કેન્દ્ર સરકાર સત્તા બચાવવાની મથામણમાં દેશના વિકાસ, વિત્તીય વ્યવસ્થાપન અને વિદેશનીતિની દિશા ખોઈ બેઠી છે : જયનારાયણ વ્યાસ

Spread the love

ગરીબ, યુવાન, ખેતી અને ખેડૂત ગ્રામ વિકાસ જેવા શબ્દો મોદી સરકારના શબ્દકોષમાંથી ખોવાયા છે. બજેટના ઉદ્દેશમાં ‘રાઈઝીંગ મીડલ ક્લાસ’ લખ્યું છે, પણ હકીકતમાં તો મધ્યમવર્ગ સંકોચાઈ રહ્યો છે. એના હાથમાં ખરીદી માટે વધુ નાણા મૂકશો એ વાત તર્કસંગત છે ખરી? : જયનારાયણ વ્યાસ

અમદાવાદ

કેન્દ્ર સરકાર સત્તા બચાવવાની મથામણમાં દેશના વિકાસ, વિત્તીય વ્યવસ્થાપન અને વિદેશનીતિની દિશા ખોઈ બેઠી છે. તેવામાં ગુજરાત અને દેશની આર્થિક વ્યવસ્થા પર થનાર અસર અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રીશ્રી જયનારાયણ વ્યાસએ જણાવ્યું હતું કે ગરીબ, યુવાન, ખેતી અને ખેડૂત ગ્રામ વિકાસ જેવા શબ્દો મોદી સરકારના શબ્દકોષમાંથી ખોવાયા છે. બજેટના ઉદ્દેશમાં ‘રાઈઝીંગ મીડલ ક્લાસ’ લખ્યું છે, પણ હકીકતમાં તો મધ્યમવર્ગ સંકોચાઈ રહ્યો છે. એના હાથમાં ખરીદી માટે વધુ નાણા મૂકશો એ વાત તર્કસંગત છે ખરી? ભારતના મધ્યમવર્ગની ખર્ચ કરવાની શક્તિ વધારવી સાથે સીધી રીતે સુસંગત હોય એના કરતાં ફિલોસોફિકલ હોય તેવી વાતો વધુ કરવામાં આવી છે. ફુગાવો વધે તેમ જીએસટીમાં રાહત મળવી જોઈએ, એના બદલે ભાવ વધે તેમ જીએસટીનો બોજ પણ વધે. સરકાર મોંઘવારી કાબૂમાં રાખી શકે નહીં તો એનો બોજ ખાસ કરીને ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ જે ભેગા થઈને ૯૭ ટકા જીએસટી ભરે છે, એના ઉપર શા માટે નાખવાની?
માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પુનઃજીવિત કરવાની વાત કરવામાં આવી છે, પણ મૂળ પ્રશ્ન લઘુઉદ્યોગની વ્યાખ્યા બદલી ૧૦૦ કરોડનો ટર્નઓવર કરવામાં આવી. કયો લઘુઉદ્યોગ ૧૦૦ કરોડના ટર્નઓવરવાળો હોઈ? એ સવાલ છે. અગાઉની જેમ એને મશીનરીમાં રોકાણ સાથે જોડવું પડશે અને લઘુઉદ્યોગ જે ઉત્પાદનો બનાવી શકે તેને ખાસ પ્રોત્સાહનો આપવા પડશે. કૃષિ સમૃદ્ધ બને, ખેડૂતને માટે એ પોષણક્ષમ બને, મૂડીપ્રચૂર નહીં પણ શ્રમપ્રચૂર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે જેથી રોજગારી ઊભી થાય અને જે થકી વળી પાછો મધ્યમવર્ગ વિકસિત બને, એવા કોઈ ઉદ્દેશો સાથે બજેટ સુસંગત નથી. દેશમાં ૧૩૦ કરોડની વસ્તીમાં કુલ આવકવેરાના રીટર્ન ભરાયા તેમાંથી ૫.૫૮ કરોડ એટલે કે, ૬૬.૫ ટકા શૂન્ય ટેક્ષ જવાબદારી સાથેના હતા એટલે કે આમેય જે રીટર્ન ભરે છે, એમાંથી ૩૫ ટકા કરતા વધારેને ટેક્ષ ભરવાનો થતો નથી તો આ બાર લાખની આવક સુધી ઇન્કમટેક્ષમાંથી મુક્તિ આપવાની રોમાંચક કલ્પના નાણામંત્રીએ કરી છે તે કોના લાભાર્થે છે? શું એના થકી મધ્યમવર્ગના હાથમાં વધારે આવક મૂકી શકાશે ખરી? આમ, સામાન્ય માણસના હાથમાં ઇન્કમટેક્ષના લાભ જશે એવી એક છેતરામણી જાહેરખબર આ બજેટ કરે છે, એમાં કેટલું તથ્ય છે?
મનરેગામાં ઘટાડેલ / સ્થગિત ફાળવણી – ગ્રામ્ય રોજગારી અને ગ્રામ્ય ગરીબોને નુકસાન – સરેરાશ વાર્ષિક ૧૦૦ દિવસ રોજગારી આપવાની ખાતરી સામે અરધી રોજગારી જ અપાય છે. મનરેગા દુનિયાની મોટામાં મોટી રોજગારીની ખાતરી આપતી યોજના છે અને ગ્રામ્ય બેરોજગારી સામે એક અસરકારક હથિયાર છે. ૨૦૨૨ના નાણાકીય વર્ષમાં એ માટેની જોગવાઈ ૧ લાખ ૧૦ હજાર કરોડથી ઉપર હતી જે ૨૦૨૪-૨૫ના સુધારેલા અંદાજ પ્રમાણે ૮૬ હજાર કરોડ થઈ ગઈ. આને કારણે ઘણા કામદારોને નાણા ચુકવણી ઘાંચમાં મુકાઈ. મોદી સરકારનો અભિગમ ગ્રામ્ય બેરોજગારીને નજરઅંદાજ કરવાનો રહ્યો છે. લોકસભાની સ્ટેન્ડિંગ કમિટીએ તૈયાર કરેલ અહેવાલ ‘રૂરલ એમ્પ્લોયમેન્ટ થ્રુ મનરેગા’માં અવલોકન કરવામાં આવ્યું છે કે ૨૦૨૩-૨૪ દરમિયાન મૂકવામાં આવેલ બજેટ કાપ તર્કહીન છે. આ યોજના હેઠળ વર્ષે સરેરાશ ૧૦૦ દિવસની રોજગારી આપવાની બાહેધરી આપવામાં આવી છે તેના બદલે સરકાર ભાગ્યે જ અડધે પહોંચે છે. આમ ગ્રામ્ય રોજગારી અને તેને કારણે ગ્રામ્ય ગરીબી સામે સરકાર બેદરકાર રહી છે. કોઈ પણ ઝડપથી વિકસતી જતી અર્થવ્યવસ્થા જરૂરી આંતરમાળખાકીય સવલતો જેવી કે, રેલવે, માર્ગપરિવહન, હવાઈ સેવાઓ વગેરેનો પૂરતો ટેકો અને સાથ માગે છે. આમાં પણ માર્ગ અને રેલવે બે સેવાઓ એવી છે કે જે દેશની વિશાળ જનસંખ્યાની સેવા કરે છે. ૨૦૨૪-૨૫ના બજેટના સંશોધિત અનુમાન મુજબ રેલવે માટે ૨,૧૨,૭૮૬ કરોડનું અનુમાન છે તે સામે આવનાર વર્ષ ૨૦૨૫-૨૬માં ૨,૧૩,૫૫૨ કરોડ એટલે કે ૭૬૬ કરોડની નગણ્ય વૃદ્ધિ કરવામાં આવી છે. માત્ર ૪ ટકાનો ફુગાવાનો દર ગણીએ તો પણ ફુગાવો અથવા મોંઘવારીને સરભર કરવા માટે ૮૫૦૭ કરોડ જોઈએ. આમ, રેલવેને સરાસર અન્યાય થયો છે અથવા સ૨કા૨ રેલવે પણ કોઈને પધરાવી દેવા માગે છે, તેવી શંકા જાય છે.
આપણી અર્થવ્યવસ્થામાં મંદી પ્રવેશી છે. તેની અસરો હવે દેખાવા માંડી છે. પરિણામે સ૨કારી યોજનાઓ બનાવવાની અને નવી યોજનાઓ લાગુ કરવાની સરકારી ક્ષમતા ઉપર મર્યાદા આવી ગઈ છે અને એનો ભોગ સામાજિક સેવાઓને પણ બનવું પડ્યું છે.
એસસી, એસટી, ઓબીસી ઔર અલ્પસંખ્યકો માટે મોટી કાપ મુક્વમાં આવી છે.

પીએમ અનુસૂચિત જાતિ અભ્યુદય યોજના
• બજેટ અનુમાન (BE) ૨૦૨૪-૨૫ : રૂ. ૨૧૪૦ કરોડ જયારે સંશોધિત અનુમાન (RE) ૨૦૨૪-૨૫ : રૂ. ૮૦૦ કરોડ
પીએસ યંગ અચિવર્સ સ્કૉલરશીપ (ઓબીસી, ઇબીસી, ડીએનટી)
• BE ૨૦૨૪-૨૫ : રૂ. ૧૮૩૬ કરોડ જયારે RE ૨૦૨૪-૨૫ : રૂ. ૧૩૮૧ કરોડ
એસસી માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
• BE ૨૦૨૪-૨૫ : રૂ. ૬૩૬૦ કરોડ જયારે RE ૨૦૨૪-૨૫ : રૂ. ૫૫૦૦ કરોડ
એસટીના વિકાસ માટે કાર્યક્રમ
• BE ૨૦૨૪-૨૫ : રૂ. ૪૩૦૦ કરોડ જયારે RE ૨૦૨૪-૨૫ : રૂ. ૩૬૩૦ કરોડ
આ બજેટની વાત કરીએ તો ૨૦૨૫-૨૬ માટે મૂડીગત ખર્ચમાં ૧,૦૨,૬૬૧ કરોડની વૃદ્ધિ કરવામાં આવી છે. આમ છતાંય ૨૦૨૪-૨૫માં ૯૨,૨૮૬ કરોડની ખોટ રહી હતી તે જોતાં આ વખતના બજેટની જોગવાઈ પણ વિશ્વાસ મૂકવાનું શક્ય નથી. ૨૦૨૪-૨૫નું રિવાઇઝ અનુમાન અને ૨૦૨૫-૨૬ની બજેટ જોગવાઈઓને જોઈએ તો સરકારે જાણે કે લોકકલ્યાણની પોતાની યોજનાઓ જે ખરેખર આમઆદમી માટે લાભદાયક બની શકે તેના પરનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે. આનાં કેટલાક ઉદાહરણો: પોષણ યોજના, જલ જીવન મિશન, રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ (એનએસએપી), પ્રધાનમંત્રીએ ગ્રામ સડક યોજના, ફસલ બીમા યોજના, યૂરિયા સબસિડી, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના.
કહેવાતા નવા રોજગાર સર્જન માટેના કાર્યક્રમો તેમજ સ્કીલ ઇન્ડિયા જેવી યોજનાઓ પર આ સરકારે મોટા મોટા વાયદાઓ કર્યા હતા અને ૨૦૨૪-૨૫ના બજેટમાં ૨૬,૦૧૮ કરોડ તે સામે ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં ૧૫,૨૮૬ કરોડ એટલે કે ૧૦,૭૩૨ જેટલો ઘટાડો ખર્ચમાં થયો છે. મંદીના આ સમયગાળામાં નાણાખાધ ૦.૧ ટકો ઘટાડીને અર્થવ્યવસ્થાને ગૂંગળાવવા કરતાં ૬ ટકા અથવા તેથી પણ વધારે નાણાખાધ રાખીને બજારમાં મૂડીની તરલતા રહે અને વિકાસની સાથે રોજગારીનું પણ સર્જન થાય એમ કરવાની જરૂર હતી.
આવકવેરોની પાત્ર ૬.૮% વસતી જ ભરે છે. મધ્યમ વર્ગ સંકોચાઇ રહ્યો છે.
બજેટ મધ્યમવર્ગની બધી સમસ્યાઓનો ઉકેલ છે એવું નાણામંત્રીએ કહ્યું. હવે જ્યાં કુલ ૬.૮ ટકા વસતી આવકવેરો ભરી શકે એ ઝોનમાં આવતી હોય તો એ તો ઉચ્ચ મધ્યમવર્ગ અને ધન્નાશેઠો જ હોય છે. મધ્યમવર્ગને રાહત કઈ રીતે મળે? ગરીબો માટે તો સબસિડી કે અન્ય રાહત થાય તેવાં પગલાં લેવા જોઈએ, જેમાંનું કંઈ સરકારે કર્યું નથી. મધ્યમવર્ગની બચત અને ખરીદી તેમજ વપરાશ કઈ રીતે વધશે? તે અધ્યાહાર છે. આ દેશમાં મધ્યમવર્ગ સંકોચાઈ રહ્યો છે. એ ઉપર નથી જઈ રહ્યો પણ પેલા પાંચ કિલો મફત અનાજ મેળવનારા ૮૦ કરોડ ગરીબીમાં જીવતા લોકોમાં જોડાઈ રહ્યા છે અને એને કારણે દુનિયાની આ સૌથી મોટી મુક્ત બજારમાં ઘરાકી ઘટી રહી છે. એફએમસીજીથી માંડી મધ્યમવર્ગ ખરીદે તે રેન્જના વાહનોના વેચાણના આંકડા ઘટી રહ્યા છે, જે બતાવે છે કે મધ્યમવર્ગ ખર્ચ નથી કરી રહ્યો કારણ કે તેની પાસે એના માટેની આવક જ નથી. આ વર્ગ સંકોચાઈ રહ્યો છે. એની માથાદીઠ ખર્ચ કરવાપાત્ર આવક ઘટી રહી છે, પરિણામે જીડીપીનો વિકાસદર ઘટી રહ્યો છે.
ભારત વિશ્વનો સૌથી યુવાન દેશોમાંનો એક છે. અહીંયા ૧૫થી ૫૫ વર્ષ વચ્ચેના વયજૂથમાં ૭૦ ટકા વસતી છે. આ વસતીને જો કામ અને યોગ્ય આવકના સાધનો સાથેનું જીવનધોરણ આપવું હોય તો પ્રથમ આરોગ્યને લાગેવળગે છે ત્યાં સુધી આ બજેટમાં પણ માત્ર ૩ ટકા જેટલી રકમ ફાળવવામાં આવી છે. આજે જાતજાતની યોજનાઓ છતાં પણ કોઈ માણસ બીમાર પડે તો માંદગીમાં દવાઓ તેમજ અન્ય ખર્ચના ૬૦ ટકા એણે પોતાના ગજવામાંથી ભોગવવા પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોનો આરોગ્યલક્ષી આંતરમાળખાકીય સવલતો ઊભી કરવામાં અપૂરતા યોગદાનને કારણે ચીરી નાખે તેવા પૈસા વસૂલ કરતી ખાનગી હૉસ્પિટલો ફૂલીફાલી રહી છે.
અર્થવ્યવસ્થાની વિકાસનો દર ધીમો પડી રહ્યો છે. જો સરકાર આ જ રીતે ચાલશે તો ૨૦૨૫-૨૬માં બજટમાં ગમે તે રંગોળીઓ પૂરવામાં આવી હોય જીડીપીનો વિકાસદર ૬થી સાડા ટકા વટાવશે નહીં. જો ભારતને ૨૦૨૭માં તેના રીવાઇઝડ ટાર્ગેટ મુજબ પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવી હોય અને ૨૦૪૭ સુધીમાં વિશ્વની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં લઈ જવી હોય તો સરેરાશ ૮ ટકાનો સ્થિર જીડીપી વૃદ્ધિદર જોઈએ. આવું નહીં થાય તો ભારત બેરોજગારીથી માંડી મંદી તેમજ કૃષિ ક્ષેત્રે અનેક તકલીફોમાં ફસાશે.
તેલીની ખાદ્યને પોહચી વળવા ૮૦ હજાર કરોડનું ખાદ્યતેલ આપણે આયાત કરવું પડે છે. આ આયાત કઈ રીતે ઘટાડીશું તેમજ ટ્રમ્પ શાસનમાં અમેરિકાની ટેરિફ અને ટ્રેડવૉરની જે નીતિ છે, તેના સામે આપણી વ્યૂહરચના શું હશે તે અંગેનો એક હરફ પણ નાણામંત્રીશ્રીએ પ્રોજેક્ટમાં ઉચ્ચાર્યો નથી. ઉલટાનો આ વખતના બજેટમાં નિર્મળા સીતારામનના કોઈ પણ બજેટ કરતા વધુ આઇટમો ઉપર ડ્યૂટી ઘટાડવાની જાહેરાત છે વધતું જતું આંતરિક અને વિદેશી દેવું જે ગયા વરસની સામે આગામી વર્ષે સવા આઠ ટકા વધશે. તે ચિંતાનો વિષય છે. બજેટ ડૉક્યુમેન્ટમાં આપવામાં આવેલી વિગતો મુજબ ૨૦૨૪-૨૫માં આંતરિક દેવું ૧૭૫.૫૬ લાખ કરોડ અને બાહ્ય દેવું ૬ લાખ ૧૮ હજાર કરોડ જેટલું હતું તે વધીને વર્ષ૨૦૨૫-૨૬ દરમિયાન આંતરિક દેવું ૧૯૦.૧૪ લાખ કરોડ અને બાહ્ય દેવું ૬.૬૪ લાખ કરોડ મળી કુલ ૧૯૬.૮૦ લાખ કરોડ થયું. જેમાં ૮.૨૫ ટકાનો વધારો થયો છે.
ટૂંકમાં આ બજેટ દિશાવિહીન, દૃષ્ટિવિહીન અને ધનીકોને વધુ ધનવાન, ગરીબોને વધુ ગરીબ બનાવે એવું અણઘડ બજેટ છે. મનરેગાથી માંડી યુવા રોજગારી અને કરવેરાથી માંડી સર્વસમાવેશક વિકાસનો અવરોધક આ બજેટ દેશના દેવામાં વધારો કરશે અને અર્થવ્યવસ્થાના વિકાસનો દર ઘટાડશે.
અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ એ જણાવ્યું હતું કે દેશમાં મોંઘવારી ઘટાડવા માટેના કોઈ નક્કર આયોજન નથી. ભાજપનું થાલીનોમિક્સ ફેઇલ થઇ ગયું છે. દેશની અર્થવ્યવસ્થા ૨૦૪૭માં જો પાંચ ટ્રિલિયન ડૉલરની થવાની હોય તો આપણો જીડીપી વૃદ્ધિદર સતત ૮ ટકા કે તેથી વધુ રહેવો જોઈએ. આ માટે વધુ લોકોના હાથમાં વધુ પૈસા મૂકાય અને તેમની ખરીદી વધે તે જરૂરી છે. જીએસટી કાયદાઓનું સરળીકરણ અને માનવીય અભિગમ બંને જરૂરી છે. પરતું જીએસટીના અણઘડ અમલીકરણ, ગુંચવાડુભર્યું ટેક્ષ માળખાને કારણે વેપારી વર્ગ ત્રસ્ત બન્યો છે. હાલની કેન્દ્રીય સરકાર આ કાયદાઓનો રાજકીય ઉપયોગ વધારે કરે છે અને ચૂંટણી ટાણે સરકારના આ બધા નિયમન તંત્રો અમુક ચોક્કસ નિર્ધારિત ઉદ્દેશો સાથે તૂટી પડે છે શિક્ષણ, આરોગ્ય શ્રેત્રે ગુણવત્તા સુધારણા યુદ્ધના ધોરણે હાથ ધરવી જરૂરી છે. સરકારે નવી શિક્ષણનીતિ તો જાહેર કરી છે, પણ શિક્ષણની ગુણવત્તા સતત કથળતી રહી. ગરીબને ઠેંગો અને મળતિયા ઉદ્યોગપતિઓ માટે રેડ કાર્પેટ વાળું બજેટ સામાન્ય નાગરિકોને અન્યાય કરતા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર, પ્રદેશ મહામંત્રીશ્રી રાજુભાઈ ભ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com