NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે જીસીસીઆઈના ખજાનચી સુધાંશુ મહેતાની નિમણૂક
અમદાવાદ
ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સની ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (NZBCCI) વચ્ચેના પ્રથમ MoU પર હસ્તાક્ષર કરવાનો ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો હતો. આ પ્રસંગે, NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન તરીકે જીસીસીઆઈના ખજાનચી સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી હતી.
ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સે પોતાના ભાષણમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર વિવિધ સમુદાયોને સમર્થન આપવા અને બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી અને નેતૃત્વની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે NZBCCIની સ્થાપના આર્થિક ભાગીદારી અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાના સંયુક્ત પ્રયાસનું ઉદાહરણ છે, જે GCCI ગર્વથી સમર્થન આપે છે.ન્યૂઝીલેન્ડમાં ભારતના હાઈ કમિશનર સુશ્રી નીતા ભૂષણે ભારતની આગામી ત્રણ વર્ષમાં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાની અભિયાનને વધુ પ્રકાશિત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ભારતીય અર્થતંત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને દેશને વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. સુશ્રી ભૂષણના મંતવ્યો ભારતની ગતિશીલ વૃદ્ધિ અને તેની સંભાવનાઓને પ્રતિબિંબિત કરે છે અને આ વિઝનને સાકાર કરવામાં આંતરરાષ્ટ્રીય ભાગીદારીની મહત્વની ભૂમિકા પર ભાર મૂકે છે.
NZBCCIના ચેરમેન મહેશ બિન્દ્રાએ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ ભારત માટે ન્યૂઝીલેન્ડના દરવાજા ખોલવાનો છે, જે વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના સંબંધો નવી દિશામાં આગળ વધી રહ્યા છે અને તેઓ મજબૂત સંબંધો સ્થાપિત કરવા અને બંને દેશોને લાભદાયી વ્યવસાયિક ભાગીદારી બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
GCCIના ખજાનચી અને NZBCCI ભારત ચેપ્ટરના ચેરમેન સુધાંશુ મહેતાએ જણાવ્યું હતું કે, ‘ભારત’ શબ્દનો સમાવેશ NZBCCIના નામમાં ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, NZBCCIનો ઉદ્દેશ ટેક્નોલોજી, માળખાગત સુવિધા અને સ્થાયી ઊર્જા જેવા ક્ષેત્રોમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. GCCI સાથે હસ્તાક્ષર કરાયેલ સમજૂતી કરાર બંને સંસ્થાઓ વચ્ચેની સહયોગી ભાગીદારીને મજબૂત બનાવવાના સંકલ્પનું પ્રતિનિધિત્વ કરે છે.
“GCCIના વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહે જણાવ્યું હતું કે, બંને ચેમ્બર વચ્ચે હસ્તાક્ષર થયેલ સમજૂતી કરાર ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવશે અને બંને દેશો વચ્ચે સહયોગ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. 75 વર્ષની વિરાસત ધરાવતું ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આ ભાગીદારી દ્વારા વેપાર અને રોકાણને વધારવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારતને વૈશ્વિક પાવરહાઉસ બનાવવાના ઉદ્દેશ સાથે વર્ષ 2047 સુધીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે, સીધી ફ્લાઇટ કનેકિટવિટી બંને દેશો વચ્ચે પ્રવાસનને વધુ પ્રોત્સાહન આપશે.GCCI MOUની સફળતા માટેના તમામ સહભાગીઓ અને હિસ્સેદારોનો હાર્દિક આભાર માને છે.