ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો સામનો કરી રહ્યું છે. અનેક કંપનીઓએ ઉત્પાદન કેટલાક દિવસ ઉત્પાદન બંધ રાખ્યું છે. આ સેક્ટર સાથે સંકળાયેલી નોકરીઓ પણ જોખમમાં છે. આ પરિસિૃથતિમાં નાણા પ્રધાન નિર્મલા સિતારમણે ઓટો સેક્ટરમાં મંદી માટે લોકોના વિચારોમાં પરિવર્તન અને બીએસ-6 મોડેલને જવાબદાર ગણાવ્યા છે. નાણા પ્રધાને જણાવ્યું છે કે ઓટોમોબાઇલ સેક્ટરની મંદી માટે અનેક પરિબળો જવાબદાર છે જેમાં બીએસ-6 મૂવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સાથે સંકળાયેલા મુદ્દાઓ અને લોકોના વિચારોમાં પરિવર્તન જવાબદાર છે. સીતારમણે જણાવ્યું છે કે આજે લોકો કારના ઇએમઆઇ ભરવાને બદલે મેટ્રોમાં અને ઓલા-ઉબરનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. જો કે તેમણે સ્વીકાર્યુ છે કે આ સેક્ટરમાં મંદી એક ગંભીર સમસ્યા છે અને તેનો ઉકેલ મેળવવો જ જોઇએ.
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થવાના પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં નિર્મલા સિતારમણે આ વાત જણાવી હતી. નાણા પ્રધાને જણાવ્યું હતું કે અમે તમામ સેક્ટરની સમસ્યાઓ અંગે ગંભીર છીએ અને તમામ સેક્ટર માટે જરૂરી પગલા ભરવામાં આવશે. આ સરકાર સૌની સાંભળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં બે મોટી જાહેરાત કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ જરૂરી નિર્ણયો લેવામાં આવશે. જો કે મારૂતિ સુઝુકીના ચેરમેન આર સી ભાર્ગવે ઓલા, ઉબરને કારણે કારોનું વેચાણ ઘટયું હોવાની વાતનો ઇનકાર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કારોનું વેચાણ ઘટવા માટે ઓલા કે ઉબર નહીં પણ સરકારની નીતિઓ જવાબદાર છે.
ભાર્ગવે જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ઉંચા ટેક્સ દર અને રોડ ટેક્સને કારણે પણ લોકો કાર ખરીદવાનું ટાળી રહ્યાં છે. જો કે તેમણે જણાવ્યું છે કે જીએસટી ઘટાડવાથી પણ કારોનું વેચાણ વધવાનું નથી. કારોમાં એરબેગ્સ અને એબીએસ સિસ્ટમ જેવા સુરક્ષા ઉપાયોને કારણે કારોની કીંમત વધી ગઇ છે જે દ્વિચક્રી વાહનચાલકોની પહોંચથી દૂર છે. ભાર્ગવે જણાવ્યું છે કે ઓલા, ઉબર તેના માટે જવાબદાર નથી પણ કડક સુરક્ષા નિયમો, વીમાનો વધુ પડતો ખર્ચ અને વધારે પડતો રોડ ટેક્સ કારોનું વેચાણ ઘટાડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સતત દસમા મહિને ઓગસ્ટમાં કારોના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જો કે માત્ર કારોનું વેચાણ ઘટયું છે તેવું નથી દ્વિચક્રી અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે.