વડોદરા
વડોદરા જિલ્લાના ડભોઈમાં નગરપાલિકા દ્વારા ખોદેલા ખાડામાં માર્ગ પરથી પસાર થતો વાહનચાલક એકાએક ખાડામાં ખાબક્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સીસીટીવીમાં નજરે પડે છે કે બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો અને અચાનક બાઈક સ્લિપ ખાતા તે સીધો ખાડામાં ઊંધે માથે પટકાય છે. વડોદરા જિલ્લાના ડભોઇ નગરપાલિકાની ઘોર બેદરકારીનો એક બનાવ સામે આવ્યો છે. ડભોઈના તાઇવાગા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર એક ખાડો ખોદેલો છે. જ્યાંથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ખોદેલા ખાડાની બાજુમાં પહોંચતા જ ખાડાની બાજુમાં નાખેલી માટીમાં એકાએક બાઈક સ્લિપ ખાઈ જાય છે. બાઈક સ્લિપ ખાતાની સાથે જ બાઈકચાલક બાજુમાં યોગ્ય બેરિકેડિંગ વગર ખોદેલા ખાડામાં ઊંધા માથે પટકાય છે.
ખાડામાં ખાબકેલા બાઈકચાલક ઉંમરલાયક છે અને તેઓને સમાન્ય ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સામે રહેલા મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાઈકચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ મુખ્ય માર્ગની વચ્ચે ખાડો હોવાથી સ્થાનિકોની રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં આવતાં નથી. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અહીંયાં કામગીરી માટે ખાડો ખોદવામાં આવે છે, પરંતુ તેને યોગ્ય બેરિકેડિંગ ન કરતા આવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લઈ આવા ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માગ કરી છે. આ બનાવને લઈ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.