ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો બીજું કોણ રમશે. ખેલૈયાઓ નવરાત્રીના તહેવારમાં રાતે 12.00 વાગ્યા સુધી નહીં, મોડી રાત સુધી નહીં, વહેલી સવારે 5.00 વાગ્યા સુધી ગરબા રમો એવી જાહેરાત ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે કરી છે. નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે. પરંતુ મોટો સવાલ એ છે કે શું ખરેખર હર્ષ સંઘવીની જાહેરાતથી ખેલૈયાઓએ બહુ હરખાવા જેવું છે?
સામાન્ય સંજોગોમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાતે 10.00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમી શકાય છે. નવરાત્રીના સમયમાં થોડીક છૂટ આપીને આ સમય મર્યાદા રાતે 12.00 વાગ્યા સુધીની કરવામાં આવી છે. પરંતુ જો રાતે 12.00 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર ગરબા રમવામાં આવે અને કોઈ ફરિયાદ કરે તો પોલીસ આયોજકોનો સામાન જપ્ત કરી લે છે.
જોકે, ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવા માટે હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતીઓ ગરબા નહી રમે તો કોણ રમશે. ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે અને ખેલૈયાઓને મોડી રાત સુધી નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે.
જોકે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ જાહેરાત માત્ર પબ્લિસિટી સ્ટંટ બની રહેવાની આશંકા છે. કારણ કે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ રાત્રે 12.00 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકાયેલો છે. હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. પરંતુ તેમણે એવું નથી કહ્યું કે, લાઉડસ્પીકર ચાલુ રાખીને ગરબા રમી શકાશે. એનો અર્થ એ છે કે રાતે 12.00 પછી ગરબાના જાહેર આયોજનો છે ત્યાં ગરબા બંધ થઈ શકે છે જ્યારે સોસાયટી અને શેરીઓમાં ઢોલ પર મોડી રાત સુધી ગરબા ચાલુ રહી શકે છે. જોકે, આ સુવિધા તો અગાઉ પણ હતી જ, તેમાં હર્ષ સંઘવીએ કશું નવું નથી કહ્યું. હવે જોવાનું એ રહે છે કે શું ગુજરાત સરકાર રાતે 12.00 પછી લાઉડસ્પીકર પર ગરબા રમી શકાશે તેવું જાહેરનામું બહાર પાડે છે કે કેમ? કારણ કે સરકારના જાહેરનામા સિવાય રાતે 12.00 પછી ગરબા આયોજકોએ લાઉડ સ્પીકર બંધ કરી દેવા પડશે.