નરોડા
શહેરના નરોડા પાટીયા વિસ્તારમાં મોડીરાતે ચાર માથાભારે તત્વોએ બે યુવકો પર ઘાતકી હુમલો કર્યો છે, જેમાં એકનું મોત થતા ચકચાર મચી ગઇ છે. જાહેરમાં યુવકની હત્યા થતાની સાથેજ સમગ્ર વિસ્તારમાં એરારટી વ્યાપી ગઇ હતી. યુવક નોકરી પુરી કરીને ઘરે જઇ રહ્યો હતો, ત્યારે તેની હત્યા કરવામાં આવી છે. યુવકની પત્ની જ્યારે તેને શોધવા માટે નીકળી ત્યારે નરોડા પાટીયા પાસે ટોળુ જોયુ હતું. મહિલાએ ટોળામાં જઇને જોયુ તો તેના પતિની લાશ પડી હતી. નોબલનગર વિસ્તારમાં આવેલા સુભાષનગરમાં રહેતી કંકુબેન ઠાકોરે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અભય સહિત ચાર લોકો વિરૂદ્ધ હત્યા, હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. કંકુબેન ઘરકામ કરે છે અને તેના પતિ ભરત ઠાકોર તેમજ બે દીકરા, એક દીકરી સાથે રહે છે. ભરત ઠાકોર ઇન્ટાસ કંપનીની સ્ટાફ બસ અમદાવાદથી સાણંદ ચલાવે છે. ભરતની નોકરીનો સમય સવારે સાત વાગ્યાથી રાતે આઠ વાગ્યા સુધીનો છે. ગઇકાલે ભરત નોકરી જવા માટે સવારે પોણા સાત વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. રાતે ભરતનો આવવાનો સમય હતો, પરંતુ તે આવ્યો નહીં જેના કારણે કંકુબેન ચિંતામાં આવી ગયા હતા. કંકુબેને તરતજ ભરતને ફોન કર્યો, જેથી તેણે ફોન ઉપાડીને કહ્યુ કે, હું નરોડા પાટીયા આવી ગયો છું, થોડી વારમાં ઘરે આવુ છે. થોડા સમય બાદ કંકુબેને ભરતને ફોન કર્યો, પરંતુ તેણે ફોન કાપી નાખ્યો હતો અને બાદમાં એકાએક ફોન સ્વીચઓફ થઇ ગયો હતો. કોઇ અનિચ્છનીય બનાવ બન્યો છે તેવો ભાસ કંકુબેનને થયો હતો. જેથી તેણે તરત જ તેનું એક્ટિવા લઇને કૃષ્ણનગર બસસ્ટેન્ડ પાસે જવા માટે નીકળી ગઇ હતી. ભરત કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે ઇન્ટાસ કંપનીની બસ પાર્ક કરે છે. કંકુબેન નરોડા પાટીયા પાસે પહોચી ત્યારે લોકોનું ટોળુ ઉભું હતું. કંકુબેનને શંકા જતા તેણે પોતાનું એક્ટિવા પાર્ક કર્યુ હતું અને શું બનાવ બન્યો છે તે જોવા માટે ટોળામાં ગઇ હતી.
ટોળામાં જતાની સાથેજ કંકુબેને જોયુ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જમીન પર લોહીથી લથબથ હાલતમાં કંકુબેનનો પતિ ભરત ઠાકોર પડ્યો હતો. જેથી તેણે બુમાબુમ કરી દીધી હતી. કંકુબેને પોતાના સંબંધીઓને બોલાવી લીધા હતા. જ્યારે ભરત ઠાકોરની પાસે શિવપ્રકાશ નામનો યુવક પણ ઇજાગ્રસ્ત હાલતમાં હતો. 108 એમ્બ્યુલન્સની ટીમને સ્થાનિકોએ બોલાવી લીધી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોચી ત્યારે તેમને ભરત ઠાકોરને મૃત જાહેર કર્યા હતા જ્યારે શિવપ્રકાશને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નરોડા પાટીયા પાસે આવેલા આનંદ પાનપાર્લર પાસે ચાર યુવકોએ ભરત ઠાકોર અને શિવપ્રકાશ ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. પબ્લીકની અવરજવર વચ્ચે બે યુવકો પર છરીના ઘા ઝીંકી દેતા ભરત ઠાકોરનું કરૂણ મોત થયુ છે. ઘટનાની જાણ સરદારનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને હત્યા કેસમાં સંડોવાયેલા શખ્સની અટકાયત કરી લીધી હતી. ભરત ઠાકોરની હત્યા મામલે સ્થાનિકો વિવિધ ચર્ચા કરી રહ્યા છે. કોઇના મુખે લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની ચર્ચા છે તો કોઇના મુખે જુની અદવાતમાં હત્યા કરાઇ હોવાની ચર્ચા છે. આ મામલે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે કે, શકમંદના નિવેદનના આધારે ભરત ઠાકોરની હત્યા કેમ થઇ તેનો ખ્યાલ આવશે. રાબેતા મુજબ, ભરત ઠાકોર ગઇકાલે ઘરે ના આવ્યા ત્યારે કંકુબેને તેને ફોન કર્યો હતો. ભરત ફોન ઉપાડીને કંકુબેનને કહ્યુ હતું કે, હું થોડી વારમાં ઘરે આવુ છે. પતિ-પત્ની વચ્ચે આ છેલ્લી વાતચીત હતી. કારણ કે, અભયે ભરતનુ ઢીમ ઢાળી દીધુ હતું. કંકુબેન ભરતની રાહ જોતી હતી ત્યારે તેની લાશ હવે ઘરે આવી પહોચી છે. ભરતની હત્યા થતા તેના બે દીકરા અને દીકરીઓ રખડી પડ્યા છે.