સુરત
હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક વર્ષોથી વ્યાપક મંદીમાં સપડાયો છે. મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. સુરત શહેર હીરા ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાય છે. અને સુરત ઉપરાંત સૌરાષ્ટ્રના નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં પણ હીરાના કારખાના આવેલા છે, જેમાં મોટાભાગના હીરાના કારખાનાને તાળાં લાગી ગયા છે. આથી બેરોજગાર બનેલા રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવા માટે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરી હતી. જેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે બે દિવસમાં સરકાર એક્શન પ્લાન બનાવશે. પણ 10 દિવસ વિતી ગયા છતાં આ અંગે સરકારે કોઈ નિર્ણય ન લેતા 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે રત્ન કલાકારો કોઈ આર્થિક રાહત મળે તે માટે સરકાર તરફ મીટ માંડીને બેઠા છે. મુખ્યમંત્રીએ પણ સહાનુભૂતી વ્યક્ત કરીને બે દિવસમાં રત્ન કલાકારો માટે એક્શન પ્લાન જાહેર કરાશે તેવું આશ્વાસન આપ્યું હતું. પણ સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ન લેતા હવે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે.
છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી. દસેક દિવસ પહેલાં યુનિયને હડતાળનું એલાન કર્યું તેના બીજા દિવસે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિયેશનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મીટિંગ મળી હતી, જેમાં મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે 2 દિવસમાં સરકાર એક્શન પ્લાન બનાવશે. આ વાતને આજે 10થી વધારે દિવસ થઈ ગયા હોવા છતાં સરકાર દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેને લઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરી આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવા માટેનું એલાન કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ વર્કર યુનિયનના સૂત્રોએ જણાવ્યુ હતું કે જ્યારે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન નું ડેલીગેશન મુખ્યમંત્રીને મળ્યું ત્યારે તેમના દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે બે દિવસમાં અમે એક્શન પ્લાન બનાવીશું, પરંતુ હજી સુધી સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યાં નથી, જેને લઈને એસોસિએશન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સરકાર દ્વારા 30 માર્ચ સુધીમાં જો કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે છે તો ચોક્કસપણે હડતાળ પાડવામાં આવશે.