પોલીસ કોમ્બિંગ ઓપરેશન : ૯ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી, 27 વાહનોનું ચેકિંગ કરાયું
સુરત શહેરમાં પોલીસ દ્વારા અલગ-અલગ ઝોનમાં નાઈટ પેટ્રોલિંગ અને ખાસ કોમ્બિંગ ઓપરેશન : સુરત શહેરમાં પોલીસ દ્વારા શંકાસ્પદ ઘરોમાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ચેક કર્યા, ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારમાં હવાઈ મોનિટરિંગ કરવામાં આવ્યું
સુરત
સુરત શહેરમાં વધતા ગુનાહિત પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ઝોનમાં નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. ડીંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રે ખાસ કોમ્બિંગ ઓપરેશન ચલાવાયું હતુ. જેમાં પોલીસ ટીમોએ શંકાસ્પદ ઘરોમાં તપાસ કરી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ચેક કર્યા. આ ઓપરેશનની ખાસિયત એ રહી કે ચેકિંગ દરમિયાન પોલીસ ટીમે ડ્રોન કેમેરાની મદદ પણ લીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં મદદ મળી. ભેસ્તાન આવાસમાં આવેલા શંકાસ્પદ લોકો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની ઘરોમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું. આ ઓપરેશન દરમિયાન 150થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાં ઝોન-2 ડીસીપી, ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
સમગ્ર ઓપરેશન દરમિયાન બે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી. ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તારમાં હવાઈ મોનિટરિંગ કરવામાં આવ્યું, જેથી શંકાસ્પદ હલચલ પર નજર રાખી શકાઈ. ડ્રોનની મદદથી ઉંચી ઇમારતો અને સંકડી ગલીઓમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું, જ્યાં સીધા પોલીસ કર્મચારીઓ માટે પહોંચવું મુશ્કેલ બની શકે. સુરત શહેર પોલીસના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, ભેસ્તાન આવાસ અને આજુબાજુના વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવાનો અને શંકાસ્પદ શખ્સોની ઓળખ કરવાનો આ એક પ્રયાસ છે. ડ્રોન કેમેરાથી ઓપરેશનમાં વધુ સચોટ ચેકિંગ શક્ય બન્યું છે અને ભવિષ્યમાં પણ આ તકનિકી ઉપયોગમાં લેવામાં આવશે. પોલીસ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ હવે કોમ્બિંગ ઓપરેશન અને ચેકિંગ માટે વધુ સામાન્ય બની રહ્યો છે. મોટે ભાગે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સંકડી ગલીઓ અથવા ઊંચી ઈમારતોમાં આશરો લેતા હોય છે, જેનાથી પોલીસ માટે તેમની ગતિવિધિઓ પર નજર રાખવી મુશ્કેલ બની શકે. પરંતુ ડ્રોન કેમેરા આવી જગ્યાઓ પર સરળતાથી દેખરેખ રાખી શકે છે અને કોઇપણ શંકાસ્પદ હલચલ ઝડપથી પોલીસ સુધી પહોંચાડી શકે છે.
કોમ્બિંગ ઓપરેશન દરમિયાન અનેક ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી
• હથિયારધારા જાહેરનામાનો ભંગ: 7 શખ્સો વિરુદ્ધ GP Act કલમ 135 મુજબ કાર્યવાહી.
• અટકાયતી પગલાં: BNSS કલમ 126 અને 170 હેઠળ 2 શખ્સો વિરુદ્ધ પગલાં.
• તડીપાર કેસ: GP Act 142 મુજબ 1 કેસ નોંધાયો.
• પ્રોહીબીશન: કબજાનો 1 કેસ તથા પીધેલાના 5 કેસ.
• વાહન ચેકિંગ: ભેસ્તાન આવાસમાં 27 વાહનોનું ચેકિંગ.
• શંકાસ્પદ ઇસમોની તપાસ: MCR-HS-186, ટપોરી-5, તડીપાર-6, લિસ્ટેડ બુટલેગર-9, અન્ય શકમંદ 13 ઇસમોની તપાસ.