જમીન માપણીમાં થયેલી ભૂલો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉતર આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, જમીન માપણી રી-સર્વેની કામગીરીમાં ખેડૂતોને સહેજ પણ અન્યાય ન થાય તેનું અમે પુરતુ ધ્યાન રાખી રહ્યાં છીએ. રી-સર્વે કામગીરી દરમિયાન થયેલી ટેકનીકલ ભૂલોના કિસ્સામાં જયાં સુધી ખેડૂતોના પ્રશ્નનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી રી-સર્વે કામગીરીનું અમલીકરણ કરીશું નહીં.
મહેસાણા જિલ્લામાં જમીન માપણીમાં ભુલો અંગે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે ઉમેર્યું કે, સમગ્ર ગુજરાતની જમીનના રી-સર્વેની કામગીરી હાલ કાર્યરત છે. અગાઉ ૮૦ વર્ષ પહેલા રી-સર્વે થયો હતો. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રી-સર્વેની કામગીરી પૂર્ણ થવાના આરે છે. જમીન માપણીની પ્રક્રિયા અદ્યતન સાધનો થકી કરવામાં આવે છે. આ અદ્યતન સાધનોની ખરીદી માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેના પરિણામે આ કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ જશે.
છેલ્લાં બે વર્ષમાં મહેસાણા જિલ્લામાં જમીન માપણીમાં થયેલી ભૂલો સુધારવા માટેની ૭૪૭૯ અરજીઓનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. જમીન માપણીની પ્રક્રિયાની સમજૂતિ ગ્રામ્ય સ્તરે ગ્રામસભા યોજીને તેમાં સૌને ભેગા કરીને આપવામાં આવી રહી છે. એટલું જ નહીં જમીન માપણીમાં ભૂલ કરનાર એજન્સીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે. તે ઉપરાંત સર્વેની કામગીરી પુન: ઝડપી કરી દેવામાં આવી છે.