શિક્ષણ વિભાગના ધ્યાને કેમ ન આવ્યું ? વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ તમામ ઈનીશીએટિવ માટે ખાસ ડેશબોર્ડસ તૈયાર કરવામાં આવેલા છે આ ડેશબોર્ડસ દ્વારા મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે. તો પછી સતત ગેરહાજર શિક્ષકો અંગે શિક્ષણ વિભાગ કેમ અજાણ ? આટલી ગંભીર બાબત પ્રત્યે કેમ બેદરકારી રાખવામાં આવી ? તેનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ડમી સ્કુલના મોટાપાયે ચાલતા વેપલાની સાથો સાથ ડમી શિક્ષકોનું વ્યાપક દુષણ શિક્ષણ જગત માટે ચિંતાજનક છે. અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સતત ગેરહાજર શિક્ષકોની તપાસ બાબતે શિક્ષણ વિભાગની સંપૂર્ણ લાલીયાવાડી ચાલી રહી છે. વિદેશ જવા માટે ૯૦ દિવસની રજા મળતી હોય છે. એક વર્ષ કરતા વધુ સમય સુધી રજા ઉપર રહે તો તેને બરતરફ કરવાની જોગવાઈ તો પછી સતત ગેરહાજર રહેતા શિક્ષકો સામે કેમ કાર્યવાહી કરવામાં ના આવી ? ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે ૨.૪ લાખ શિક્ષકો, ૧૦,૦૦૦ જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે ૨.૫ લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ ૨૦૧૯માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસી કાર્યરત હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રના બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમબધ્ધ ૫૦ શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ થઇ રહ્યા તેવું જાહેર કરેલ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટી (પીએટી), સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના ૧ કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના ૫૦૦ કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવે છે. રાજ્યના કેટલાક શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશમાં કરી રહ્યા છે જલસા ! બાળકોના શિક્ષણના ભોગે કેટલાક શિક્ષકો વિદેશમાં મજા કરી રહ્યા છે. શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. ગુજરાતમાં સરકારી શાળાઓમાં નોકરી-પગાર ચાલુ રાખી વિદેશ ગમન કરવાનું શિક્ષકોનું સુવ્યવસ્થિત કૌભાંડ, બેદરકાર શિક્ષકો સામે રાજ્ય સરકાર કયારે નક્કર પગલા ભરશે ? ગુજરાતના શિક્ષકોને યુએસ-કેનેડાનું ઘેલું લાગ્યું, જેઓ ચાલુ નોકરીએ લાંબા સમયથી અમેરિકા, કેનેડા પહોંચી ગયા બાદ પરત ફર્યા નથી. આવા શિક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારાઇ, પરંતુ ટર્મિનેટ કેમ ન કરાયા ? આ શિક્ષકો કોની મદદ લઈને વિદેશમાં લાંબા સમયથી વસવાટ કરી રહ્યા છે ? બીજીબાજુ ૪૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની લાંબા સમયથી ખાલી જગ્યા છે. જે શિક્ષકો હાલ કાર્યરત છે એમાંથી મોટાભાગના શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની વધારાની કામગીરીની ફરજ પાડવામાં આવે છે. જેના લીધે ગ્રામીણ વિસ્તારની સરકારી શાળાના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોના ભવિષ્ય સાથે ગંભિર ચેડા થઈ રહ્યાં છે. ત્યારે સરકારે મોટી મોટી જાહેરાતો કરવાને બદલે શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે નક્કર પગલા ભરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.