અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય સમયથી ખાલી જગ્યાઓ ભરવાને બદલે આઉટ સોર્સિંગ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં ભરતી કરવામાં આવે છે ત્યાં મામા-ભાણીયા અને કાકા-ભત્રીજાવાદનાં કૌભાંડો આચરવામાં આવતાં હોવાનાં આક્ષેપ સાથે મ્યુનિ. કોંગ્રેસનાં કોર્પોરેટરોએ બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર કરતાં કાર્યકારી મેયરે બોર્ડ બેઠક મુલતવી રાખી દીધી હતી. સભામાં ઝીરો અવર્સની શરૂઆત કરતાં મ્યુનિ.કોંગ્રેસ પક્ષનેતા શહેઝાદખાન પઠાણે પ્રહારો કરતાં કહ્યું કે, મ્યુનિ.માં શહેરનાં બેરોજગાર યુવાનોને નૌકરી આપવાને બદલે શાસક પક્ષની ખોટી નીતિથી ચોક્કસ કંપનીઓ, એજન્સીઓ અને વ્યક્તિઓને જ મેનપાવર પૂરો પાડવાનાં નામે કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યાં છે. મ્યુનિ.માં ડ્રાઇવર, જુનિયર કલાર્ક, કેસ રાઈટર, સિક્યોરિટી વગેરે પ્રકારનાં કર્મચારીને જે પગાર નક્કી થાય છે તેનાથી ઓછો પગાર ચૂકવાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. મ્યુનિ. દ્વારા આઉટસોર્સિંગથી રાખવામાં આવતા સિક્યોરિટી ગાર્ડ, ગનમેન અનેબાઉન્સરો પાછળ ૩૫ કરોડ, રિવરફ્રન્ટમાં ગાર્ડ રાખવા આઠ કરોડ, જુદા જુદા ખાતા માટે કોમ્પ્યુટર ઓપરેટરો રાખવા ૩ કરોડ, બીઆરટીએસમાં ગાર્ડ પૂરા પાડતી એજન્સીને ૧૫ કરોડ મળી આઉટસોર્સિંગ પેટે જુદી જુદી એજન્સીઓને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેમણે મ્યુનિ.નાં ડે.કમિશનરોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગત સપ્ટેમ્બરમાં આઇટી પ્રોફેશનલની મહિને ૩.૪૦ લાખનાં પગારથી સેવાઓ મેળવવામાં આવી છે. જે મ્યુનિ.માં ફરજ બજાવતાં આઇએએસ અધિકારીઓનાં પગાર કરતાં અનેકગણો વધારે પગાર આઇટી પ્રોફેશનલ્સને ચૂકવાય છે અને તેઓ શું કરે છે તે કોઈને ખબર નથી.

