અમરેલી
અમરેલી જિલ્લામાં બોગસ તબીબો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચના પી.આઈ. આર.ડી.ચૌધરીની ટીમને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે રાજુલા રોડ પર આવેલી એક ભાડાની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મેડિકલ ઓફિસરની ટીમ સાથે કરવામાં આવેલી રેડમાં એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યાં હતા. આરોપી હરેરામ હરદેવભાઈ શાહની ધરપકડ કરવામાં આવી છે. તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને કોવાયા ગામ નજીક નામ વગરનું ક્લિનિક ચલાવતો હતો. પોલીસે આરોપી પાસેથી દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 18,113નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં, ખાસ કરીને દરિયા કાંઠાના ગામડાઓમાં, ડિગ્રી વગરના બોગસ ડૉક્ટરોની સંખ્યા વધી રહી છે.
