દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો,
જગતમંદિર ખાતે અધિકારીઓ સાથે રીવ્યૂ મિટિંગ બાદ લેન્ડિંગ પોઇન્ટની સુરક્ષા સઘન બનાવવા સૂચના

રાજકોટ રેન્જ આઈ.જી અશોક કુમાર યાદવએ જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જમાં કુલ પાંચ જેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. આતંકી હુમલાને લઇ પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને દરિયાઈ સુરક્ષા ઉપર પણ અસરકારક રીતે વધુ સુરક્ષા તેજ કરવામાં આવી છે. રાજકોટ રેન્જ અંતર્ગત આવતા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા દરિયાઈ તટ સાથે જોડાયેલા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ઓખાથી દુશ્મન દેશની સરહદ ખૂબ જ નજીક છે. ત્યારે ખાસ કરીને રાજકોટ રેન્જ અંતર્ગત આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિબંધિત ટાપુઓ ઉપર ડ્રોન મારફતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા તમામ જગ્યાએ નાકાબંધી કરી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યા છે તેમજ તમામ જિલ્લાની SOG અને LCB સહીત પોલીસ એલર્ટ કરી દેવામાં આવી છે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગત મંદિર દ્વારકાની સુરક્ષાનો પણ રિવ્યુ કરવામાં આવ્યું છે. ગઇકાલે જગત મંદિર દ્વારકા ખાતે ફરજ બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને ચોક્કસ બ્રિફિંગ પણ આપવામાં આવ્યું હતું. અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લેન્ડિંગ પોઇન્ટ આવેલા હોવાથી ત્યાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.