એક તરફ સરકાર દ્વારા સોલર પ્લાન્ટ અંગે જાહેરાતો કરવામાં આવે છે તો બીજી તરફ સરકારની જ એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી રૂફટોપ સોલર પેનલ મેઇન્ટેનન્સના અભાવે બંધ અવસ્થામાં પડી છે, જેનું સમારકામ પણ કરાયું નથી. લાઈટ બિલ ન ચૂકવવું પડે અને કરોડો રૂપિયાનો બચાવ થાય એ હેતુથી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં સોલર પેનલ લગાવવામાં આવી હતી, પરંતુ એ હોવા છતાં સિવિલ હોસ્પિટલ દર મહિને 1.25 કરોડ રૂપિયાનું લાઈટ બિલ ભરે છે. બીજી તરફ, સિવિલ હોસ્પિટલમાં જ અલગ અલગ જગ્યાએ બિનજરૂરી લાઈટ, પંખા, એસી ચાલુ રાખીને વીજળીનો બગાડ કરવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે પહોંચતા હોય છે. દર્દીને હાલાકી ન થાય, યોગ્ય સારી સુવિધાઓ અને સારવાર મળી રહે એ માટે સરકાર દ્વારા એક વિશાળ કેમ્પસવાળી જગ્યા આપવામાં આવી છે. આ વિશાળ જગ્યા ખૂબ મોટા એકરમાં ફેલાયેલી છે. હોસ્પિટલમાં તમામ પ્રકારનાં ઓપરેશન-સર્જરી થતાં હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં વીજ વપરાશ થાય છે. સિવિલ હોસ્પિટલનું અંદાજિત માસિક બિલ 1 કરોડ ઉપરની રકમનું આવે છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત બીજે મેડિકલ અને
ડેન્ટલ કોલેજ પર 7200 યુનિટ વીજળી ઉત્પન્ન કરવાના
લક્ષ્યાંક સાથે રૂફટોપ સોલર પેનલો લગાવાઇ હતી, જે
છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી બંધ અવસ્થામાં પડી
છે. 5 વર્ષ સુધી ગેડાએ પીપીપી હેઠળ સોલર પ્લાન્ટની
જાળવણી કરી ત્રણેય કોલેજ માટે 1800 મેગા વોટ વીજળી
ઉત્પન્ન કરી હતી, પરંતુ હાલ આ સોલર પ્લાન્ટ ફક્ત
શોભાના ગાંઠિયા સમાન જ લાગી રહ્યો છે. સમગ્ર સિવિલ
હોસ્પિટલના ધાબા પર દૂર દૂર સુધી સોલર પેનલ જ દેખાઈ
રહી છે, જે માત્ર દેખાવ પૂરતી જ મૂકવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલ સોલર પેનલ સમારકામ કરી ચાલુ કરાતી
નથી. આ ઉપરાંત બિનજરૂરી વીજળીનો પણ બગાડ કરી
રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર વીજળીનો ખૂબ
મોટા પ્રમાણમાં બગાડ પણ કરવામાં આવે છે. સિવિલ
હોસ્પિટલની સિક્યોરિટી રૂમ, D3 વોર્ડમાં આવેલી લેબોરેટરી
અને વેલનેસ સેન્ટર, B3 વોર્ડની બહાર, સીડીઓમાં, સ્ત્રી
વોર્ડ, જ્યાં હવે સામાનનો સંગ્રહ કરવામાં આવે છે, D4
કે જ્યાં HODની ઓફિસ આવેલી છે. એ લોબી અને
HODની ઓફિસ સહિતની જગ્યાએ બિનજરૂરી લાઈટ,
પંખા અને એસી ચાલુ રાખીને વીજળીનો બગાડ કરવામાં
આવે છે.
સિવિલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડન્ટ ઓફિસની નજીક જ સિક્યોરિટી ગાર્ડની કેબિન આવેલી છે, જ્યાં હાજરી પુરાવા કર્મચારીઓ આવતા હોય છે, જ્યાં કોઈ હાજર ન હોવા છતાં લાઈટ, પંખા ચાલુ રાખવામાં આવ્યાં હતાં. D3 વોર્ડની બહાર સિક્યોરિટી કર્મચારીનો પોઇન્ટ છે, પરંતુ ત્યાં કોઈ સિક્યોરિટી ગાર્ડ હાજર ન હોવા છતાં પંખો ચાલુ રાખવામાં આવ્યો હતો. B3 વોર્ડની બહાર પણ લાઈટ, પંખો કોઈ હાજર ન હોવા છતાં ચાલુ રાખવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત હોસ્પિટલની સીડીઓમાં પણ બિનજરૂરી લાઈટ ચાલુ રાખવામાં આવી હતી.
સ્ત્રી વોર્ડ, જ્યાં હવે માત્ર સામાનનો સંગ્રહ કરવામાં આવે છે, ત્યાં પણ કોઈ હાજર ન હોવા છતાં લાઈટ, પંખા ચાલુ રાખવામાં આવ્યાં હતાં. સુપરિન્ટેન્ડન્ટ ઓફિસના ઉપરના પ્રથમ માળે પણ જ્યાં HODની ઓફિસ આવેલી છે એ લોબીમાં પણ 5 પંખા અને લાઈટ બિનજરૂરી ચાલુ રહ્યાં હતાં. HOD ઓફિસમાં પણ HOD કે અન્ય કોઈ હાજર ન હોવા છતાં દરવાજો બહારથી બંધ કરી અંદર પંખો, લાઈટ અને એસી ચાલુ રાખવામાં આવ્યાં હતાં. આમ, અનેક જગ્યાએ બેફામ વીજ વપરાશ બિનજરૂરી રીતે થઈ રહ્યો છે.
કરોડો રૂપિયાના ખર્ચે રૂપિયાનો ધુમાડો કરવા જ આ સોલર પ્લાન્ટ લગાવ્યો હતો, એવા સવાલો સામે આવી રહ્યા છે. સિવિલ સત્તાધીશો પ્રોજેક્ટ ફરી ઓપરેટ કરવાના ખર્ચની વાતો કરી રહ્યા છે. આ સ્થિતિમાં અવનવા ટેક્સો ભરનારી જનતાના પૈસાનો વ્યર્થ થતો હોય એવું લાગી રહ્યું છે. સત્તાધીશો સતાવાર રીતે આ અંગે કોઈ બોલવા પણ તૈયાર નથી.