રાજકોટ
રાજકોટમાં મરચાની સિઝન આવી ગઈ છે. ખેડૂતોના ખેતરમાં મરચાનો પાક તૈયાર થઈ ગયો છે અને એ જ પાક માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી રહ્યો છે. જોકે, જ્યારે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે છે ત્યારે તેમને નિરાશ થવાનો વારો આવે છે. મરચા વાવતા ખેડૂતો માટે માઠા સમાચાર છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ લાલ મરચાના આ વર્ષે સૌથી નીચા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. દેશભરમાં જાણીતું રાજકોટ પંથકનું લાલ મરચું આ વખતે ભાવમાં મોરું પડી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અલગ અલગ વસ્તુઓમાં મોંઘવારી ભલે આસમાને પહોંચી પરંતુ લાલ મરચાના ભાવ છેલ્લા પાંચ વર્ષમાં સતત ઘટી રહ્યા છે. હાલમાં એટલે કે વર્ષ 2025માં 1100 રૂપિયાથી લઈને 2600 સુધી મળી રહ્યા છે, 2024માં 1500 રૂપિયાથી લઈને 3800 સુધી મળ્યા હતા, વર્ષ 2023 માં 1800 રૂપિયાથી લઈને 4035 સુધી મળ્યા હતા. વર્ષ 2022માં 1200 રૂપિયાથી લઈને 3480 સુધી મળ્યા હતા. વર્ષ 2021માં 1800 રૂપિયાથી લઈને 3200 સુધી મળ્યા હતા. આ વર્ષે ઘટી રહેલા ભાવ પાછળનું કારણ એવું જાણવા મળી રહ્યું છે કે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં મરચાનું ઉત્પાદન થયું છે. જેમના કારણે રાજકોટ પંથકનું મરચું બહારના રાજ્યમાં વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોને ભાવ નીચા મળી રહ્યા છે.