નિષ્ણાત ડોકટરો દ્વારા બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓના પ્રશ્નો મૂંઝવણોના જવાબ આપવામાં આવ્યા
PMJAY યોજના, સ્કૂલ હેલ્થ કાર્ડ યોજના તેમજ અન્ય કેટેગરીને લગતી યોજનાઓનો લાભ લઈ દર્દી કરાવી શકે છે બ્રેસ્ટ કેન્સરનું નિદાન:બ્રેસ્ટ કેન્સર શરૂઆતના સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય તો તેનું સંપૂર્ણપણે અને સરળતાથી નિદાન શક્ય: ડો. શશાંક પંડ્યા
અમદાવાદ
અમદાવાદ સિવિલ મેડિસિટીની ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું રાજ્યવ્યાપી આયોજન કરાવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ અમદાવાદ સિવિલ મેડિસીટીની GCRI ખાતે બ્રેસ્ટ કૅન્સર જાગૃતિ સંદર્ભે “લોક દરબાર” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. જેમાં બ્રેસ્ટ કેન્સર સંદર્ભે મહિલાઓની ચિંતા, મૂંઝવણો અને તેમના પ્રશ્નોના જવાબ કેન્સરના નિષ્ણાંત તબીબો દ્વારા આપવામાં આવ્યા હતા.
આ સંદર્ભે GCRIના ડાયરેક્ટર શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ઓક્ટોબર મહિનામાં કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1985થી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ડૉ. શશાંક પંડ્યાએ કહ્યું હતું કે, બ્રેસ્ટ કેન્સરમાં સર્જરી, રેડિયોથેરાપી કીમીયોથેરાપી આ ત્રણેય પાસાઓ ખૂબ જ મહત્વના છે. જેમાં મહિલાઓએ સમયસર સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ. જો બ્રેસ્ટ કેન્સર શરૂઆતના સ્ટેજમાં ડિટેક્ટ થઈ જાય તો તેનું સંપૂર્ણપણે અને સરળતાથી નિદાન શક્ય છે તેમ તેમણે જણાવ્યું હતું.સરકાર દ્વારા બ્રેસ્ટ કેન્સરના ઈલાજ માટે પીડિતો માટે GCRI ઇન્સ્ટિટયૂટમાં સ્પેશિયલ ઓપીડી ચાલુ કરવામાં આવી છે, અને આ ઓપેડીમાં દરરોજના 70થી વધુ લાભાર્થીઓ રજીસ્ટર થાય છે અને કેન્સર સ્ક્રિનિંગનો નિ:શુલ્ક લાભ દર્દીઓને આપવામાં આવે છે.ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સહાયરૂપ બની રહે તે માટે અનેક યોજનાઓ કાર્યરત છે. PMJAY યોજના, સ્કૂલ હેલ્થ કાર્ડ યોજના તેમજ અન્ય કેટેગરીને લગતી યોજનાઓનો લાભ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે. કેન્સરની સારવાર માટે ગુજરાતમાંથી જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ તેમજ તેલંગણા જેવા વિવિધ રાજ્યોમાંથી દર્દીઓ આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.ડોક્ટર શશાંક પંડ્યાએ વધુમાં કહ્યું હતું કે, હાલમાં બ્રેસ્ટ કેન્સર કે અન્ય કોઈપણ કેન્સરની સારવાર દરમિયાન દર્દીને અમુક આડઅસર જે અમુક વર્ષો પહેલા જોવા મળતી હતી તેની તુલનામાં ઘણું ઘટાડો થયો છે અને આડઅસર ન થાય તે માટે આરોગ્ય વિભાગે પેલીએટીવ (સપોર્ટિવ) કેરની શરૂઆત કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.અંતે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને GCRI હર-હંમેશ કોઈપણ દર્દીની આર્થિક પરિસ્થિતિ નિદાન કરાવવા માટે સક્ષમ ન હોય તો તેનું નિદાન અટકે નહીં તે માટે સતત પ્રયત્નશીલ છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્સર નિષ્ણાત ડોક્ટરો દ્વારા સ્ક્રિનિંગ ટેસ્ટ, સર્જરી, રેડિયોથેરાપી અને કીમીયોથેરાપી જેવી બાબતો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીના ભાગરૂપે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નાગરિકોના પ્રશ્નોના ઉત્તર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં GCRIના નાયબ માહિતી નિયામક શ્રી પ્રીતિ સંઘવી તેમજ અન્ય કેન્સર નિષ્ણાત ડોક્ટરો, નર્સિંગના વિદ્યાર્થીઓ અને સીઆરપીએફની મહિલાઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.