વડાપ્રધાનશ્રી મોદીએ કોરોના યોધ્ધાઓના સમર્પણને બિરદાવતાં કહયું હતું કે, કોરોનાના કપરા સમયમાં દેશની જનતાએ એક થઇને કોરોના સામે આપેલી લડતના પરિણામે આપણે કોરોના સામે મજબૂત બની લડી શક્યા છીએ. આ સમયમાં એક કરોડથી વધુ કોરોના સંક્રમિતોની સફળ સારવાર દ્વારા ભારતે સમગ્ર વિશ્વને બતાવી દીધું છે કે આરોગ્ય ક્ષેત્રમાં દેશનું સ્થાન વિશ્વ અગ્રિમ હરોળનું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં ગરીબ મા – બાપ તેમના બાળકોની જીંદગીમાં કર્જ ન આવે તે માટે બિમાર હોવા છતાં પણ આર્થિક સંકડામણના કારણે દર્દ ભોગવીને તેમનો ઈલાજ કરાવતા ન હતા. તેવા ગરિબ પરિવારો માટે સરકારનું આયુષ્માન ભારત યોજના રૂપી સુરક્ષા કવચ આજે આશિર્વાદરૂપ બન્યુ છે. આ યોજનાથી અત્યાર સુધીમાં દોઢ કરોડ જેટલા ગરીબ દર્દીઓ રૂપિયા ૫ લાખ સુધીની આરોગ્ય સારવાર નિશુલ્ક કરાવી શક્યા છે. જેના કારણે તેમની રૂ. ૩૦ હજાર કરોડ જેટલી માતબર રકમ બચાવી શક્યા છે. આ ઉપરાંત દેશભરમાં ફેલાયેલ ૭ હજારથી વધુ જનઔષધિ કેન્દ્રોના કારણે આવા દર્દીઓની રૂ. ૩૬૦૦ કરોડથી વધુ રકમની બચત થઇ છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પોષણ યોજના, વગેરે થકી માતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
તબીબી શિક્ષણ ક્ષેત્રે ‘‘મિશન મોડ’’માં કાર્ય થઇ રહયું છે. તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક રાજયમાં એક એઇમ્સ અને ત્રણ લોકસભા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની કેન્દ્ર સરકારની નેમ વ્યક્ત કરી હતી.
આજે જયારે બીમારીઓ વૈશ્વિક બની રહી છે, તેવા સમયે આરોગ્ય સમસ્યાઓનું નિરાકરણ પણ વૈશ્વિક બને, તેવી આશા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીશ્રીએ ‘‘ફીટ ઇન્ડીયા અભિયાન’’ માં દેશના તમામ નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે કોરોના રસીકરણ માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે, તેમ જણાવી સમગ્ર દેશના નાગરિકોને એક થઇ રસીકરણના કાર્યમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.
:: રાજયપાલ ::
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના સ્વાસ્થ્ય માટે એઇમ્સ એ પાયાનો પથ્થર બની રહેશે, તેમ જણાવી આ સંસ્થા ઝડપથી વિકસિત બની લોકોની અહર્નિશ સેવામાં સમર્પિત બનશે, તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કહયું હતુ ગુજરાતના લોકોને નર્મદાના નીરથી જેટલો આનંદ થયો હતો, તેટલો જ આનંદ આ સંસ્થા શરૂ થવાથી થશે. આ સંસ્થાના નિર્માણથી લોકોની આરોગ્ય સુખાકારીની સાથે રોજગારીનું સર્જન પણ થશે.
આજે સમગ્ર દેશ વિકાસની દિશામાં આગળ વધી રહયો છે. તેમ જણાવતાં રાજયપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીની કર્તવ્યનિષ્ઠા અને વિકાસવાદના વિચારોના પરિણામે આજે ભારત સમગ્ર દુનિયામાં વિકાસ ક્ષેત્રે અગ્રેસર બની રહયો છે. પહેલું સુખ તે નિરોગી કાયા તે વિચારને ચરિતાર્થ કરવા વડાપ્રધાનશ્રીએ આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના પ્રત્યેક વ્યક્તિના આરોગ્ય સુખાકારીનું કાર્ય કર્યું છે.
:: મુખ્યમંત્રી ::
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે, ગુજરાતના લોકોને ગંભીર બિમારીના સમયમાં આરોગ્ય ઉચ્ચ સારવાર માટે ગુજરાત બહાર જવું ન પડે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશીના પરિણામે ગુજરાતને એઈમ્સ પ્રાપ્ત થઈ છે. આરોગ્ય ક્ષેત્રમાં સૌથી મોટી સુવિધા આપનાર આ સંસ્થાનું રાજકોટમાં નિર્માણ થવાથી ગુજરાતના લોકોને આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચત્તમ સુપર સ્પેશ્યાલીટી સેવા હવે ઘરઆંગણે મળી રહેશે. એઇમ્સ એ રાજયની આરોગ્યલક્ષી સુવિધાના ક્ષેત્રે યશકલગી સાબિત થશે
ગુજરાતને આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સવલતો આપવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુનિયોજિત આયોજનના ભાગરૂપે દેશભરમાં અમલી બનાવાયેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની ટૂંકી વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, ૧૯૫૬ થી ગુજરાતને અન્યાય થતો હતો. જેના કારણે ભૂતકાળમાં એઈમ્સ તથા મેડીકલ કોલેજો જેવી સવલતો ગુજરાતને મળી નહોતી. પરંતુ વડાપ્રધાનશ્રીના વિઝનના કારણે આજે ગુજરાતને એઈમ્સ તેમજ ૩૦ જેટલી મેડિકલ કોલેજો પ્રાપ્ત થઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના પ્રત્યેક જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની રાજય સરકારની કટીબધ્ધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બે દાયકા પહેલાં રાજયમાં માત્ર ૯ મેડીકલ કોલેજ અને ૧૦૦૦ જેટલી બેઠકો ઉપલબ્ધ હતી. જયારે આજે ગુજરાતમાં ૩૦થી વધુ મેડીકલ કોલેજો અને ૬૦૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે મેડીકલ હબ બનવા જઇ રહ્યું છે. એઇમ્સના કારણે ગુજરાતમાં મેડીકલ ટુરીઝમ વધશે અને નવી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે.
નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે વિકાસની ગતી અવીરત રહી છે હાલમાં જ ગોધરા, નવસારી, મોરબી, રાજપીપળા જેવા જિલ્લાઓમાં પણ મેડીકલ કોલેજોને મંજુરી મળી છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલો પણ હાલ ગુજરાતમાં કાર્યરત છે. તેવા સમયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટને એઇમ્સ ફાળવીને ગુજરાતને ભુતકાળમાં એઇમ્સ બાબતે થયેલા અન્યાયને દૂર કર્યો છે, જેનો લાભ ગુજરાત તેમજ ગુજરાત બહારના લોકોને મળશે. એઇમ્સમાં સુપર સ્પેશીયાલિસ્ટ સારવાર ઉપલબ્ધ બનશે, અને અહીંના નાગરિકોને ઘરઆંગણે આરોગ્યની ઉચ્ચ સવલતો મળી રહેશે.
આ પ્રસંગે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનના અધ્યક્ષ ડો.પી.કે.દવેએ વર્ચ્યુઅલ સ્વાગત પ્રવચન કર્યું હતુ. જ્યારે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ ખાતે સાકાર થનારી દેશની ૨૧મી એઇમ્સના શિલાન્યાસ બદલ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, અને આ સંસ્થા ગુજરાતભરના લોકો માટે આરોગ્યનું ધામ બનશે, તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં આમંત્રિતોના હસ્તે દિપપ્રાગટ્ય કરાયું હતું. કાર્યક્રમ સ્થળે આવતાં પહેલાં મહાનુભાવોએ એઇમ્સના ત્રિપરિમાણીય મોડેલનું નિદર્શન નિહાળ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રીમોટ કંટ્રોલથી રાજકોટ ખાતે આકાર લેનારી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજયની આરોગ્ય વિભાગની કામગીરી અને એઇમ્સ હોસ્પિટલના નિર્માણને દર્શાવતી ડોકયુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, આરોગ્ય સચિવ ડો. જયંતી રવિ, વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી, સંસદસભ્યશ્રી સી.આર.પાટીલ અને પુનમબેન માડમ, રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી કમલેશ મિરાણી અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુનિસીપલ કમિશ્નરશ્રી ઉદ્દીત અગ્રવાલ, ગ્રામ્ય પોલિસ અધિક્ષકશ્રી બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પુજા બાવડા, પ્રાંત અધિકારીશ્રી વીરેન્દ્ર દેસાઇ, ડો. અમી યાજ્ઞિક, પૂર્વ ધારાસભ્યો, પદાધિકારીઓ, એઈમ્સના ડોક્ટર્સ તબીબી વિદ્યાશાખાના છાત્રો વગેરે ઉપસ્થિત રહયા હતા.