ઓલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફન્ટ(એઆઈયુડીએફ)ના વડા અને પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે બુધવારે એક દાવો કરીને વિવાદ પેદા કરી દીધો છે. મુસ્લિમ સમુદાયના નેતા અજમલે દાવો કરીને કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બનેલી સંસદ અને તેની આસપાસના બિલ્ડિંગ વક્ફ બોર્ડની સંપત્તિ પર બનેલા છે.
બુધવારે મીડિયા પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં અજમલે દાવો કર્યો કે રાષ્ટ્રીય રાજધાનીમાં વસંતબિહારથી લઈને એરપોર્ટ સુધીના તમામ વિસ્તાર વક્ફની સંપત્તિ પર બનેલા છે.
સરકાર વક્ફ બોર્ડની 9.7 લાખ વીઘા જમીન પડાવી લેવા ઈચ્છે છે. તેમણે વક્ફની જમીન મુસ્લિમ સમાજને સોંપવાની પણ માગણી કરી છે.
પૂર્વ સાંસદ અજમલે વક્ફ બિલનો વિરોધ કર્યો છે અને કહ્યું કે, આ સંદર્ભમાં અવાજ ઉઠાવી રહ્યા છીએ અને દુનિયાભરમાં વક્ફ સંપત્તિઓની યાદી સામે આવી રહી છે. સંસદભવન, તેની આસપાસના વિસ્તાર અને વસંત વિસ્તારથી લઈને એરપોર્ટ સુધીનો સમગ્ર વિસ્તાર વક્ફની સંપત્તિ પર બનેલો છે.
તેમણે આગળ એમ પણ કહ્યું કે, મંજૂરી વિના વક્ફની જમીનનો ઉપયોગ કરવો એ ખોટું છે. વક્ફ બોર્ડના આ મુદ્દા પર એ(મોદી સરકાર) ખૂબ જલદી પોતાની સરકાર ગુમાવી દેશે. આ દરમિયાન વિપક્ષના સાંસદોએ વક્ફ(સંશોધન) બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક દરમિયાન સંસદીય આચાર સંહિતાના ભંગ પર લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે.