નવી દિલ્હી
છાશવારે બનતા સાઇબર ફ્રોડને અનુલક્ષીને કેન્દ્ર સરકાર મોટી પહેલ આરંભી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ફ્રોડ પર વળતર આપવાની તૈયારી કરવામાં આવી છે. નોંધનીય છેકે છેલ્લા ઘણા વર્ષથી સાઇબર ફ્રોડના કિસ્સાઓમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. જેને અનુલક્ષીને સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. દેશભરમાં સાઇબર ફ્રોડના કિસ્સાઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. અને, સામાન્ય લોકોની મહેનતના કરોડો રૂપિયા બારોબાર ચાઉં થઇ રહ્યા છે.
જેને પગલે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય કરી રહી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક રિપોર્ટ અનુસાર છેલ્લા 3 વર્ષમાં સાઇબર ફ્રોડના કિસ્સામાં 3 ગણો વધારો નોંધાયો છે. તથા, આવા ફ્રોડના કિસ્સાઓની રકમમાં પાંચ ગણો વધારો થયો હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે. ડિજિટલ પેમેન્ટ્સ વિઝન 2025ના લક્ષ્ય હાંસલ કરવા માટે કેન્દ્ર સરકારે મોટી પહેલ કરી છે.
સંસદમાં સાઇબર ફ્રોડમાં મોટી રકમ ગુમાવનારાઓ માટે ડિજિટલ પેમેન્ટ પ્રોટેક્શન ફંડ બનાવવાનો પ્રસ્તાવ રજુ કરાયો છે. જેમાં સાઇબર ફ્રોડના ભોગ બનનારને લાંબી પ્રક્રિયાને અંતે વ્યાજબી વળતર મળી શકે તેવો પ્રસ્તાવ રજુ થયો છે. નાણા મંત્રાલય સાથે જોડાયેલી સંસદની સ્થાયી સમિતિએ આ ફંડની રચના અંગે માહિતી આપી છે. આ મામલે સંસદમાં શુક્રવારે એક રિપોર્ટ રજુ કરાયો હતો. જે અંગે સંસદમાં રિઝર્વ બેંકે જણાવ્યું કે આ ફંડ અંગે વિગતવાર અભ્યાસ કરાઇ રહ્યો છે. જેથી ફરિયાદીઓને તાત્કાલિક વળતર મળી શકે. આ સાથે જ પ્રાવધાન છેકે છેતરપિંડી કે ફ્રોડને સાબિત કરવાની જવાબદારી ગ્રાહકને બદલે બેંકની રહેશે.
આ સાથે સંસદીય સમિતિએ ફ્રોડના કિસ્સાઓ મામલે બેંકોની કાર્યવાહી પર સવાલો પણ ઉઠાવ્યા છે. અને, બેંકમાં નવા ખાતાઓ અને ખાતામાં જમા થયેલી રકમની સુરક્ષા મામલે બેંકોની કાર્યવાહી સામે લાલ આંખ કરી છે. નોંધનીય છેકે ડિજિટલ ફ્રોડના મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદીઓને મોટી રકમ ગુમાવવી પડે છે. જયારે આવા કિસ્સાઓમાં આરોપીઓ આસાનીથી છટકી જતા હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અનુસાર સાઇબર ફ્રોડના કેસમાં આરોપી સાબિત થવાનો થવા માત્ર 3.6 ટકા જ નોંધાયો છે. જેને અનુસંધાને કેન્દ્ર સરકારે બેંકો અને ગ્રાહકોને સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.