ગાંધીનગરના ભાટ વિસ્તારમાં મધર ડેરી નજીક આવેલી સ્કાય વ્યૂ નામની નિર્માણાધીન રહેણાંક સ્કીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનના બાંસવાડાના વતની 22 વર્ષીય વિજયપાલ ઉર્ફે મનીષ ડામોર નામના મજૂરની લાશ બિલ્ડિંગના 12મા માળે દોરડા વડે લટકેલી હાલતમાં મળી આવી છે. મૃતક મનીષ છેલ્લા સાત મહિનાથી તેના ભાઈ અને પરિવારજનો સાથે અહીં મજૂરી કામ કરતો હતો. ગઈકાલે રાત્રે પરિવાર સાથે જમીને સૂતેલા મનીષની લાશ સવારે તેની ભાભીએ બાલ્કનીના આરસીસી બીમમાં લટકતી જોઈ હતી. ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડની મદદથી લાશને નીચે ઉતારવામાં આવી હતી. તપાસ કરી રહેલા જમાદાર શૈલેષભાઈના જણાવ્યા અનુસાર, મૃતકના પરિવારમાં બે ભાઈઓ અને બે બહેનો પણ અહીં મજૂરી કામ કરે છે. યુવકે આપઘાત કરવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનો અને સાથે રહેતા મજૂરોની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે.

