મથુરા
વૃક્ષોના આડેધડ કટીંગને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની અને આકરી ટીપ્પણી કરી છે. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (CEC)ના અહેવાલને સ્વીકારીને સર્વોચ્ચ અદાલતે વૃક્ષો કાપવા બદલ પ્રતિ વૃક્ષ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોને મારવા કરતાં પણ ખરાબ છે. ઉપરાંત, કોર્ટે ગેરકાયદેસર રીતે કાપેલા દરેક વૃક્ષ માટે એક વ્યક્તિ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેન્ચે તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં 454 વૃક્ષો કાપવાના આરોપીની અરજીને ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી.
ખંડપીઠે કહ્યું, પપર્યાવરણના મામલે કોઈ દયા ન રાખવી જોઈએ. મોટી સંખ્યામાં વૃક્ષો કાપવા એ માણસોને મારવા કરતાં પણ ખરાબ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરવાનગી વિના કાપવામાં આવેલા 454 વૃક્ષોથી બનેલા ગ્રીન એરિયાને ફરીથી બનાવવામાં અથવા તેને પુનઃજીવિત કરવામાં ઓછામાં ઓછા 100 વર્ષનો સમય લાગશે. તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં પરવાનગી વિના વૃક્ષો કાપવાના મામલામાં સુપ્રીમ કોર્ટે મથુરાના દાલમિયા બાગના માલિકો પર 4.54 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દરેક વૃક્ષ પર 1 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. દાલમિયા બાગમાં કુલ 454 વૃક્ષો કાપવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થયેલી સુનાવણીમાં કોર્ટે જમીન માલિકને દાલમિયા બાગની એક કિમીની ત્રિજ્યામાં 9080 વૃક્ષો વાવવા માટે જમીન આપવાનો આદેશ આપ્યો છે. વૃક્ષો વાવ્યા બાદ તેની જાળવણી માટે વન વિભાગને પૈસા પણ જમા કરાવવાના રહેશે. બેન્ચે તાજ ટ્રેપેઝિયમ ઝોનમાં વૃક્ષો કાપવા પર ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની ભલામણોને સ્વીકારતા કોર્ટે દાલમિયા બાગ કેસમાં પ્રત્યેક વૃક્ષ માટે 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો હતો.