ડ્રગ્સના દૂષણને ડામવાની CID ક્રાઈમની ઝુંબેશને ધક્કો લાગ્યો છે. કારણ કે 100થી વધુની જરૂર સામે માત્ર 12નો જ સ્ટાફ છે. ડ્રગ્સની રિવોર્ડ પોલિસી અને ડેટા એકત્રીકરણની કામગીરીમાં વ્યસ્ત રહેતી ટીમ છૂટક ડ્રગ્સના વેચાણ પર અંકુશ મુકવામાં પોલીસને સો ટકા સફળતા મળી નથી.
ડ્રગ્સના દૂષણને ડામવા કડક ઝુંબેશ ચલાવવામાં સીઆઈડી ક્રાઈમના નાર્કોટિક્સ સેલમાં 100થી વધુ માણસોની જરૂર સામે માત્ર 12નો સ્ટાફ કાર્યરત છે.
આ સ્ટાફ પણ ડ્રગ્સના કેસોની રિવોર્ડ પોલિસીની ફાઈલ તૈયાર કરવામાં તેમજ ડેટા એકત્ર કરવાની કામગીરીમાં વ્યસ્ત રહે છે. સ્ટાફની અછત વચ્ચે સીઆઈડી ક્રાઈમના નાર્કોટિક્સ સેલની ડ્રગ્સના કેસોની કરવાની કામગીરીની ટકાવારી તળિયે પહોંચી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી સીઆઈડી ક્રાઈમ દ્વારા ડ્રગ્સનું મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોય તેવું જોવા મળ્યું નથી. માત્ર બે-ત્રણ છૂટાછવાયા કેસો સીવાય કોઈ મહત્વની કામગીરી જોવા મળી નથી. સ્ટાફની કામગીરી અને મહેકમ જોતા જ સવાલ ઉભો થાય છે કે, શું ડ્રગ્સના દૂષણને ડામવાની ઝુંબેશ આ રીતે સફળ થાય ખરી?
રાજ્યમાં ડ્રગ્સના દૂષણનો ફેલાવો દિવસે દિવસે વધી રહ્યો છે. યુવક-યુવતીઓ મોટા પાયે ડ્રગ્સની ચૂંગાલમાં ફસાતા જતા હોવાના અહેવાલો વચ્ચે રાજ્ય સરકાર ડ્રગ્સના દૂષણને ડામવા માટે કડક હાથે કામગીરી થઈ રહી છે. જો કે, સીઆઈડી ક્રાઈમના નાર્કોટિક્સ સેલમાં જ ઝુંબેશને બટ્ટો લાગે તેવી હાલત છે. સીઆઈડી ક્રાઈમના નાર્કોટિક્સ સેલમાં બે પોલીસ ઈન્સ્પેક્ટર, ચાર પીએસઆઈ અને છ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ છે. આ સેલ પાસે સમગ્ર રાજ્યમાં ડ્રગ્સના કેસો કરવાનો હવાલો છે.
એટીએસ, એસઓજી, ક્રાઈમબ્રાંચ અને લોકલ પોલીસ દ્વારા ડ્રગ્સના કેસો કરવામાં આવે છે. જિલ્લામાં કે શહેરમાં આવેલી એસઓજીમાં ઓછામાં આછા 25 થી 150 માણસનો સ્ટાફ કાર્યરત હોય છે. ક્રાઈમબ્રાંચમાં પણ આ જ રીતે 150થી વધુનો સ્ટાફ છે. બીજી તરફ સીઆઈડીના નાર્કોટિક્સ સેલમાં સોથી વધુના સ્ટાફની જરૂરિયાત સામે માત્ર 12 જણનો સ્ટાફ છે. એટીએસ, ક્રાઈમબ્રાંચ અને એસઓજી દ્વારા ડ્રગ્સના કેસો મોટા પાયે કરવામાં આવી રહ્યા છે. જો કે, છૂટક ડ્રગ્સના વેચાણ પર અંકુશ મુકવામાં પોલીસને સો ટકા સફળતા મળી નથી. જેના કારણે ડ્રગ્સના હજારો કરોડના કન્સાઈન્મેન્ટ પકડાવા છતાં પણ ડ્રગ્સની બદી ફૂલીફાલી રહી છે. પ્રોસિજર મુજબ NDPSના કેસો કરવામાં 12નો સ્ટાફ ઓછો પડે છે.